સુરતમાં ગણેશ ભક્તો નારાજ: ગણપતિ આગમનના બેનર ફાડવામાં આવતા સ્થાનિકોમાં રોષ | મુંબઈ સમાચાર
Uncategorized

સુરતમાં ગણેશ ભક્તો નારાજ: ગણપતિ આગમનના બેનર ફાડવામાં આવતા સ્થાનિકોમાં રોષ

સુરતઃ શહેરમાં ગણેશ મહોત્સવ પહેલા કેટલાક અસામાજિક તત્વોએ વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. શહેરના વેસુ વિસ્તારમાં કેટલાક ઇસમોએ ગણપતિ બાપાના આગમનના બેનર ફાડી નાંખ્યા હતા. જેને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મળતી વિગત પ્રમાણે વેસુના ડોક્ટર હેડગેવાર નગરમાં ગણપતિ બાપાના આગમનના વધામણાં માટે લગાવવામાં આવેલા બેનરોને અજાણ્યા ઇસમોએ ફાડી નાખ્યા હતા.

ગણપતિ બાપાના બેનરો ફાડીને અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ થતાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. એક દિવસ પહેલા જ 15 ગણેશ પ્રતિમાઓની આંગળીઓ તોડી નાખવાની ઘટના બાદ આ ઘટના બનતાં પોલીસ પણ દોડતી થઈ હતી. બેનરો ફાડનાર અસામાજિક તત્વો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. અસામાજિક તત્વો બાબાસાહેબ આંબેડકર સહિતના અન્ય બેનરોને પણ ફાડતા નજરે પડ્યા હતા.

આ પણ વાંચો: Ganesh Chaturthi 2025: જાણો કઈ તારીખે છે ગણેશ ચતુર્થી? આ વખતે કેટલા કલાકનું છે પૂજાનું શુભ મુહૂર્ત?

સૂત્રોના જણાવ્યા મુજબ, ગણપતિ બાપાના બેનરો ઉપરાંત, ડૉ. બાબાસાહેબ આંબેડકર સહિત કેટલીક સ્થાનિક દુકાનોના બેનરોને પણ ફાડી નાખવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે ધાર્મિક લાગણી દુભાઈ હોવાથી લોકોમાં આક્રોશ છે. આ કૃત્ય કરનારા અસામાજિક તત્વો સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાથી સ્થાનિક લોકોએ વેસુ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી અને આ તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button