મનનઃ શિવજીનું ચિંતનનું મહાત્મ્ય…

હેમંત વાળા
સ્મરણ, મનન, જાપ, ભક્તિ અને ચિંતનમાં સૂક્ષ્મ ભેદ છે. સ્મરણ એટલે શિવજીના કોઈપણ સ્વરૂપ, શિવજીની કોઈપણ બાબત, શિવજીના જીવનનો કોઈપણ પ્રસંગ, શિવજીની દિવ્યતા, શિવજીનું ઐશ્વર્ય, શિવજીનું મહાત્મ્ય અને શિવજીનાં અન્ય કેટલાંક ભાવને સતત યાદ કરવાં. સ્મૃતિ આનો આધાર છે.
મનન એટલે આવી વાતોને સતત મનમાં ઘૂંટ્યા કરવી, મન દ્વારા જ મનમાં તેનું વારંવાર સ્થાપન કરવું. જાપ એટલે શિવજીનું કોઈ નામ કે શિવજીને લગતાં કોઈ પણ મંત્રનું વારંવાર ઉચ્ચારણ કરવું. ભક્તિ એટલે શિવજીને સંપૂર્ણતામાં સમર્પિત રહી તેમની દિવ્યતા તથા ઐશ્વર્યને નતમસ્તક રહેવું.
ચિંતન એટલે શિવજીના સમગ્ર અસ્તિત્વ વિશે સકારાત્મક વિચારો કરતાં રહી, કોઈ તારણ નીકળી શકે તે રીતે તેને યોગ્ય માળખામાં ગોઠવી, તેનું અવલોકન કરતાં રહી, શિવમય થવાનાં માર્ગ પર આગળ વધવું. ચિંતન એ એવી પ્રક્રિયા છે જેનું પરિણામ કદાચ મોડું આવે, તેમાં કદાચ સૂક્ષ્મ અસ્તિત્વને વધારે શ્રમ લાગે, પરંતુ તેનું પરિણામ જ્યારે પણ મળે ત્યારે સચોટ હોય અને સાર્થક હોય.
શિવજીને માનસિક રીતે સમક્ષ કરીને તેમની સાથે વાત કરી શકાય. તેમને પૂછવામાં આવેલાં પ્રશ્નોનાં જવાબ અંતરાત્મા તરફથી મળે. સાત્વિક તથા પવિત્ર ચિંતનને આધારે બ્રહ્મ, ઈશ્વરનું નિરાકાર સ્વરૂપ ધ્યાનમાં આવી શકે. પછી તો સર્વત્ર બ્રહ્મનાં જ દર્શન થાય. દરેક માનવીમાં જ નહીં, પશુ-પક્ષીમાં પણ, ઝાડપાનમાં પણ, પથ્થર સમાન જડ પદાર્થમાં પણ તે મહાદેવના અસ્તિત્વનું પ્રતિબિંબ દેખાય. શ્રદ્ધાપૂર્વકના ચિંતનની તીવ્રતાથી, શિવજીને હાજર કલ્પીને વંદન કરવામાં આવે તો તે વંદન કૈલાશ સુધી પહોંચી જાય.
આ પણ વાંચો…મનનઃ વંદે જગત કારણમ્
માનસિક વિશ્વમાં શિવજીની સ્થાપના કરી તેમને જે કંઈ અર્પણ કરવામાં આવે તે બધું જ, મહાદેવ જ્યાં હોય ત્યાં, તેમનાં ચરણોમાં પહોંચી જાય. પ્રગાઢ ચિંતન દ્વારા શિવજીને કલ્પનામાં લાવીને તેમના પર કરાયેલ અભિષેક વાસ્તવમાં શિવજીનો અભિષેક બની રહે. આંખો બંધ કરીને, શિવજી સમક્ષ ઉપસ્થિત થયાની ભાવના કરીને, ઉચ્ચારાયેલ શિવમંત્ર કે શિવ-મહિમ્ન લઘુરુદ્રી સમાન બની રહે. સાત્ત્વિક વિચારોના આસન પર શિવજીની માનસિક સ્થાપના કરી, પૂર્ણ શ્રદ્ધાથી કરાયેલું તેમનું પૂજન, સંપૂર્ણતામાં શિવજીના દરબારમાં સ્વીકૃત રહે. કોઈપણ સ્વરૂપે કરાયેલ મહાદેવનું ચિંતન સંપૂર્ણ તેમજ સચોટ ફળ આપે.
કોઈપણ ભક્ત જ્યારે શિવજીને વિનંતી કરે ત્યારે તે ખાતરી હોય કે આજે નહીં તો કાલે, આ નહીં તો અન્ય સ્વરૂપે, કોઈને કોઈ માત્રામાં તો તે સ્વીકારાય જ. કોઈપણ સ્વરૂપે જ્યારે શિવજીને પ્રાર્થના કરવામાં આવે ત્યારે તે પ્રાર્થના વ્યક્તિની આધ્યાત્મિકતામાં વધારો કરે જ. શિવજીને જ્યારે આત્મીયતાથી, શુદ્ધતા અને પવિત્રતાથી, પ્રેમસભર આમંત્રણ આપવામાં આવે ત્યારે તેનો અસ્વીકાર થવાની સંભાવના જ ન હોય.
સંપૂર્ણ સમર્પિત ભક્તિથી શિવજી આગળ જ્યારે કોઈપણ રજૂઆત કરવામાં આવે ત્યારે તેને ન્યાય મળે જ. શિવજીને સ્નેહી-હિતેચ્છુ ગણવામાં આવે તો શિવજી તેનો તે પ્રમાણે પ્રતિભાવ આપે. સમર્થ ગુરુદેવ આ બધાંની ખાતરી આપતા હોય. એક પૂર્વધારણા પ્રમાણે ચિંતન એ ચિત્તના આધિપત્યનું ક્ષેત્ર છે. મનન એ મનની ક્રિયા છે. સ્મરણમાં સૂક્ષ્મ અસ્તિત્વમાં એકત્રિત થયેલી વાતોને વારંવાર જાણે, પ્રત્યક્ષ કરી સમજવામાં આવે છે.
ગીતાના વિભૂતિયોગમાં શ્રી કૃષ્ણ જણાવે છે કે ‘યજ્ઞમાં જપયજ્ઞ હું છું’. આ જાપમાં ધ્વનિ શક્તિ – મંત્ર શક્તિ પ્રયોજાય છે. ભક્તિમાં અહંકાર શૂન્યતાને પામે છે. ચિંતનમાં વૈચારિક પ્રક્રિયાથી જ્ઞાન અને અનુભૂતિના માર્ગમાં પ્રગતિ થાય છે. શિવનું ચિંતન એ એક અનોખી અને અદભુત ઘટના છે. ચિંતનમાં સૂક્ષ્મ અસ્તિત્વના, અંત:કરણના પ્રત્યેક સ્વરૂપનો એક સકારાત્મક ફાળો હોય છે. એમ જણાય છે કે, અહીં, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, બધા જ ભેગાં મળીને ભક્તિ તેમજ સાધનામાં સંલગ્ન થાય છે.
ચિંતન થકી, મહાદેવ તરફની યાત્રા ત્યારે જ શક્ય બને જ્યારે ગુરુદેવની કૃપા હોય. આ બધું ગુરુકૃપાને પરિણામે શક્ય બને. ગુરુદેવ પ્રેરણા પણ આપે અને આંગળી પકડીને આગળ પણ લઈ જાય. ગુરુદેવ સંજોગો પણ ઊભા કરે અને તે સંજોગોને હકારાત્મક પ્રતિભાવ આપવા માટે વિચારશીલતા પણ આપે. ગુરુદેવ હંમેશાં દીવો લઈને થોડાંક આગળ ઊભા રહે જેથી આગળનો રસ્તો પ્રકાશિત થતો રહે.
આ પણ વાંચો…મનન : થાવ અધિકારી શિવ-કૃપાના…
ગુરુદેવ કરુણા દાખવે, પ્રોત્સાહિત કરે, સહાય કરે, વિશ્વાસ જગાવે, શ્રદ્ધા દ્રઢ થાય તેવાં સંજોગો ઊભા કરે, કદાચ ક્યારેક નિરાશાની સ્થિતિ ઊભી થાય ત્યારે ઉત્સાહ પ્રગટાવે, ભટકાવની સ્થિતિ શક્ય હોય એટલી દૂર રાખે અને જો ભટકી જવાય તો, થોડી શિક્ષા કરીને, માફ પણ કરી દે.
ગુરુદેવ સાથે પણ આવે અને આગળ રહીને દોરવણી પણ કરે. ગુરુદેવ શ્વાસ બનીને જ્યાં સુધી પરમ લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવન ટકાવી રાખે. ગુરુદેવ અંતરમાં બિરાજી સમગ્ર ઇન્દ્રિયો તથા મનને આંતર્ભિમુખ કરી દે. એમ જણાય છે કે ગુરુદેવની પણ એ ઈચ્છા હોય કે શિષ્ય પોતાનાં પાદચિન્હોને અનુસરે.
ગુરુદેવની ઈચ્છા હોય અને કૃપા હોય તો, ચિંતન દ્વારા, ચોક્કસપણે મહાદેવ સાથે સાત્ત્વિક સમીકરણ ઊભું થઈ શકે. મહાદેવની કૃપા અંતિમ લક્ષ્ય છે, મહાદેવનું સામીપ્ય અંતિમ ધ્યેય છે, મહાદેવની અનુભૂતિ કોઈપણ પ્રકારની પ્રાપ્તિની ચરમસીમા છે, મનમાં સ્થાપિત સ્વરૂપ અનુસાર મહાદેવનું સાકાર દર્શન પરમ સૌભાગ્ય છે, મહાદેવની નિરાકારતાની સંપૂર્ણ સમજ મહાદેવના આશીર્વાદ સમાન છે, મહાદેવની સર્વત્ર શાશ્વત હાજરીની પ્રતીતિ એક પરમ વરદાન સમાન છે.
આ બધું જ ગુરુચરણમાં બેસવાથી, ગુરુચરણની સેવા કરવાથી, ગુરુચરણને સાષ્ટાંગ દંડવત કરવાથી પ્રાપ્ત થઈ શકે. ગુરુ મહાદેવના અસ્તિત્વનું પ્રમાણ પણ છે અને તે અસ્તિત્વને પામવાનું માધ્યમ પણ છે. ગુરુની કૃપા વિના મહાદેવને આત્મસાત કરવા અશક્ય છે, અસંભવ છે.
આ પણ વાંચો…મનન : સત્યની સાબિતી સત્ય જ આપી શકે…