આમચી મુંબઈ

પવઈના રહેવાસીઓ પર લાઠીચાર્જનું પ્રકરણ: પોલીસ, બિલ્ડર પાલિકાના અધિકારીઓ સહિત 10 સામે ગુનો

મુંબઈ: ગયા વર્ષના જૂનમાં પવઈમાં મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવવાને મામલે શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરનારા ઝૂંપડાવાસીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યાના કેસમાં ફરિયાદ નોંધવામાં આવશે, એવી ખાતરી રાજ્ય સરકાર દ્વારા બૉમ્બે હાઈ કોર્ટને આપવામાં આવ્યાના અઠવાડિયા બાદ સોમવારે પવઈ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર જિતેન્દ્ર સોનાવણે, બિલ્ડર અને પાલિકાના અધિકારીઓ સહિત 10 જણ વિરુદ્ધ ફોજદારી ગુનો નોંંધવામાં આવ્યો હતો.

પવઈની જય ભીમ નગર ઝૂંપડપટ્ટીના 36 રહેવાસીએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી. અરજકર્તાઓમાં મોટા ભાગના અનુસૂચિત જાતિના લોકોનો સમાવેશ થાય છે. પાલિકાના અધિકારીઓ અને ડેવલપર વિરુદ્ધ આઈપીસીની સુસંગત કલમો અને એસસીએસટી ઍક્ટ હેઠળ ગુનો નોંધવાની માગણી અરજીમાં કરાઈ હતી.

આ પણ વાંચો: પવઈમાં વૃક્ષોને કાપવાં અને ઝેરી ઈન્જેક્શન આપવા પ્રકરણે ત્રણ એફઆઈઆર નોંધાયા

અરજીમાં જણાવાયું હતું કે 6 જૂન, 2024ના રોજ પાલિકાના કર્મચારીઓ 650 પરિવારને રસ્તે રઝળતા મૂકી તેમનાં ઘર તોડી રહી હતી ત્યારે પોલીસે રહેવાસીઓ સાથે મારપીટ કરી હતી. શાંતિથી વિરોધ કરનારાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.

હાઈ કોર્ટે શાંતિથી વિરોધ કરનારા રહેવાસીઓ પર લાઠીચાર્જ કરવાના આરોપની તપાસ કરવા માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરવાનો આદેશ ગયા વર્ષના ઑગસ્ટમાં આપ્યો હતો. 30 સપ્ટેમ્બરે એસઆઈટીએ હાઈ કોર્ટને જણાવ્યું હતું કે રાજ્ય માનવાધિકાર પંચના કોઈ પણ આદેશ વિના તોડકામ કરાયું હતું. એસઆઈટીના અહેવાલને આધારે પવઈ પોલીસે ઑક્ટોબરમાં એફઆઈઆર દાખલ કર્યો હતો. જોકે કોર્ટે નવેમ્બરમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાના નિર્દેશ એસઆઈટીને આપ્યા હતા.

આ પણ વાંચો: હેં, મ્હાડાની લોટરીમાં ઠાકરે પરિવારના સભ્યને પવઈમાં મળ્યું ઘર?!

જોકે આ એફઆઈઆર એસઆઈટીના અહેવાલને આધારે નોંધાયો હતો, અરજદારોની અરજીને આધારે નોંધાયો નથી, એવી રજૂઆત હાઈ કોર્ટમાં કરાઈ હતી. સરકારી વકીલે આ મામલે કોર્ટમાં જણાવ્યું હતું કે અરજદારના નિવેદનને આધારે એફઆઈઆર દાખલ કરીને બન્ને એફઆઈઆર એકત્ર કરાશે અને તપાસ નવા નોંધાયેલા એફઆઈઆરને આધારે કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button