‘મારે ડૉક્ટર નથી બનવું’, NEETમાં 99.99 પર્સન્ટાઇલ લાવનાર વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું

ચંદ્રપુર: દેશની ટોચની મેડીકલ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવામાં આવતી નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) માટે લાખો વિદ્યાર્થીઓ રાતદિવસ મહેનત કરતા હોય છે. વિદ્યાર્થીઓનું સપનું હોય છે કે આ પરીક્ષા પાસ કરીને ડોકટર બનવું. એવામાં મહારાષ્ટ્રમાં એક ગંભીર ઘટના બની છે. અત્યંત કઠીન માનવામાં આવતી NEETની પરીક્ષા 99.99 પર્સન્ટાઇલ સાથે પાસ કરનાર મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઈ છે.
અહેવાલ મુજબ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના સિંદેવાહી તાલુકાના નવાગાંવનો રહેવાસી 19 વર્ષના વિદ્યાર્થી અનુરાગ અનિલ બોરકરે NEET UG 2025ની પરીક્ષા 99.99 પર્સન્ટાઇલ સાથે પાસ કરી હતી અને OBC કેટેગરીમાં 1475 ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો હતો. મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ઘરેથી નીકળવાના દિવસે જ તેને આત્મહત્યા કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
આ પણ વાંચો: NEET UG માં સફળ ન થયા? ચિંતા ન કરો! દેશની સેના સાથે નર્સિંગ ક્ષેત્રમાં બનાવો ઉજ્જવળ કારકિર્દી
મેડીકલ કોલેજમાં એડમિશન મળ્યું પણ…
અહેવાલ મુજબ અનુરાગ મેડીકલનો અભ્યાસ કરવા ઈચ્છતો ન હતો, પણ પરિવાર દ્વારા તેના પર દબાણ વધી રહ્યું હતું. જીવન ટૂંકાવતા પહેલા અનુરાગે એક સુસાઇડ નોટ છોડી હતી, જેમાં તેણે લખ્યું છે કે તે ડૉક્ટર બનવા માંગતો નથી.
અનુરાગને ઉત્તર પ્રદેશના ગોરખપુરની એક મેડીકલ કોલેજમાં MBBS કોર્સમાં એડમીશન મળી ગયું હતું, પરંતુ તે ખુશ ન હતો. ગોરખપુર માટે નીકળવાના દિવસે જ ઘરે તેનો દેહ લટકતી હાલત મળી આવ્યો હતો. રૂમમાંથી એક નોટ મળી આવી છે, અધિકારીઓએ આ નોટની સમગ્ર માહિતી જાહેર કરી નથી. પરંતુ સુત્રોના જણાવ્યા મુજબ અનુરાગે લખ્યું હતું કે તે ડૉક્ટર બનવા માંગતો નથી.
નવરગાંવ પોલીસ સ્ટેશનના અધિકારીઓ આ કેસની તપાસ કરી રહ્યા છે.
વિદ્યાર્થીઓના માનસિક સ્વાથ્ય અંગે ચિંતા:
નોંધનીય છે કે ફરિફાઈના આ જમાનામાં માતાપિતા તરફથી બાળકો પર ભણતર અને કારકિર્દીનું દબાણ સતત વધી રહ્યું છે. પરીક્ષામાં સારું પ્રદર્શન કરવા છતાં બાળકો અન્ય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા હોય છે, એ વાત ઘણા પરિવારો સમજી શકતા નથી, જેને કારણે ઘણાં બાળકો આત્યંતિક પગલું ભરી બેસે છે, રાજસ્થાનના કોટામાં અવારનવાર બનતી આવી ઘટનાઓ ખુબ ગંભીર છે. ત્યારે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા અને તેઓ મુક્તપણે વાતચીત કરી શકે એવું વાતારાવરણ બનવવા અંગે ફરી ફરીને વિચાર કરવાની જરૂર ઉભી થઇ છે.