કૈલાસ

ચિંતનઃ હેમુ ભીખુ
કૈલાસ એ પર્વત શિખર નથી, દુનિયાનું સૌથી વિશાળ ઐશ્વરીય પ્રતીક છે. કૈલાસ એ પૃથ્વીનો ઊભરેલો ભૂખંડ નથી, `ઉચ્ચતા’ને આંબવા માટેની પ્રેરણા છે. કૈલાસ એ નકશામાં આલેખાયેલું બિંદુ નથી, સૃષ્ટિના કેન્દ્રનું સૂચન છે. કૈલાસ એ રહેવાનું સ્થાન નથી, તે ઈશ્વરના અસ્તિત્વનું પ્રમાણ છે. કૈલાસ એ વર્તમાનની હકીકત માત્ર નથી, તે સર્જન અને પ્રલય-ભૂત અને ભવિષ્યને જોડતી કડી છે.
એક સમયે ભલે એમ લાગે કે કૈલાસને માપી શકાય, પરંતુ કૈલાસનું પ્રભુત્વ અને તેનું આધ્યાત્મિક સામર્થ્ય અમાપ-અનંત છે. પામવાની અને `સર’ કરવાની વાત તો દૂર રહી, કૈલાસને સંપૂર્ણતામાં ન જાણી શકાય, ન સમજી શકાય, ન વિચારી શકાય કે ન અનુભવી શકાય. કૈલાસ એ પર્વત શિખર નથી, તે તો મહાદેવના અસ્તિત્વની સાબિતી છે.
લિંગ એ શિવજીનું પ્રતીકાત્મક સ્વરૂપ છે, તેનું પૂજન કરવાનું હોય, તેના પર ચઢાણ કરવાનું ન હોય. લિંગમાં શિવજીનો વાસ છે. પૃથ્વી પરનું સૌથી વિશાળ લિંગ કૈલાસ છે.
કૈલાસની પૂજા કરવાની હોય, જે સ્વરૂપે શક્ય હોય તે સ્વરૂપે તેનો અભિષેક કરવાનો હોય, તેને પુષ્પ અને અન્ય સુગંધિત દ્રવ્ય અર્પણ કરવાનાં હોય, તેની સામે દીવો પ્રગટાવી આરતીનો ભાવ મનમાં લાવવાનો હોય, તેના અસ્તિત્વમાં શિવજીની ભવ્યતા તથા તેમનો વ્યાપ પ્રતીત કરવાનો હોય, અણઘડ સાકાર સ્વરૂપમાં વ્યક્ત થતી શિવજીની નિર્દોષતા માણવાની હોય, પ્રસરેલી શીતળતાને શિવજીની પ્રસાદી ગણવાની હોય, પ્રત્યક્ષ દેખાતી હિમ-સફેદીમાં વ્યક્ત થતી શિવજીની પવિત્રતા અનુભવવાની હોય, શિખર સુધી દ્રષ્ટિ પહોંચે તે માટે નજર ઊંચી પણ કરવાની હોય અને પછી નમ્રતાના ભાવ સાથે નજર ઝુકાવવાની પણ હોય.
એવરેસ્ટ શિખરને સર કરવાની ઈચ્છા પણ થાય અને તે ઈચ્છા પૂરી પણ થઈ શકે. પણ, કૈલાસને સર કરવાની ઈચ્છા છોડી દઈ શિવજીની `વિશ્વતા’ને સ્વીકારવાની હોય, ભોળપણ યુક્ત શિવજીના સામર્થ્યને પ્રણામ કરવાના હોય, તાંડવ નૃત્ય દ્વારા સર્જાયેલ સૃષ્ટિની પ્રશંસા કરતાં કરતાં આ જ તાંડવ દ્વારા સંભવીત તેના પ્રલયની સ્થિતિની કલ્પના કરવાની હોય, સૃષ્ટિના દરેક અસ્તિત્વ માટે શિવજીના પ્રેમ અને કરુણાની અનુભૂતિ કરવાની હોય,
જો થોડી ઘણી પણ નકારાત્મકતા ઊભરે તો ભયભીત થવાનું હોય તો ભક્તિમાં તરબોળ થઈ પૂર્ણ શાંતિ અને સંરક્ષણ અનુભવવાનું હોય, સૃષ્ટિની સમગ્ર દિવ્યતા જાણે એક સ્થળે એકત્રિત થઈ હોય તેને અનુભવવાની હોય, અને આ બધાં સાથે કૈલાસ સામે ઊભા રહીને હૃદયની અંદર મહાદેવના અસ્તિત્વની પ્રતીતિ કરવાની હોય, શિવ મહિમ્નમાં જણાવ્યા પ્રમાણે દરેક વ્યક્તિ પોતાની રૂચિ પ્રમાણે જુદા જુદા માર્ગને અનુસરે છે.
આ જ તર્ક જો આગળ લઈ જવામાં આવે તો એમ કહી શકાય કે કોઈકને કૈલાસ `શિખર’ જણાય તો કોઈકને તે મહાદેવના અસ્તિત્વની સાબિતી જણાય, પરંતુ આ બંને પ્રકારના લોકો જ્યારે પોતાની ચિ અનુરૂપનું વર્તન કરે ત્યારે સત્ય પ્રતીત થાય. જે લોકોએ કૈલાસને શિખર સમજીને તેના પર ચઢાણ કરવાનો પ્રયત્ન કર્યો છે તે બધાં જ નિષ્ફળ રહ્યા છે. જ્યારે જે લોકોએ શ્રદ્ધાપૂર્વક કૈલાસને મહાદેવના અસ્તિત્વની સાબિતી માની છે તેમને તે પ્રકારનો અનુભવ થયો પણ છે. ઇતિહાસમાં આ બંને વાતો નોંધાઈ છે. અહીં જીત ભૌતિકતા વાદીની નહીં શ્રદ્ધાવાનની થઈ છે. આમ પણ સમગ્ર સૃષ્ટિ શ્રદ્ધાને આધારે પ્રતીત થાય છે.
જ્યારે કૈલાસની વાત થાય ત્યારે રાવણની એક વાત યાદ આવે. રાવણે કૈલાસને ઊંચકી લેવાનો પ્રયત્ન કરેલો હતો. આના પરથી કોઈ એવો તર્ક આપી શકે છે કૈલાસ એ ભૌતિક શિખર છે. આ ઘટના વાસ્તવિક કરતાં પ્રતીકાત્મક વધુ જણાય છે. કૈલાસ જેટલા વિશાળ શિખરને ઊંચકવા માટે વિશાળ તેમજ તાકાતવાન શરીર હોવું જોઈએ. રાવણ પાસે તાકાત અર્થાત ક્ષમતા તો હશે, પણ વિશાળતાની સંભાવના નથી. ત્રેતાયુગમાં માનવીનું પ્રમાણમાપ મોટું પણ હોઈ શકે પણ એટલું મોટું ન હોય કે જેનાથી પર્વત શિખર ઊંચકી શકાય. આ ઘટના પ્રતીકાત્મક, તેનો આધાર અહંકારયુક્ત ભાવાત્મક અને તેનું પરિણામ સંદેશાત્મક જણાય છે.
ઘણી વાતો પ્રચલિત છે. કહેવાય છે કે કેટલાક પર્વતારોહકોએ કૈલાસને સર કરવા પ્રયત્ન કરેલો પણ તેઓ બધાં જ નિષ્ફળ રહ્યા. ચઢાણ દરમિયાન આકસ્મિક રીતે તેમની ઉંમર વધતી જતી હતી, કલ્પનામાં ન આવે એવી અડચણ ઊભી થતી હતી, શરીર દરેક પ્રકારની ક્ષમતા ગુમાવી દેતું હતું, જ્ઞાનેન્દ્રિયો તેમજ કર્મેન્દ્રિયો શિથિલ થઇ જતી હતી અને જાણે કે શરીર મૃત્યુને આધીન થઈ જતું હતું.
આ બધા પ્રયત્નો છોડી દેવાયાં. ક્યારેક હેલિકૉપ્ટર દ્વારા પણ કૈલાસને પામવાનો પ્રયત્ન થયો, તેનું પરિણામ પણ કંઈ હાથમાં ન આવ્યું. વિજ્ઞાન આ પ્રત્યેક ઘટનાને સમજાવવા અસમર્થ છે – એમ સ્થાપિત થઈ ચૂક્યું છે. તેથી કહી શકાય કે કૈલાસ, વિજ્ઞાનના બહારના વિસ્તારનો વિષય છે. અહીં શ્રદ્ધા અને ભક્તિનું પ્રભુત્વ છે. અહીં વિશ્વાસ અને સમર્પણનું પ્રાધાન્ય છે. આ વિશ્વ-ચૈતન્ય અને જીવાત્માના મિલનનું સ્થાન છે. અહીં પામર અને પરમ'ના સંયોગની સંભાવના છે. આઅનંત’ અને તે અનંતના `અંશ’ના મિલાપની સંભાવના સાર્થક કરતું સ્થાન છે.
કૈલાસ એ શિવ સાથે શક્તિનું પણ કેન્દ્ર છે. જે કૈલાસને અનુભવે તે શિવ-શક્તિને અનુભવે. જે કૈલાસને માને તે સૃષ્ટિના સર્જન અને સંતુલનને માને. જે કૈલાસ આગળ નતમસ્તક થાય તે સૃષ્ટિના `પરમ’ આગળ પોતાનું સમર્પણ વ્યક્ત કરે. જેને કૈલાસમાં શિવજીના દર્શન થાય તેને સંસારના દરેક કણમાં, દરેક અણુમાં શિવજી સાથે શક્તિની પ્રતીતિ થાય. આધ્યાત્મની આ પરમ સ્થિતિ છે.
ખબર નથી પડતી કે ધરતી પર કૈલાસ શિખર ટેકવાયેલ છે કે કૈલાસ શિખર પર ધરતી ટેક્વાયેલી છે.



