જાડેજાને હવે કૅપ્ટન નથી બનવું, પણ વર્લ્ડ કપ રમવો જ છે…

નવી દિલ્હીઃ સ્પિન-ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (Jadeja)એ થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેને ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન બનવાની ઘણા સમયથી ઇચ્છા, પરંતુ શનિવારે તેણે અહીં પત્રકારો સાથેની વાતચીતમાં કૅપ્ટન્સીના મુદ્દે પૂછાતાં કહ્યું હતું કે ` હવે હું કૅપ્ટન્સીની બાબતમાં કંઈ વિચારતો જ નથી. મારું માનવું છે કે એ સમય હવે ગયો.’
વર્તમાન ટેસ્ટ ટીમમાં 36 વર્ષનો જાડેજા સૌથી મોટી ઉંમરનો છે અને તેણે 2027નો વન-ડે વર્લ્ડ કપ (world cup) રમવાની ઇચ્છા બતાવી છે.

ટી-20માંથી નિવૃત્ત થઈ ચૂકેલા જાડેજાએ પત્રકારોને કહ્યું, ` ઑસ્ટ્રેલિયા ખાતેના આગામી વન-ડે પ્રવાસની ટીમમાં મને ન સમાવવામાં આવ્યો એની જાણ સિલેક્ટરોએ મને અગાઉથી કરી દીધી હતી.’
જાડેજાએ એવું પણ જણાવ્યું કે ` ચીફ સિલેક્ટર અજિત આગરકરે મને કહેલું કે ઑસ્ટ્રેલિયાની ટૂરમાં (સ્પિન ઑલરાઉન્ડર અક્ષર પટેલ ઉપરાંત) બીજા લેફ્ટ-આર્મ સ્પિનરને લેવાનો કોઈ અર્થ નથી.’