મેઘાલયમાં કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, મૃત્યુઆંક વધીને 16 થયો

તાશખાઈઃ મેઘાલયના પૂર્વ જયંતિયા હિલ્સ જિલ્લામાં આવેલી એક અવૈધ કોલસાની ખાણમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં અત્યારે સુધીમાં 16 મજૂરોના મોત થયાના અહેવાલો મળ્યાં છે. જ્યારે હજી પણ અનેક મજૂરો તેમાં ફસાયેલા હોવાનું જાણવા મળ્યું છે. બચાવ દળો દ્વારા શોધખોળ અને બચાવકાર્ય અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ કોલસાની ખાણ ગેરકાયદે ચાલતી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જ્યારે આ ખાણમાં જે મજૂરો કામ કરી રહ્યાં હતા તે તમામ આસામના હોવાનું પણ જાણવા મળ્યું છે.
અત્યાર સુધીમાં 16 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં
આ ઘટના પૂર્વ જયંતિયા હિલ્સ જિલ્લાના થાંગસ્કુ વિસ્તારમાં બની હતી અને બચાવ ટીમો શોધખોળ હાથ ધરી રહી છે. અત્યાર સુધીમાં કુલ 16 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં છે, પરંતુ વિસ્ફોટ સમયે ખાણમાં કેટલા લોકો હતા તેની ચોક્કસ માહિતી પ્રકાશમાં આવી નથી. જેથી ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે.
ડાયનેમાઇટનો ઉપયોગ થયો હોવાની આશંકા
આ દુર્ઘટના અંગે ઈસ્ટ જયંતિયા હિલ્સના પોલીસ અધિક્ષક વિકાસ કુમારે વિગતો આપતા જણાવ્યું કે, વિસ્ફોટ દરમિયાન એક મજૂર ઘાયલ થયો હતો, જેને સારવાર માટે શિલોંગ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો છે. વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ ડાયનેમાઇટનો ઉપયોગ થયો હોવાની આશંકા છે. એસડીઆરએફ, પોલીસ અને વહીવટી ટીમો બચાવકાર્યમાં લાગેલી છે. મૃતકોમાં મોટાભાગના આસામના મજૂરો છે. પ્રશાસન દ્વારા હજી મૂતકોની ઓળખ જાહેર કરવામાં આવી નથી.
કોલસા ખાણમાં કેવી રીતે થયો બ્લાસ્ટ?
પ્રાથમિક તપાસ પ્રમાણે ખાણમાં ગેસ લીકેજ અથવા ટેકનિકલ ખામીને અકસ્માતનું સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે. જોકે, તપાસ પૂર્ણ થયા પછી જ ચોક્કસ કારણ જાણી શકાશે. એવી શંકા છે કે, વિસ્ફોટ સ્થળ પર કોલસા ખાણકામ પ્રવૃત્તિઓ દરમિયાન થયો હતો, જે ગેરકાયદેસર માનવામાં આવે છે. આ અંગે પોલીસે જણાવ્યું કે, વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તેની તપાસ કરવામાં આવશે. પરંતુ આ પ્રવૃતિ ગેરકાયદે ચાલતી હોવાની પુષ્ટિ થઈ છે.
સ્થાનિક તંત્ર દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં ના આવી?
મહત્વની વાત એ છે કે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ 2014માં મેઘાલયમાં ‘રૈટ-હોલ’ કોલસા ખાણકામ અને ખાણકામની અન્ય અવૈજ્ઞાનિક પદ્ધતિઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમ છતાં અહીં કોલસાનું ખનન કેવી રીતે થઈ રહ્યું હતું.? કેમ સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં નહોતા આવ્યાં? આવા પ્રશ્નો અત્યારે થઈ રહ્યાં છે. કારણે કે, આ ગેરકાનૂની ખનનના કારણે 16 લોકોના મોત થયાં છે.



