આ દેશમાં WhatsApp અને Telegram પર પ્રતિબંધ લાગશે! કરોડો યુઝર્સને થશે અસર

મોસ્કો: યુએસની દિગ્ગજ ટેક કંપની મેટાએ રશિયાની સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. મેટાના પ્રવક્તાએ જણાવ્યું કે રશિયાએ મંગળવારે મેટાની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપને સંપૂર્ણ બ્લોક કરવાનો પ્રયાસ કર્યો હતો. ટેલિગ્રામને પણ બ્લોક કરવાનો પ્રયાસ થયો હતો.
રશિયા પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે રશિયા તેના સરકારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પ્રમોટ કરવા માટે આ પગલા ભરી રહ્યું છે, જેથી તે ઇન્ટરનેટ સ્પેસ પર વધુ નિયંત્રણ મેળવી શકે.
10 કરોડથી વધુ યુઝર્સને અસર:
એક નિવેદનમાં, વોટ્સએપે જણાવ્યું હતું કે રશિયા 10 કરોડથી વધુ યુઝર્સને અલગ પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. વોટ્સએપે દાવો આ પગલાથી લોકોની સેફટીને નુકશાન થશે.
વોટ્સએપે X પરની એક પોસ્ટમાં લખ્યું, “સરકારી સર્વેલન્સ એપ્લિકેશન તરફ લોકોને વાળવાના પ્રયાસના ભાગ રૂપે આજે રશિયન સરકારે વોટ્સએપને સંપૂર્ણપણે બ્લોક કરવાનો પ્રયાસ કર્યો હતો. 100 મિલિયનથી વધુ યુઝર્સને પ્રાઈવેટ અને સેફ મેસેજિંગથી અલગ કરવાનો આ પ્રયાસ છે, આવા પગલાને કારણે રશિયામાં લોકોની સેફટી ઓછી થઇ શકે છે.”
તેના યુઝર્સને બાહેધારી આપતા વોટ્સએપે કહ્યું કે “અમે યુઝર્સને કેનેકટેડ રાખવા માટે અમારાથી બનતાં તમામ પ્રયાસો કરીશું.”
ટેલિગ્રામે શું કહ્યું?
બીજી તરફ ટેલિગ્રામે પણ રશિયા સરકારના આ કથિત પગલાંને વખોડ્યું છે. ટેલિગ્રામ ફાઉન્ડર પાવેલ દુરોવે કહ્યું કે સરમુખત્યારશાહીનાં પગલાથી કંપનીને કોઈ અસર નહીં થાય.
પાવેલ દુરોવે કહ્યું, “રશિયા તેના નાગરિકોને સર્વેલન્સ અને રાજકીય સેન્સરશીપ માટે બનાવવામાં આવેલી સરકરી માલિકીની એપ્લિકેશનનો ઉપયોગ કરવા દબાણ કરવા માટે ટેલિગ્રામની ઍક્સેસ પર પ્રતિબંધ મૂકી રહ્યું છે. આ સરમુખત્યારશાહી પગલાંને કારણે અમે આમારો માર્ગ નહીં બદલીએ.”
પાવેલ દુરોવે પણ કડકાઈ સાથે લહ્યું,” ગમે તેટલું દબાણ કરવામાં આવે પણ ટેલિગ્રામનો અર્થ ફ્રીડમ અને પ્રાઈવસી રહેશે.”
ડિરેક્ટરીમાંથી WhatsApp ની બાદબાકી:
નોંધનીય છે કે 2022થી રશિયામાં મેટાના Instagram અને Facebook સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ છે, ફક્ત વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક(VPN) દ્વારા જ રશિયામાં આ સર્વિસનો ઉપયોગ થઇ શકે છે. હવે રશિયાના ઇન્ટરનેટ રેગ્યુલેટર રોસ્કોમનાડઝોરે રાષ્ટ્રીય ઓનલાઇન ડિરેક્ટરીમાંથી WhatsApp ને દૂર કર્યું છે.
રશિયન સરકાર ‘MAX’ નામની સરકારી માલિકીની મેસેજિંગ એપ્લિકેશનને પ્રમોટ કરી રહી છે. IT ક્ષેત્રના જાણકારોના જણાવ્યા મુજબ તેનો ઉપયોગ યુઝર્સને ટ્રેક કરવા માટે થઈ શકે છે.
સરકારના પ્રવક્તા એ શું કહ્યું?
વોટ્સએપ રશિયામાં ફરી શરુ થશે એ અંગે પ્રશ્ન પૂછવામાં આવતા સરકારના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવને જણાવ્યું: “આ કાયદાની શરતોનું પાલન કરવાનો પ્રશ્ન છે. જો મેટા કોર્પોરેશન તેનું પાલન કરશે અને રશિયન અધિકારીઓ સાથે વાતચીતમાં ભાગ લેશે, તો એક કરાર સુધી પહોંચી શકીએ છીએ. જો કોર્પોરેશન (મેટા) સમાધાન ન કરે અને રશિયન કાયદાનું પલાણ નહીં કરે, તો કોઈ શક્યતા નથી.”



