Uncategorized

શરદ જોશી સ્પીકિંગ : હું તો `આસનસોલ’ જઈશ જ!

  • સંજય છેલ

મેં મારી પત્નીને કહ્યું, `હું આસનસોલ જઈશ!

`કેમ?,’ પત્નીએ પૂછ્યું.

કેમ એટલે? શું હું આસનસોલ નહીં જઈ શકું? શું મારે આસનસોલ ન જવું જોઈએ? શું લોકો આસનસોલ નથી જતા? મારા પર કોઈ પ્રતિબંધ છે કે મારે આસનસોલ નહીં જવું જોઈએ? માત્ર એટલા માટે હું આસનસોલ નહીં જઈ શકું કારણ કે મેં લગ્ન કરી લીધા છે અને હું નસીબનો માર્યો પરિવાર લઈને બેઠો છું? જ્યારે પણ હું આસનસોલ જવાની વાત કહીશ ત્યારે તું મોં ખોલીને પૂછશે,કેમ’?’

હદ છે! મેં તો બસ એટલું પૂછયું કે આસનસોલ કેમ જઈ રહ્યા છો?'- પત્નીએ કહ્યું.બોલો! આનો એ જ અર્થ થયો ને કે કેમ એટલે કેમ જઈ રહ્યા છો? જો કોઈ માણસ આસનસોલ જઈ રહ્યો છે તો જરૂરી નથી કે એ એની પત્નીને જણાવે કે એ કેમ જઈ રહ્યો છે? એકદમ વિચિત્ર પરિસ્થિતિ છે! એક માણસ સ્ત્રીને પૂછયા વગર આસનસોલ ન જઈ શકે?’
`હું તમારી પત્ની છું અને મારો આટલો હક તો છે!’

`બહુ ચિંતા થઈ રહી છે તને તારા હકોની? શાસ્ત્રોમાં અથવા તો કાયદાના પુસ્તકમાં ક્યાં લખ્યું છે કે પતિ આસનસોલ જાય તો પત્ની એને પૂછી શકે છે કે એ કેમ જઈ રહ્યા છો? એવું ક્યાં લખ્યું છે? તું સારી રીતે સમજી લે કે ભારતીય પતિઓને પણ હરવા-ફરવાની આઝાદી છે! અમે પરણેલા હોવા છતાં અમે હલનચલન કરી શકીએ છે! અમે ખૂંટાથી બંધાયા નથી. અને માનો બંધાયા પણ છીએ તો પણ અમારા ખૂંટાનું દોરડું આસનસોલ સુધી જઈ શકે છે.’

`પરંતુ આસનસોલમાં કોઈ કામ હશે તો જ તમે જઈ રહ્યા છો ને? હું તો ફક્ત એટલું પૂછું છું કે…’

આ પણ વાંચો…શરદ જોશી સ્પીકિંગ : આજકાલ શેરબજાર હલેલી છે ને દુનિયા ચિંતામાં ડૂબેલી છે ત્યારે…

ફરી એ જ વાત! કેમ જઈ રહ્યા છો? કહું, કેમ જઈ રહ્યો છું? મારા પિતાજીએ મરતી વખતે કહ્યું હતું કે જો કોઈમર્દ કા બચ્ચા હૈ’ તો એક વખત પત્નીને પૂછયા વગર આસનસોલ જરૂર જઈ આવે. હું તો તારી માના કારણે જઈ નહીં શક્યો. તારે જાણવું છે કે હું કેમ જઈ રહ્યો છું? ત્યાં ખજાનો દાટ્યો છે, એને ખોદવા જઈ રહ્યો છું. તારી સોતન રહે છે ત્યાં, એને પ્રેમ કરવા જઈ રહ્યો છું. એક માણસ આસનસોલ જવા ઈચ્છે છે, એટલે જઈ રહ્યો છે. અમેરિકન ટૂરિસ્ટો આગ્રા આવે છે. એને કંઈ શાહજહાં સપનામાં આવીને કહે છે કે તાજમહાલ આવીને જુઓ? એ પોતે જ નક્કી કરે છે. જેવી રીતે મેં નક્કી કર્યું છે કે હું…’

`અમેરિકન ટૂરિસ્ટો પત્નીઓને સાથે લઈને આવે છે!-‘ પત્ની બોલી.

`સાવ ખોટી વાત! કોઈ જરૂરી નથી કે તાજમહાલ જોવા જાવ તો પત્નીઓને સાથે લઈને જાવ! આમાં શું લઈ જવાનું ભાઈ? મેં એવા બીજા ભારતીય પતિઓને પણ જોયા છે કે જ્યારે આગ્રા જાય ત્યારે સાથે એમની પત્નીઓને પરાણે લઈ જાય છે. ખરેખર તો દરેક ભારતીય પતિએ એના જીવનમાં બે વખત આગ્રા જવું જોઈએ. એક લગ્ન કર્યા પછી તરત તાજમહાલ જોવા અને બીજી વખત ત્યારે જ્યારે એ ત્રણ છોકરાઓના પપ્પા બની જાય ત્યારે આગ્રાના પાગલખાનામાં ભરતી થવા! હું આગ્રા નથી જઈ રહ્યો, કારણ કે મારી હજી આગ્રા જવાની પરિસ્થિતિ નથી આવી. હું તો આસનસોલ જઈ રહ્યો છું.’

`પરંતુ આસનસોલ જ કેમ?’

`આસનસોલ કેમ નહીં? એ પણ એક જગ્યા છે, ભારતના નકશામાં છે, ત્યાં પણ લોકો રહે છે. લોકો આસનસોલ જાય છે. એ વાત છે કે આસનસોલ કલકત્તા કે મુંબઈ જેવું નથી, પણ આસનસોલ એ આસનસોલ છે! ઠાઠથી આસનસોલ છે. તમે ત્યાં જાવ કે ના જાવ, એનાથી એના આસનસોલ હોવામાં કોઈ ખોટ નહીં આવે.’

`આસનસોલથી વધુ સારી બીજી જગ્યાઓ છે.’ પત્નીએ કહ્યું.

`હશે! તારાથી વધારે ઘણી સુંદર સ્ત્રીઓ છે, પણ હું એ બધાનો પતિ બનવા નથી જઈ રહ્યો. તું જેવી છે, એવી છે અને તારી એક ઓળખ છે. જેવી રીતે આસનસોલની એક ઓળખ છે. આ બાબતમાં સરખામણી થઈ જ ના શકે. ન્યૂર્યોક સાથે આગ્રાની શું તુલના? ભટિડાની રેવાડી જંકશન સાથે શું તુલના? શાહજહાંએ ક્યારેય નહીં વિચાર્યું હોય કે એ તાજમહલને આગ્રા સિવાય ન્યૂર્યોકમાં બનાવે, જેનાથી અમેરિકાના ટૂરિસ્ટોને તકલીફ ન થાય. એ ઈચ્છતે તો બનાવી શકયો હોત. જ્યાં આટલો ખર્ચ કર્યો ત્યાં થોડો વધારે કરતે. પણ નહીં, એણે આગ્રામાં જ બનાવ્યો, અને આજે કોઈ એ વાતની ફરિયાદ નથી કરતો કે એણે આગ્રામાં તાજમહાલ કેમ બનાવ્યો? અમેરિકન ટૂરિસ્ટોએ જ્યારે આવવું હોય ત્યારે આવે. એ લોકોની ઈચ્છા હોય તો આસનસોલ પણ જઈ શકે છે. કારણ કે કંઈ પણ કહો, આસનસોલ આખરે આસનસોલ છે.’

આ પણ વાંચો…શરદ જોશી સ્પીકિંગ : NRI લોકોની દુનિયા: કિતને પાસ… કિતને દૂર

`ક્યાં છે આ આસનસોલ?’- પત્નીએ પૂછ્યું.

`હું શું કહું? મને પોતાને બરાબર ખબર નથી કે આસનસોલ ક્યાં છે? પણ હવે લડાઈ શરૂ થઈ જ ગઈ હતી અને હું ઝૂકી શકતો નહોતો!’

મેં કહ્યું- `ઉફ…લોકોને એ પણ ખબર નથી કે આસનસોલ ક્યાં છે? આ દેશ ક્યારે પણ પ્રગતિ નહીં કરી શકે. આ સરકાર ચાલી શકે તેમ નથી. કાલથી પૂછજે, રેવાડી જંકશન ક્યાં છે, ભટિડા ક્યાં છે?’

એક લાંબા મૌન પછી, પાછું એણે ધીમેથી પૂછયું, `ક્યારે જઈ રહ્યા છો આસનસોલ?’

`ક્યારે પણ જાઉં? આજે જાઉં, કાલે જાઉં, દસ વર્ષ પછી જાઉં. સવાલ એ છે કે હું આસનસોલ જવા ઈચ્છું છું. અને મને આસનસોલ જવાની સ્વતંત્રતા છે અને હું જઈ શકું છું. માણસ ચાંદ પર જઈ રહ્યો છે અને હું આસનસોલ નહીં જઈ શકું?’

પત્ની ચૂપ રહી. એના મોઢામાંથી એટલું જ નીકળ્યું કે `હાં, તમે આસનસોલ જઈ શકો છો.’

એ એવી લાખો પત્નીઓમાંથી છે, જેના કારણે આજે ભારતીય પતિ આસનસોલ નથી જઈ શકતો. આજે ઘર ઘરમાં સંઘર્ષ ચાલી રહ્યો છે. આત્માઓ, આસનસોલ જવા માટે વ્યાકુળ છે. કઠિન સંઘર્ષ છે મારા વ્હાલા પતિ મિત્રો, પણ વિશ્વાસ રાખો, અંતિમ જીત આપણી જ થશે. એક દિવસ તમે જોશો કે હું આસનસોલ જઈ રહ્યો છું.

પરંતુ હાય…ક્યારે આવશે એ દિવસ?!

આ પણ વાંચો…શરદ જોશી સ્પીકિંગ : દિલ્હી એટલે ભારત, ભારત એટલે દિલ્હી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button