શો-શરાબા : કટઘરે મેં કન્ટેટ હાજિર હો…! | મુંબઈ સમાચાર

શો-શરાબા : કટઘરે મેં કન્ટેટ હાજિર હો…!

શું સ્ટાર્સના કોર્ટરૂમ કેસ હવે દર્શકો માટે મનોરંજન બની ગયા છે?

  • દિવ્યકાંત પંડ્યા

તમને ખબર છે, એક સાવ નવા જ વિચિત્ર ક્ધટેન્ટ પ્રકારે જન્મ લીધો છે? હા, હોલિવૂડમાં ન્યાયાલયના કેસ માત્ર કાયદાની લડાઈ નથી રહ્યાં, પણ એ પણ એક પ્રકારનું ક્ધટેન્ટ બની ચૂક્યાં છે, કારણ કે હવે સ્ટાર્સના જીવનની કટુ સત્ય ઘટનાઓ ડોક્યુમેન્ટરી તરીકે ઓટીટી પ્લેટફોર્મ્સ પર રજૂ થવા લાગી છે. પહેલા આવા વિષયો કે ગુનાની ઘટનાઓ માત્ર ન્યૂઝ હેડલાઈનમાં આવતી, પણ આજે એ બધું સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ માટે મજબૂત મનોરંજન ક્ધટેન્ટ બની ગયું છે. દરેક લાઈવ ટ્રાયલ પાછળ હવે ડોક્યુમેન્ટરી રાઈટ્સ કે મીની સિરીઝના પ્લાન થઈ ગયા છે. ખરેખર તો હવે એવું લાગી રહ્યું છે કે હોલિવૂડના કેટલાક કોર્ટ કેસ એક્ટર્સ માટે નાકનો-ઈજજતનો પ્રશ્ન હોવાને બદલે, એમને ફરી પોપ્યુલર કરવા માટેનો રસ્તો બની ગયા છે.

આનું બેસ્ટ ઉદાહરણ છે 2022માં સમગ્ર વિશ્વે જોયેલો અને સોશ્યલ મીડિયા પર વાયરલ બનેલો જ્હોની ડેપ અને એમ્બર હર્ડનો કેસ. બંને વચ્ચે ચાલેલો બદનામીનો કેસ માત્ર કોર્ટરૂમ સુધી નહોતો રહ્યો. લોકોએ યૂટ્યુબ પર લાઈવ ટ્રાયલ જોયા, ક્લિપ્સ શેર કરી, મીમ્સ બનાવ્યા, ટિકટોક પર રિએક્ટ કર્યું, અને આખરે આ બધું એટલું લોકપ્રિય થયું કે ‘નેટફ્લિકસે’ તેના પર ‘ડેપ વર્સિસ હર્ડ’ નામે ડોક્યુમેન્ટરી બનાવી નાખી. ‘નેટફ્લિક્સ ’ પછી ડિસ્કવરી પ્લસે પણ આ કેસ પરથી ડોક્યુમેન્ટરી બનાવી. ‘હુલુ’ એ તો ‘હોટ ટેક’ નામથી એક સ્ક્રિપ્ટેડ ડ્રામા જ બનાવી નાખ્યો.

આવો જ એક જૂનો કિસ્સો છે ‘ઓ. જે. સિમ્પસન ટ્રાયલ’. અમેરિકામાં 1990ના દાયકામાં આ કેસ એટલો ચર્ચિત હતો કે લોકો લાઈવ ન્યૂઝથી માંડીને મેગેઝિન સુધી બધું વાંચતા. અને વર્ષો પછી, ‘એફએક્સ ’ નેટવર્કે “The People VS O. J. Simpson: American Crime Story’ નામે એના પર આધારિત એક મીની સિરીઝ બનાવી. આ સિરીઝે અમુક એવોર્ડ પણ જીત્યા અને એના પછી આવી રહેલી ડોક્યુ-ડ્રામાની લહેર માટે રસ્તો ખોલી દીધો.

આ બધું જોઈને હવે કહી શકાય કે હોલિવૂડમાં કોર્ટરૂમ ડ્રામા એ ક્ધટેન્ટ બનાવવાની નવી રીત બની ગઈ છે. સાચી ઘટનાને થોડી હળવી છૂટછાટ સાથે નવી કહાનીમાં બદલવી અને દર્શકોની લાગણી સાથે જોડીને એનું મોનિટાઈઝેશન કરવું આ સામાન્ય બનવા લાગ્યું છે.

આપણે જો તાજેતરની વધુ કેટલીક ઘટનાઓની વાત કરીએ તો સિંગર બ્રિટની સ્પીયર્સનો ક્ધઝર્વેટરશિપ કેસ પણ એવો જ હતો, જેને લઈ સમગ્ર દુનિયાએ ‘ફ્રી બ્રિટની મૂવમેન્ટ’ ને સપોર્ટ આપ્યો હતો. એની પર્સનલ લાઈફ, માંદગી અને પિતા સાથેના સંબંધોની માહિતી પહેલા મીડિયા અને પછી દસ્તાવેજી ફિલ્મ્સમાં ખુલ્લી પાડવામાં આવી. ‘હુલુ’ એ ‘ફ્રેમિંગ બ્રિટની સ્પીયર્સ’ નામની ડોક્યુમેન્ટરી બનાવી અને ‘નેટફ્લિકસે’ પણ એના પર અલગ દ્રષ્ટિકોણથી ફિલ્મ રજૂ કરી. લોકો હવે સ્ટાર્સની પર્સનાલિટી સાથે પર્સનલ લાઈફના વેર-વિખેર થઈ ગયેલા હિસ્સા જોઈને વધુ જોડાય છે.

ઓટીટી પ્લેટફોર્મ્સ તો હવે એ રીતે રિસર્ચ કરતાં હોય છે કે ક્યાં ક્યા કિસ્સા લોકોને વિઝ્યુલાઈઝ કરવા ગમશે, જેમ કે એન્ના ડેલ્વી કે જેણે કરોડોની ઠગબાજી કરી છતાં યુરોપ-અમેરિકામાં પોતાની છબી એક સોશ્યલાઈટ તરીકે ઊભી કરી હતી એના પર પણ ‘નેટફ્લિક્સે’ ‘ઈન્વેન્ટિંગ એન્ના’ બનાવી અને દર્શકોએ ક્રાઈમ-ડ્રામા નહીં, પણ સ્ટાઇલિશ ફેમ-થ્રિલર ગણીને તેનો આનંદ લીધો એટલે હવે ગુનો પણ ક્ધટેન્ટની ફેશન બની ગયો છે.

આ વસ્તુ ફક્ત ફિલ્મ્સ સ્ટાર્સ પૂરતી જ સીમિત નથી, પોલિટિક્સ અને રોયલ ફેમિલીઝ સુધી પણ પહોંચી છે. પ્રસિદ્ધ અમેરિકન પ્રમુખ બિલ ક્લિન્ટન અને મોનિકા લ્યુઇન્સ્કી વચ્ચે થયેલા અફેર અને ઇમ્પીચમેન્ટ કેસ પણ અમેરિકામાં વર્ષો સુધી ચર્ચામાં રહ્યા. એફએક્સના Impeachment: American Crime Story એ કિસ્સાને સંપૂર્ણ ડ્રામેટિક રીતે રજૂ કરવામાં આવ્યો. મજેદાર વાત એ છે કે આ સિરીઝના કેન્દ્રમાં મોનિકા લ્યુઇન્સ્કી પોતે કો-પ્રોડ્યૂસર હતી. અહીંથી દેખાય છે કે કેટલીકવાર જે-તે બાબતના સહભાગી પણ પોતાની ઘટનાને ક્ધટ્રોલ કરવા માટે એ ક્ધટેન્ટનો ભાગ બને છે. અન્ય એક કેસ જોકે કોર્ટ કેસ નહોતો, પણ ‘નેટફ્લિક્સ’ પર આવેલી ડોક્યુ-સિરીઝ ‘હેરી એન્ડ મેઘન’ પણ સૌને ટ્રાયલ જેવી જ લાગી. આખા વિશ્વે બ્રિટિશ રોયલ ફેમિલીની અંદર શું ચાલે છે, કેવી રીતે યુવાન રોયલ દંપતીને પ્રેસ, સંસ્થાઓ અને રિવાજોની વચ્ચે પીસાઈ જવું પડ્યું એ બધું જાણવામાં રસ લીધો. મોટા સ્ટુડિયોઝ હવે આવી ઘટનાઓમાં રસ લઈ રહ્યા છે. એવું પણ બનતું આવ્યું છે કે કોઈ કેસ ચાલે, એ પહેલાં જ તેના ફિલ્મ રાઈટ્સ ખરીદી લેવામાં આવે. આ પ્રક્રિયા એટલી ઝડપી બની ગઈ છે કે કેટલાક લોઅર્સ અને પક્ષકારોએ કોર્ટમાં જાહેર કર્યું કે એ પોતાના કેસને મીડિયાથી દૂર રાખવા માગે છે, કેમ કે હવે ન્યાયથી પહેલાં ક્ધટેન્ટ રિલીઝ કરવાની દોડ લાગી છે.

આ પરિસ્થિતિથી સવાલ ઘણાં પેદા થાય. શું આ ટ્રેન્ડ હકીકતમાં ખરાબ છે? જો કોર્ટરૂમને નાટ્યમંચ બનાવી દેવામાં આવે તો શું સાચો ન્યાય લોકોના અભિપ્રાયથી બદલાઈ શકે? હકીકત એટલી જ છે કે આજે હોલિવૂડમાં સ્ટાર્સની પર્સનલ લાઈફ અને કાનૂની સંઘર્ષો હવે અલગ રહ્યાં નથી. એમની લાઈફ મનોરંજન અને સંવેદનાની જગ્યા બની ગઈ છે!

લાસ્ટ શોટ
બે પુરુષએ એમના બાળપણ દરમિયાન માઈકલ જેક્સન દ્વારા યૌન શોષણ થયાનો દાવો કર્યો હતો, જેના પર Leaving Neverland નામની ખૂબ જ વિવાદાસ્પદ ફિલ્મ બની હતી.

આપણ વાંચો:  ફિલ્મનામા: માનવું તો પડશે, સમીરજી… આપકા જાદુ ચલ ગયા!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button