જૂની સાવરણી બદલતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, નહીંતર થઈ શકે છે આર્થિક નુકસાન

Religious rules of Broom: ઘરને સ્વચ્છ રાખવા માટે અનેક વસ્તુઓનો ઉપયોગ કરવો પડે છે. સાવરણી પણ આવી વસ્તુઓ પૈકીની મુખ્ય એક વસ્તુ છે. જોકે, ઘરને સ્વચ્છ રાખતી સાવરણીનું ધાર્મિક મહત્ત્વ પણ છે. હિન્દુ સનાતન ધર્મમાં સાવરણીને ધનની દેવી માતા લક્ષ્મીનું પ્રતિક ગણવામાં આવે છે. જેથી લોકો સાવરણીનું ઘણું ધ્યાન પણ રાખતા હોય છે. સાવરણી ખરીદતી વખતે અને જૂની સાવરણીનો ઉપયોગ બંધ કરતી વખતે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. નહીંતર માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે.
જૂની સાવરણી માટે જરૂરી નિયમો
હિન્દુ સનાતન ધર્મની માન્યતા અનુસાર, જે ઘરમાં સાવરણીનો અનાદર થાય છે, ત્યાં દેવી લક્ષ્મી વાસ કરતા નથી. પરંતુ ઘરમાં ખાસ નિયમોના પાલન સાથે સાવરણીને રાખવાથી દરિદ્રતા દૂર થાય છે, સાથોસાથ ઘરમાં સકારાત્મક ઊર્જાનો પણ સંચાર થાય છે. સામાન્ય રીતે લોકો નવી સાવરણી ખરીદતી વખતે ધાર્મિક નિયમોનું ધ્યાન રાખતા હોય છે. પરંતુ જેટલું ધ્યાન નવી સાવરણી ખરીદતી વખતે રાખવું પડે છે, તેટલું જ ધ્યાન જૂની સાવરણીને બદલતી વખતે પણ ધ્યાન રાખવું પડે છે.
આ પણ વાંચો: Dhanterasના દિવસે કંઈ નહીં ને નવી સાવરણી ખરીદવાનું કેમ કહેવાય છે?
નવી સાવરણી જેમ જેમ જૂની થાય તેમ તેમ તેને સમયાંતરે બદલતી રહેવી જોઈએ. જૂની સાવરણી બદલતી વખતે 3 જરૂરી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જૂની સાવરણીનો નિકાલ એ આ 3 પૈકીની પહેલી બાબત છે. ઘણા લોકો તૂટેલી જૂની થઈ ગયેલી સાવરણીને કચરા સાથે ફેંકી દેતા હોય છે. પરંતુ આવું ન કરવું જોઈએ. ઘરમાં પડી રહેલી જૂની સાવરણીને લાત પણ ન મારવી જોઈએ. તેનાથી માતા લક્ષ્મીનું અપમાન થાય છે. તેથી ઘરમાં રહેલી જૂની બિનઉપયોગી સાવરણીને સાફ કરીને ઘરથી દૂર કોઈ ઝાડ નીચે અથવા દક્ષિણ દિશામાં મૂકી દેવી જોઈએ.

જૂની સાવરણીને ઘરની બહાર મૂકી આવવા માટે શુભ દિવસનું પણ ધ્યાન રાખવું પડે છે. અઠવાડિયાના કોઈપણ દિવસે જૂની સાવરણી બદલવી ન જોઈએ. જૂની સાવરણી બદલવા માટે ગુરુવાર અને શુક્રવારને શુભ માનવામાં આવે છે. એમાં પણ સૂર્યોદય પહેલાનો અથવા સૂર્યાદય બાદનો સમય પસંદ કરવો જોઈએ. આ રીતે સાવરણી બદલવાથી દેવી-દેવતાઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો: ઓહો, તમે એટલા બિઝી છો કે ચાલવા નથી જઈ શકતા તો આટલું તો કરો જ કરો
નવી સાવરણી લાવ્યા બાદ આટલું ધ્યાન રાખવું
નવી સાવરણીના ઉપયોગની શરૂઆત મુખ્ય દરવાજા પાસે અથવા ઘરની વચ્ચે કચરો વાળીને કરવી જોઈએ. નવી સાવરણીનો ઉપયોગ કરતા પહેલા થોડા સિંધવ મીઠા અથવા સામાન્ય મીઠાનો તેના પર છંટકાવ કરવો જોઈએ. કારણ કે મીઠામાં શુદ્ધિકરણ કરવાની શક્તિ હોવાની તથા નકારાત્મક ઊર્જા દૂર કરવાની શક્તિ રહેલી હોવાની માન્યતા છે. સાવરણીનો ક્યારેય રાત્રે ઉપયોગ ન કરવો જોઈએ, સાથોસાથ ક્યારેય સાવરણીને ઊભી ન રાખવી જોઈએ. આવું કરવાથી ઘરમાં આર્થિક નુકસાન થાય છે અને બરકત ચાલી જાય છે.