મુંબઈમાં રાજકીય ગરમાવો: CM ફડણવીસ અને પ્રફુલ પટેલ વચ્ચે દોઢ કલાક ચાલી બેઠક, જાણો શું થઈ ચર્ચા?

મુંબઈઃ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના અકાળ અવસાન બાદ રાજ્યમાં રાજકીય સમીકરણોએ વેગ પકડ્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર જૂથ)ના કાર્યકારી પ્રમુખ પ્રફુલ પટેલ આજે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. આ બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા પટેલે પાર્ટીની સ્થિતિ અને ભવિષ્યના નિર્ણયો વિશે મહત્વપૂર્ણ માહિતી આપી હતી.
NCP અજિત પવાર જૂથના નેતાઓ પ્રફુલ પટેલ, સુનિલ તટકરે અને ધનંજય મુંડે આજે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તેમના ‘વર્ષા’ બંગલે મળ્યા હતા. બારામતીમાં NCPના વરિષ્ઠ નેતાઓની એક બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ NCP પ્રતિનિધિમંડળ આજે મુખ્ય પ્રધાન ફડણવીસને મળ્યા હતા અને લગભગ દોઢ કલાક સુધી ચર્ચા કરી. આ બેઠક બાદ NCPના કાર્યકારી પ્રમુખ પ્રફુલ પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી.
પ્રફુલ પટેલે કહ્યું, “અમે મુખ્ય પ્રધાન પાસે માંગ કરી છે કે અજિતદાદા જે મહત્વપૂર્ણ વિભાગો સંભાળી રહ્યા હતા તે NCPને આપવામાં આવે. તેમણે કહ્યું કે વહીવટી કાર્યમાં કોઈ વિક્ષેપ ન આવે તે માટે અમે આ ખાલી જગ્યાઓ અંગે શક્ય તેટલી વહેલી તકે નિર્ણય લેવાની વિનંતી કરી છે.
અજિતદાદાના અવસાનથી ખાલી થયેલી બારામતી વિધાનસભા બેઠક પરથી સુનેત્રા પવાર ચૂંટણી લડશે કે કેમ તે પ્રશ્ન પર પટેલે સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું હતું કે આજની બેઠકમાં સુનેત્રાભાભીના નામ અંગે કોઈ ચર્ચા થઈ નથી. કોઈ પણ અંતિમ નિર્ણય લેતા પહેલા અમારે સુનેત્રાભાભી, પાર્થ અને જય પવાર સાથે વિગતવાર ચર્ચા કરવી પડશે. જો શક્ય હશે તો, અમે આજે રાત્રે અથવા કાલે સવારે પવાર પરિવાર સાથે વાતચીત કરીશું, એમ પટેલે કહ્યું હતું.”
પ્રફુલ્લ પટેલે વધુમાં કહ્યું કે અમે શક્ય તેટલી વહેલી તકે નિર્ણય લેવા માંગીએ છીએ, પરંતુ તે ઉતાવળમાં લેવામાં આવશે નહીં. પક્ષના ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે વિગતવાર બેઠક યોજીને દરેકની અને લોકોની લાગણીઓને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
અજિત પવારના જવાથી સર્જાયેલી ખાલી જગ્યા ભરવાનું સરળ નહીં હોય તે સ્વીકારતા તેમણે કહ્યું કે NCPમાં ખાલી જગ્યાઓ અને જવાબદારીઓની ફાળવણી પ્રાથમિકતા છે. મુખ્ય પ્રધાન ફડણવીસ સાથેની આ ચર્ચા પછી હવે બધાની નજર એનસીપીની કોર કમિટીની બેઠક પર છે.
આ પણ વાંચો અજિત પવારના અકસ્માત પછી ટેબલટોપ રનવે ચર્ચામાં, જાણો જોખમો



