મહારાષ્ટ્ર સરકારે નાગપુરમાં 42 એકર જંગલની જમીન હડપ કરવાના પ્રયાસની તપાસના આદેશ આપ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે નાગપુર જિલ્લામાં 42 એકર જંગલની જમીન હડપ કરવાના કથિત પ્રયાસોની તપાસના આદેશ આપ્યા છે, એમ શુક્રવારે એક અધિકારીએ જણાવ્યું હતું.
કથિત જમીન પચાવી પાડવાની ફરિયાદો મળ્યા બાદ મહેસૂલખાતાના પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ ગુરુવારે રાત્રે મંત્રાલય ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને ઉચ્ચ અધિકારીઓને આ બાબતે અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું, એમ અધિકારીએ માહિતી આપી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર વિપિન ઇટનકર અને વરિષ્ઠ વન અધિકારીઓ હાજર રહ્યા હતા.
સ્થાનિક લોકોએ એવો આરોપ લગાવ્યો હતો કે વન વિભાગના કેટલાક અધિકારીઓએ ચોક્કસ વ્યક્તિઓ સાથે મળીને જમીન ફાળવણી પ્રક્રિયામાં છેડછાડ કરીને કરોડો રૂપિયાની કિંમતની 42 (બેતાલીસ) એકર વનખાતાની જમીન ગેરકાયદે હડપ કરવાનો પ્રયાસ કર્યો હતો, એમ બાવનકુળેના કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે.
‘જવાબદાર લોકોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં,’ એમ બાવનકુળેએ કથિત કૌભાંડને ગંભીર ભ્રષ્ટાચારનો કેસ ગણાવતા કહ્યું હતું.
આ પણ વાંચો: નાગપુરના વેપારી, પુત્રએ દંડથી બચવામર્સિડીઝ પર નકલી નંબર પ્લેટ લગાવી…
તેમણે તપાસનો સામનો કરી રહેલા સ્ટાફને સસ્પેન્ડ કરવાનો નિર્દેશ આપ્યો હતો અને નાગપુર જિલ્લા કલેક્ટર અને વન વિભાગને તાત્કાલિક વિગતવાર અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો, એમ નિવેદનમાં જણાવાયું છે.
સંપૂર્ણ અને સ્વતંત્ર તપાસની ખાતરી આપતા બાવનકુળેએ એમ પણ કહ્યું હતું કે એ બાબતની તપાસ કરવામાં આવશે કે શું કોઈ સ્થાનિક રહેવાસીઓ સરકારી જમીન હડપ કરવાના કાવતરામાં સામેલ હતા.
‘અમે આ કૌભાંડના મૂળ સુધી પહોંચીશું અને કડક પગલાં લઈશું,’ એમ બાવનકુળેને ટાંકીને નિવેદનમાં કહેવામાં આવ્યું છે.