Champions Trophy 2025Uncategorized

ભારતીય સ્પિનર્સના ધમાકા બાદ મિચલ-બે્રસવેલની હાફ સેન્ચુરીઃ ભારતને 252 રનનો પડકારરૂપ લક્ષ્યાંક

દુબઈઃ ભારતના સ્પિનર્સે અહીં આજે ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂ ઝીલૅન્ડની સાતમાંથી પાંચ વિકેટ લેવા ઉપરાંત એના બૅટર્સને અંકુશમાં પણ રાખ્યા હતા. બૅટિંગ પસંદ કર્યા બાદ ન્યૂ ઝીલૅન્ડે 50 ઓવરમાં સાત વિકેટે 251 રન બનાવીને ભારતને 252 રનનો સાધારણ છતાં પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો.

દુબઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટ ગ્રાઉન્ડની સ્લો પિચ પર બૉલ ખૂબ નીચો રહી જતો હતો અને ધીમો થઈ જતો હતો અને એ સ્થિતિમાં કિવીઓના ટોચની હરોળના બૅટર્સ સારી શરૂઆત કર્યા બાદ ભારતીય સ્પિનર્સ સામે ઝૂકી ગયા હતા. તેમણે 57 રન સુધી એક પણ વિકેટ નહોતી ગુમાવી, પરંતુ 75મા રન સુધીમાં તેમની ત્રણ વિકેટ પડી ગઈ હતી. ડેરિલ મિચલ (63 રન, 101 બૉલ, ત્રણ ફોર) અને માઇકલ બે્રસવેલ (53 અણનમ, 40 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)ની હાફ સેન્ચુરી ભારતને નડી હતી.

આ પણ વાંચો: રોહિત, વિરાટ અને ગંભીરની ત્રિપુટીએ ફાઇનલ પહેલાં 20 મિનિટ શું કરી ચર્ચા? જાણો

કુલદીપ યાદવ (10-0-40-2), વરુણ ચક્રવર્તી (10-0-45-2) અને રવીન્દ્ર જાડેજા (10-0-30-1) સૌથી સફળ સ્પિનર સાબિત થયા હતા. અક્ષર પટેલ (8-0-29-0)ને વિકેટ નહોતી મળી, પણ તેણે કિવીઓને કાબૂમાં રાખવામાં મોટો ફાળો આપ્યો હતો.
ન્યૂ ઝીલૅન્ડના ઓપનર્સે ફટકાબાજી કરીને ટીમને સારું સ્ટાર્ટ અપાવ્યું ત્યારે લાગતું હતું કે કિવીઓનો જુમલો 300 રનને પાર જશે જ. જોકે વિલ યંગ (15 રન, 23 બૉલ, બે ફોર)ને એલબીડબ્લ્યૂ કરીને વરુણ ચક્રવર્તીએ ટીમ ઇન્ડિયાને વિકેટ અપાવવાની શુભ શરૂઆત કરી હતી. યંગ અને રચિન રવીન્દ્ર (37 રન, 29 બૉલ, એક સિક્સર, ચાર ફોર) વચ્ચે 47 બૉલમાં 57 રનની જે ભાગીદારી થઈ એને વરુણે તોડ્યા બાદ રચિનને રિસ્ટ સ્પિનર કુલદીપે ક્લીન બોલ્ડ કરીને બીજી વિકેટ માટે મોટી ભાગીદારી થતી અટકાવી હતી. લગભગ ચોથા સ્ટમ્પ પર પડેલા બૉલને રચિન ઑફ સાઇડમાં મોકલવાના પ્રયાસમાં ગૂંચવાઈ જતાં ઑફ-મિડલ સ્ટમ્પ પરની બેલ ગુમાવી બેઠો હતો.

રચિનની વિકેટ ન્યૂ ઝીલૅન્ડની 11મી ઓવરમાં લીધા બાદ કુલદીપે 13મી ઓવરમાં કેન વિલિયમસન (11 રન, 14 બૉલ, એક ફોર)ને છટકામાં ગોઠવીને પોતે જ તેનો આસાન કૅચ પકડી લીધો હતો. કેનની પ્રાઇઝ-વિકેટ મળ્યા બાદ ભારતીય બોલર્સને વિકેટકીપર ટૉમ લૅથમ (14 રન, 30 બૉલ)ની બીજી મહત્ત્વની વિકેટની તલાશ હતી અને એ વિકેટ રવીન્દ્ર જાડેજાએ 24મી ઓવરમાં અપાવી હતી.

આ પણ વાંચો: ફાઇનલ પહેલાં મેદાન પરથી કોહલીએ કંઈક એવું કર્યું કે જેનો વીડિયો વાઇરલ થઈ ગયો

જોકે ચોથા નંબર પર રમવા આવેલા ડેરિલ મિચલ અને ગ્લેન ફિલિપ્સ (34 રન, બાવન બૉલ, એક સિક્સર, બે ફોર)ની જોડીએ ભારતીય બોલર્સને ખૂબ હંફાવ્યા હતા. તેઓ ખૂબ સાવચેતીથી રમ્યા હતા અને તેમની વચ્ચે પાંચમી વિકેટ માટે 87 બૉલમાં 57 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી.

ત્યાર બાદ બીજી સાધારણ અને નાની ભાગીદારીઓની મદદથી કિવીઓ 250-પ્લસનો સ્કોર નોંધાવી શક્યા હતા. મિચલ અને માઇકલ બે્રસવેલ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 47 બૉલમાં 46 રનની, બે્રસવેલ અને મિચલ સૅન્ટનર (આઠ રન, 10 બૉલ) વચ્ચે સાતમી વિકેટ માટે 20 બૉલમાં 28 રનની ભાગીદારી થઈ હતી. સૅન્ટનરને કોહલી અને વિકેટકીપર રાહુલે રનઆઉટ કર્યો હતો. છેલ્લે બે્રસવેલ અને નૅથન સ્મિથ (શૂન્ય અણનમ) વચ્ચે છ બૉલમાં અણનમ બાર રનની પાર્ટનરશિપ થઈ હતી.
ભારતીય સ્પિનર્સે કિવીઓ સામે અસરદાર બોલિંગ કરી ત્યાર પછી છેવટની ઓવર્સમાં મોહમ્મદ શમીને રોહિતે ફરી મોરચા પર મૂક્યો ત્યારે તેની બોલિંગને કિવીઓએ ચીંથરેહાલ કરી હતી. શમી 46મી ઓવરમાં ડેરિલ મિચલની વિકેટ લેવામાં સફળ રહ્યો હતો, પણ ઇનિંગ્સને અંતે શમીની બોલિંગ-ઍનેલિસિસ 9-0-74-1 રહી હતી. આ દાવમાં 50થી વધુ રન આપનાર તે એકમાત્ર ભારતીય બોલર હતો. હાર્દિક પંડ્યાને ત્રણ ઓવરમાં 30 રનના ખર્ચે એકેય વિકેટ નહોતી મળી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button