આંધ્ર પ્રદેશમાં ગ્રેનાઈટની ખાણમાં મોટી દુર્ઘટનાઃ 6 મજૂરનાં મોત | મુંબઈ સમાચાર

આંધ્ર પ્રદેશમાં ગ્રેનાઈટની ખાણમાં મોટી દુર્ઘટનાઃ 6 મજૂરનાં મોત

16 મજૂર પર પથ્થરનો મોટો ભાગ ધસી પડ્યો, દસની હાલત ગંભીર

બાપટલાઃ આંધ્ર પ્રદેશના બાપટલા જિલ્લામાં એક ગ્રેનાઈટની ખાણ દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં છ મજૂરોના મોત થયા છે, જ્યારે દસ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના બલ્લીકુરવા નજીક આવેલી સત્યકૃષ્ણ ગ્રેનાઈટ ખાણમાં બની હતી, જ્યાં પહાડોનો મોટો ભાગ ધસી પડ્યો હતો. આ ઘટનાએ ખાણોમાં સલામતીના ધોરણોની ખામીને ઉજાગર કરી છે અને રાજ્ય સરકારે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.

સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે આજે સવારે લગભગ 10:30 વાગ્યે બાપટલા જિલ્લાના બલ્લીકુરવા નજીક સત્યકૃષ્ણ ગ્રેનાઈટ ખાણમાં કામ કરતા 16 મજૂર પર પથ્થરોનો મોટો ભાગ ધસી પડ્યો હતો. આ દુર્ઘટનામાં છ મજૂરના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે દસ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુજબ, આ ઘટના પાણીના લીકેજને કારણે બની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, તમામ મૃતકો ઓડિશાના વતની હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: શોકિંગઃ પેરુમાં સોનાની ખાણમાંથી અપહ્યત ૧૩ કામદારના મૃતદેહ મળ્યાં

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ખાણ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને બચાવ કામગીરી શરૂ કરી. ચાર મજૂરના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે બે અન્ય મજૂર હજુ કાટમાળમાં ફસાયેલા છે. ઘાયલોને તાત્કાલિક નરસારાવપેટની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા, જ્યાં ચાર મજૂરોની હાલત ગંભીર છે. બાપટલાના પોલીસ અધિક્ષક તુષાર ડૂડીએ ઘટનાસ્થળની મુલાકાત લઈને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે અધિકારીઓને ઘાયલોને શ્રેષ્ઠ ચિકિત્સા સુવિધા પૂરી પાડવા અને દુર્ઘટનાના કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરવા આદેશ આપ્યા છે. પ્રાથમિક તપાસમાં ખાણમાં પૂરતી સલામતી વ્યવસ્થાનો અભાવ હોવાનું જણાયું છે, જે આ દુર્ઘટનાનું મુખ્ય કારણ હોઈ શકે છે. બાપટલા જિલ્લા કલેક્ટર જે. વેંકટા મુરલી અને પોલીસ અધિક્ષક તુષાર ડૂડી સ્થળ પર સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: મધ્ય પ્રદેશના બૈતુલની ખાણમાં સ્લેબ તૂટતા ઘટી મોટી દુર્ઘટના, અનેક શ્રમિકો દટાયા

આ ઘટનાએ ખાણોમાં સલામતીના ધોરણોને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ભૂતકાળમાં પણ આંધ્ર પ્રદેશમાં આવી દુર્ઘટનાઓ બની છે, જેમાં શ્રીકાકુલમ જિલ્લામાં મે 2025માં થયેલા ખાણ વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા હતા. મુખ્યમંત્રી નાયડુએ આવી ઘટનાઓનું પુનરાવર્તન થાય નહીં તેના માટે સખત પગલાં લેવાની હાકલ કરી છે.

સરકારે મૃતકોના પરિવારોને સહાય અને ઘાયલોને તાત્કાલિક ચિકિત્સા પૂરી પાડવાનું વચન આપ્યું છે. આ દુઃખદ ઘટના મજૂરોની સલામતી અને ખાણમાં કામની સ્થિતિને લઈને વધુ જાગૃતિની જરૂરિયાત દર્શાવે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button