પ્લોટ - 16 - પ્રકરણ-42 આ કાંડનો સૂત્રધાર હું નથી! | મુંબઈ સમાચાર
નવલકથા

પ્લોટ – 16 – પ્રકરણ-42 આ કાંડનો સૂત્રધાર હું નથી!

યોગેશ સી પટેલ

અમારા ઑપરેશન સમયે દરદી ભાનમાં હોય છે ને તેના મોમાંથી ચીસ નીકળતી જાય છે… પછી દરદી બેભાન થઈ જાય ત્યારે ઑપરેશન પૂરું થાય છે!

આરે પોલીસ સ્ટેશનના પહેલા માળે આવેલી કૅબિનમાં ઈન્સ્પેક્ટર ચંદ્રેશ ગોહિલ ખુરશી પર આરામથી લંબાવીને બેઠો હતો. ડીસીપીની હાજરીમાં ડૉ. પાઠકની પૂછપરછ કઈ રીતે થશે? કોઈ પ્રકારની સખતાઈ બતાવાશે નહીં તો ડૉક્ટર મોઢું કઈ રીતે ખોલશે? આવા અનેક વિચારોને કારણે રાતે ગોહિલને સરખી ઊંઘ આવી નહોતી. બેડ પર પડખાં ફેરવીને કંટાળેલો ગોહિલ વહેલી સવારે જ આરે આવી ગયો હોવાથી અત્યારે તે કૅબિનમાં એકલો હતો.

આરેમાં બનેલી ઘટમાળ અને તપાસમાં થયેલા એક પછી એક ખુલાસા વિશે તે વિચારી રહ્યો હતો. હેલિકૉપ્ટર તૂટી પડ્યું એ સ્થળેથી મંજરીનું શબ મળ્યાથી શરૂ થયેલા આ કેસે કેટલાય વળાંક લીધા હતા. જમીનમાં દાટેલાં શબ કાઢવામાં આવ્યાં, જેમાંથી એક શબ ડ્રગ્સ તસ્કર સલ્લુનું હતું. ત્યારે આખું પ્રકરણ ડ્રગ્સ તસ્કરી તરફ વળ્યું હતું.

ડ્રગ્સ લૅબોરેટરી મળી ત્યારે એવું માનવામાં આવતું હતું કે ડ્રગ્સને કારણે આ લોકોની હત્યા થઈ હતી, પરંતુ લાશમાંથી ગુમ અવયવોનું શું? આ મુદ્દો તપાસને બીજા માર્ગે દોરી ગયો હતો. એમાં કૂપર હૉસ્પિટલના ડૉ. ભાવિક માજીવડેએ અવયવોની તસ્કરી તરફ આંગળી ચીંધતાં નવો ફણગો ફૂટ્યો. એકને નવજીવન આપવા બીજાના અવયવ કાઢીને મારી નાખવાનો પિશાચી ધંધો આરેમાં ધમધમતો હતો?

અવયવ ચોરીનો વેપાર ચલાવવા આ લોકોએ ન જાણે કેટલા લોકોના જીવ લીધા હશે? જમીનમાંથી મળેલી લાશોમાંથી મંજરી, સલ્લુ અને અંજુની ઓળખ થઈ, પણ બાકીનાં ચાર શબ તો ધણીધોરી વિનાના પડ્યાં છે! તેમની ઓળખ કઈ રીતે થશે?

ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટના મૂળમાં છે મેડિકલ રેકોર્ડ. બધા પ્રકારનાં તબીબી પરીક્ષણો જરૂરી છે. આ પરીક્ષણોને આધારે ટ્રાન્સપ્લાન્ટ થશે કે નહીં એ નક્કી થાય છે… તો મૃતકોનો મેડિકલ રેકોર્ડ આ પિશાચી વૃત્તિના અપરાધીઓ પાસે આવ્યા ક્યાંથી?

ડૉ. માજીવડે કહેતા હતા, આસપાસમાં જ ક્યાંક આ અમાનવીય કૃત્ય થતું હશે! તો શું જંગલના રહેવાસીઓ આ કાંડમાં સંડોવાયેલા છે?

ડૉ. માજીવડેની વાતો યાદ આવતાં ગોહિલ વીતેલા સમયના વિચારમાંથી વર્તમાનમાં આવ્યો. કેસને લગતા દસ્તાવેજો પર નજર ફેરવતાં તેણે વિચાર્યું: ‘આટલી સરળતાથી અવયવ ચોરીનો કાંડ ચાલતો હતો… એટલે કે જેટલા શકમંદો નજરમાં છે તેમની પણ ઉપર કોઈ માસ્ટરમાઈન્ડ હોવો જોઈએ!’

‘સર… ડૉક્ટર પાઠક આવ્યા છે!’

કોન્સ્ટેબલ નામદેવ દળવીએ વગર પરવાનગીએ કૅબિનમાં આવીને કહ્યું ત્યારે ગોહિલે વિચારોને એક તરફ હડસેલી દીધા. દીવાલ પરની ઘડિયાળમાં જોયું તો દસ વાગ્યા હતા. વિચારોમાં ને વિચારોમાં ખાસ્સો સમય પસાર થઈ ગયો હતો. તેની ટીમના બધા અધિકારીઓ પણ આવી ગયા હતા.

‘ક્યાં છે?’ ગોહિલે પૂછ્યું.

‘પોલીસ સ્ટેશનના ગેટ પાસે!’

‘કેમ? અહીં બોલાવી લે…’ ગોહિલને આશ્ર્ચર્ય થયું.

‘ડીસીપી સરની રાહ જુએ છે… કહે છે કે તેમની સાથે આવીશ!’

‘ઠીક છે… ચલ, હું આવું છું!’ કહીને ગોહિલ ખુરશીમાંથી ઊભો થયો.

‘ડૉક્ટર પાઠક સાથે ડૉક્ટર હિરેમઠ પણ છે, સર!’ મૂછ પંપાળતાં દળવીએ જાણકારી આપી.

‘ઓહ… એટલે કે પૂરું કવચ તૈયાર કરીને રણમેદાનમાં ઊતર્યો છે આ ડૉક્ટર. ચાલાક છે… લાગે છે, હું ધારતો હતો એટલો ઈઝી ટાર્ગેટ નથી!’ ગોહિલે વિચાર કરીને કહ્યું.

દળવી સાથે ગોહિલ પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યો ત્યારે લૉકઅપ તરફથી બરાડા પાડવાનો અને પીડાથી કણસવાનો અવાજ આવતો હતો.

‘શું ચાલે છે ત્યાં?’ ગોહિલે દળવી તરફ જોતાં પૂછ્યું.

‘સર… શોએબ અને ઝમીલને શિંદેસાહેબ ધોઈ રહ્યા છે!’ દળવીએ કહ્યું.

‘કેમ?’

‘કામતસાહેબ ટીમ લઈને એમ્બ્યુલન્સની શોધમાં ભાયંદર ગયા છે, પણ ઝમીલે ખોટી માહિતી આપી નથીને એની ખાતરી શિંદેસાહેબ કરી રહ્યા છે!’

વાત કરતાં ગોહિલ અને દળવી પોલીસ સ્ટેશનને દરવાજે આવ્યા.

‘ડૉક્ટરસાહેબ… અંદર તો આવો!’

ગોહિલે બન્ને ડૉક્ટરને બોલાવ્યા, પણ તે અવઢવમાં હોવાનું લાગતું હતું.

‘ચિંતા ન કરો… ડીસીપી સર આવ્યા પછી જ વાતચીત શરૂ કરીશું!’ ગોહિલે ઇરાદાપૂર્વક કહ્યું.

ડૉ. પાઠક અને ડૉ. હિરેમઠ પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યા ત્યારે ફરી લૉકઅપમાંથી શોએબ અને ઝમીલની ચીસાચીસ સંભળાવા લાગી. શિંદે અને બંડગર ગાળો ભાંડીને ફટકારતા હોવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો.

‘એ અમારું ઑપરેશન થિયેટર છે… ખોટું બોલનારા અપરાધીઓની અહીં સારવાર કરવામાં આવે છે. અમારી સારવારથી તો ગૂંગા પણ બોલતા થઈ જાય છે, ડૉક્ટર!’ ગોહિલ જાણે અણસાર આપતો હતો.

સિનિયર ઈન્સ્પેક્ટર અશોક ગાયકવાડની કૅબિન તરફ જવાને બદલે ગોહિલ બન્ને ડૉક્ટરને લૉકઅપ રૂમ પાસે લઈ ગયો. લૉકઅપમાં શોએબ અને ઝમીલ મુડદાલ પડ્યા હતા, જ્યારે શિંદે અને બંડગર પસીને રેબઝેબ હતા.
બન્નેનો અવતાર જોઈ ડૉ. પાઠકના પગ ડગમગવા લાગ્યા.

‘તમારા ઑપરેશન થિયેટરમાં દરદી બેભાન હોય છે એટલે ઑપરેશન વખતે શાંતિ હોય છે, પણ અમારા ઑપરેશન સમયે દરદી ભાનમાં હોય છે ને તેના મોમાંથી ચીસ નીકળતી જાય છે. પછી દરદી બેભાન થઈ જાય ત્યારે ઑપરેશન પૂરું થાય છે!’ ગોહિલે ડૉ. પાઠકના મનમાં ડર ઊભો કરી દીધો.

‘એક સારી વાત છે, ડૉક્ટર.. કે પોલીસ સ્ટેશનમાંથી નીકળેલી ચીસ અને મદદનો પોકાર સાંભળીને પણ લોકો તેની નોંધ લેતા નથી…’ ડૉ. પાઠક અંદરથી ધ્રુજારી અનુભવતા હતા.

‘આ બન્નેને તમે ઓળખો છો? ડ્રગ્સ તસ્કર સલ્લુના સાથી છે!’

ગોહિલે પૂછ્યું એટલે બન્ને ડૉક્ટરે નામાં જવાબ આપ્યો. એટલામાં ડીસીપી સુનીલ જોશી આવ્યાની જાણ થતાં ગોહિલ ડૉક્ટરો સાથે ગાયકવાડની કૅબિન તરફ વળ્યો. જોશી સાથે ડૉ. સંયમ ઈમાનદારને જોઈ ગોહિલને નવાઈ લાગી. આવું જ અચરજ ગાયકવાડને પણ હતું એટલે જોશીએ ખુલાસો કર્યો.

‘યુનિયન તરફથી ડૉક્ટર ઈમાનદારે મારી સાથે આવવાનો આગ્રહ કર્યો એટલે તેમને પણ લેતો આવ્યો!’

‘હા… તો ઑફિસર, કયા પુરાવાને અધારે તમે ડૉક્ટર પાઠકને અહીં બોલાવ્યા છે?’ ડૉ. ઈમાનદારે શરૂ કર્યું.

‘પૂછપરછ માટે બોલાવવા પુરાવાની જરૂર નથી હોતી!’ ગોહિલે મમરો મૂક્યો.

‘ગોહિલ… શું કહેવા માગે છે?’ જોશી બોલ્યા.

‘સર… આ લોકો શરૂઆતથી પુરાવાની બુમરાણ મચાવે છે એટલે કહેવું પડ્યું. બરાબરને, ડૉક્ટરસાહેબ!’ ગોહિલે ડૉ. હિરેમઠ સામે જોતાં કહ્યું.

‘મેં શું કર્યું?’ ડૉ. હિરેમઠે પૂછ્યું.

‘હું ક્યાં કહું છું કે તમે કંઈ કર્યું છે, પણ યુનિયનમાં તમે જ ગયા હતાને?’

‘તો… હવે બદલો લેશો?’

‘બદલો શેનો… અત્યારે તો તમે જાતે જ આવ્યા છો.’ ડૉ. હિરેમઠ સમજી ગયા કે ગોહિલ તેમને સંભળાવી રહ્યો હતો.

‘મુદ્દાની વાત કરો, ઑફિસર!’ ડૉ. હિરેમઠે કહ્યું.

‘ડ્રગ્સ તસ્કર સલ્લુને ઑપરેશન માટે આર્થિક સહાય માટેના ભલામણ પત્રની વ્યવસ્થા તમે કરાવી હતીને? શા માટે?’ ગોહિલે પ્રશ્ન કર્યો.

‘આ કોઈ પુરાવો નથી. એ તો જરૂરિયાતમંદ દરદી માટે અમે મદદનો હાથ લંબાવતા જ હોઈએ છીએ!’ ડૉ. ઈમાનદારે જવાબ ટાળવા કહ્યું.

‘હા, પણ પછી એ દરદીની લાશ જમીનમાં દાટેલી નથી મળતીને?’ ગોહિલે ડૉ. ઈમાનદારની બોલતી બંધ કરી.

‘તમે સલ્લુને કઈ રીતે ઓળખો છો?’ હવે ડીસીપી જોશીએ પૂછ્યું.

‘હું સલ્લુને નથી ઓળખતો… અને ડૉક્ટર મંદિરાએ આર્થિક સહાયની વિનંતી કરી હતી.’

‘એટલે કે ડૉક્ટર મંદિરા પણ આ કાંડમાં સંડોવાયેલાં છે?’ જોશીએ ફરી પ્રશ્ન કર્યો.

‘મને નથી ખબર!’

‘ડૉક્ટર મંદિરાએ આર્થિક મદદ માટે ચૌધરીને કૉલ કરવા કહ્યું હતું?’

ગોહિલે પૂછ્યું, પણ ડૉ. પાઠકે કોઈ જવાબ ન આપ્યો. તેમના મૌનથી ગોહિલના મગજનો પારો છટકવા લાગ્યો, પણ ડીસીપીની હાજરીને કારણે તે કંઈ કરી શકતો નહોતો.

‘તમે વિધાનસભ્ય જાંભુળકરના પીએ ચૌધરીને જ શા માટે મદદ માટે કૉલ કર્યો હતો?’ એ જ પ્રશ્ન અલગ રીતે ગાયકવાડે પૂછ્યો.

ડૉ. પાઠક ચૂપ જ રહ્યા એટલે ગોહિલે ગુસ્સો દબાવીને થોડા ઊંચા અવાજે ક્હ્યું: ‘ડૉક્ટરસાહેબ… ચૂપ રહેવાથી સમસ્યાનું સમાધાન નહીં થાય અને તમે બચી પણ નહીં શકો. ઊલટું, આ બધા કાંડ તમારા માથે થોપી જિંદગીભર જેલમાં સડાવીશું!’

ગોહિલનો અંદાજો સાચો હતો. ડૉ. પાઠક પોલીસની આકરી પૂછપરછ સામે ટકી શકે એમ નહોતા એટલે ગોહિલની માત્ર હલકી ધમકીથી જ થથરી ગયા.

‘સર.. ડૉક્ટરસાહેબને અમારે હવાલે કરી દો. બધું એમણે જ કર્યું છે, એવું એક કલાકમાં અમે કબૂલ કરાવી લઈશું. શિંદે અને બંડગર પોસ્ટમોર્ટમમાં માહેર છે એ ડૉક્ટર પાઠકે હમણાં જ જોયું છે!’ ડરાવવા ખાતર ચેતવણી આપી ગાયકવાડ ખુરશી પરથી ઊભા થયા એટલે ડૉ. પાઠક હિંમત હાર્યા.

‘ડૉક્ટર ભંડારી!’

‘હેં! શું?’

‘ડૉક્ટર ભંડારીએ લેટર માટે ચૌધરીને કૉલ કરવાનું કહ્યું હતું!’

ડૉ. પાઠકે રહસ્ય ખોલતાં બધા એકબીજાનાં મોઢાં જોવા લાગ્યા.

‘ડૉક્ટર ભંડારી પણ આ કાંડમાં સામેલ છે?’ જોશીએ પૂછયું.

‘મને લાગે છે કે ડૉક્ટર પાઠક ડરના માર્યા એલફેલ બોલી રહ્યા છે!’ ડૉ. ઈમાનદારે બચાવ કર્યો.

‘હા… ડૉક્ટર ભંડારી ઇજ્જતદાર વ્યક્તિ છે. ગરીબોની મદદ માટે ટ્રસ્ટ પણ ચલાવે છે. એ આવાં હીન કાર્યો કદી ન કરે!’ ડૉ. હિરેમઠ પણ બચાવમાં આગળ આવ્યા.

‘ડૉક્ટર પાઠક… તમારા જવાબની રાહ જોવાઈ રહી છે!’ ગોહિલે કહ્યું.

‘લેટર માટે ચૌધરી સાથે વાત કરવાનું ડૉક્ટર ભંડારીએ મને કહ્યું હતું… બાકી હું કંઈ નથી જાણતો!’ ડૉ. પાઠક તૂટક તૂટક બોલી રહ્યા હતા.

‘ડ્રગ્સ અને લાશ મળવાના કાંડમાં ડૉક્ટર કઈ રીતે સંડોવાયેલા છે?’

ડૉ. પાઠકે ફરી ચુપકીદી સેવી.

‘અચ્છા… તો આ કાંડમાં તમારી સંડોવણી કેટલી?’ ગાયકવાડે પૂછ્યું.

‘મને લાગે છે કે તમે જબરદસ્તી ડૉક્ટર પાઠકને આ કાંડમાં સપડાવી રહ્યા છો!’ ડૉ. ઈમાનદાર ફરી વચ્ચે બોલ્યા.

‘અમે કોઈને સંડોવતા નથી, પણ સંડોવાયેલી વ્યક્તિને છોડતા પણ નથી!’ કહીને ગોહિલે કદમને ફોન કર્યો.

કદમ ગણતરીની મિનિટમાં જ વિરાજ મોરેને ગાયકવાડની કૅબિનમાં લઈ આવ્યો.

‘આને તો ઓળખો જ છોને, ડૉક્ટર પાઠક!’ ગોહિલે કહ્યું એટલે ડૉ. પાઠકે પાછળ ફરીને જોયું.

‘બધા જ ઓળખે છે. મારી લૅબનો ટેક્નિશિયન છે, પણ એને શા માટે લાવ્યા?’

‘ગઈ કાલ સાંજથી એ અહીં જ છે!’

‘વ્હૉટ? એટલે જ એનો મોબાઈલ સ્વિચ ઑફ્ફ આવતો હતો!’

‘હા… અમે બંધ કરાવી દીધો છે!’ ગોહિલે જણાવ્યું.

‘કેમ? એણે શું કર્યું છે?’

‘ડૉક્ટરસાહેબ… એના નામ પર એક એમ્બ્યુલન્સ રિજસ્ટર્ડ છે…’ ગોહિલ બોલતી વખતે ડૉ. પાઠકના ચહેરાના બદલાતા હાવભાવ નીરખી રહ્યો હતો.

‘એ એમ્બ્યુલન્સનો ઉપયોગ ગેરકાયદે કામોમાં થયો છે!’ સાંભળીને ડૉ. પાઠકનું મોં પડી ગયું. ઍકન્ડિશન્ડ કૅબિનમાં પણ તેમને પરસેવો વળવા લાગ્યો અને એ બેચેની અનુભવવા લાગ્યા.

‘શબમાં ડ્રગ્સ ભરવામાં આવતું અને પછી તેની હેરફેર આ એમ્બ્યુલન્સમાં કરાતી હતી!’ ગોહિલ બોલ્યે જતો હતો.

‘એ એમ્બ્યુલન્સને ડ્રગ્સ તસ્કર સલ્લુના સાથીએ ઓળખી કાઢી છે, જેને તમે અત્યારે લૉકઅપમાં જોયો.’ ગોહિલની દરેક વાતે ડૉ. પાઠક ઢીલા પડી રહ્યા હતા.

‘અમે એમ્બ્યુલન્સની વિગતો કઢાવીને મોરે સુધી પહોંચ્યા છીએ. હવે એનું કહેવું છે કે એ એમ્બ્યુલન્સ તમે ખરીદી હતી… અને તમારી સૂચનાથી બહારનાં કામો માટે મોકલાતી હતી!’

ગોહિલે ઉમેર્યું: ‘મોરેના નામે એમ્બ્યુલન્સ ખરીદવાનું ખરું કારણ જણાવશો કે પછી…’

‘આ વમળમાં તમે ફસાઈ ગયા છો, ડૉક્ટર… સાચું બોલો, નહીંતર આ લોકો ઓકાવશે!’ જોશીનો અવાજ ડૉ. પાઠકનું કાળજું કંપાવી નાખનારો હતો.

આખરે ડૉ. પાઠક ભાંગી પડ્યા. હવે બચવાનો કોઈ માર્ગ ન હોવાનું જણાતાં તેમણે કબૂલાત કરી…

‘હા… મારું નામ સામે ન આવે તે માટે એમ્બ્યુલન્સ મોરેના નામે રજિસ્ટર્ડ કરાવી હતી, પણ કાંડનો સૂત્રધાર હું નથી!’

‘તો કોણ છે?’

‘ડૉક્ટર વિશ્ર્વાસ ભંડારી!’

(ક્રમશ:)

આ પણ વાંચો…પ્લૉટ-16 – પ્રકરણ-41: જૉનીને પણ કારે કચડી નાખ્યો…

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button