Uncategorized

શું તમે જાણો છો..રેલવે સિનિયર સિટિઝન્સને મફતમાં આપે છે આ સુવિધાઓ!

ભારતીય રેલવેએ એ દેશના લોકોની લાઇફલાઇન છે. રેલવેમાં ગરીબ, તવંગર, શહેરી, ગ્રામીણ વિસ્તાર એમ દરેક જગ્યાના લોકો પ્રવાસ કરે છે. મળતી માહિતી અનુસાર નાણાકીય વર્ષ 2020-21 થી નાણાકીય વર્ષ 2024-25 વચ્ચે ભારતીય રેલવે દ્વારા લગભગ 2,357.8 કરોડ મુસાફરોએ મુસાફરી કરી હતી. ભારતીય રેલવેએ, વરિષ્ઠ નાગરિકોની રેલવે મુસાફરી વધુ આરામદાયક બને તે માટે ઘણી સુવિધાઓ કરી છે. વરિષ્ઠ નાગરિકો માટે નીચલી બર્થમાં સીટ ફાળવવી, અલગ રિઝર્વેશન સેન્ટર વગેરેનો એમાં સમાવેશ થાય છે.

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ભારતીય રેલવે વરિષ્ઠ નાગરિકો અને ખાસ કરીને 45 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓને રિઝર્વેશન વખતે આપમેળે નીચેની બર્થ મળે તે માટે જોગવાઈ કરી છે. આ સુવિધા એવા મુસાફરોને લાગુ પડે છે જેમણે રિઝર્વેશન વખતે કોઈ વિકલ્પ પસંદ કર્યો નથી. જોકે, આ બુકિંગ સમયે સીટની ઉપલબ્ધતાને આધીન છે. આ પહેલનો હેતુ સિનિયર સિટીઝનોને સલામત અને અનુકૂળ મુસાફરીનો અનુભવ પૂરો પાડવાનો છે. વરિષ્ઠ નાગરિકો માટે વિવિધ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ કેન્દ્ર પર અલગ કાઉન્ટર પણ ઉભા કરવામાં આવ્યા છે.

Also read: …તો Passenger’sને Trainમાં કન્ફર્મ મળશે Lower Berth!

તેમણે એમ પણ જણાવ્યું હતું કે સિનિયર સિટીઝનો, 45 વર્ષ અને તેથી વધુ ઉંમરની મહિલાઓ અને ગર્ભવતી મહિલાઓ માટે સ્લીપર ક્લાસમાં પ્રતિ કોચ છથી સાત લોઅર બર્થ, એસી થ્રી ટાયરમાં પ્રતિ કોચ ચારથી પાંચ, અને એસી ટુ ટાયરમાં પ્રતિ કોચ ત્રણથી ચાર લોઅર બર્થ ફાળવવામાં આવ્યા છે. ટ્રેનમાં ખાલી થતી લોઅર બર્થ સિનિયર સિટીઝનો, અપંગ વ્યક્તિત્વ અથવા તો ગર્ભવતી મહિલાઓને પ્રાથમિકતાના ધોરણે ફાળવવામાં આવે છે.

રેલવે સમાજના દરેક વર્ગને સસ્તી સેવા પૂરી પાડવાનો સંનિષ્ઠ પ્રયાસ કરે છે એમ જણાવતા રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વર્ષ 2022-23 માં મુસાફરોને તેમની ટિકિટ પર 56,993 કરોડ રૂપિયાની સબસીડી આપવામાં આવી હતી. રેલવેમાં મુસાફરી કરતા દરેક વ્યક્તિને સરેરાશ 46% ની છૂટ આપવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button