અમારા કાર્યકાળમાં મહારાષ્ટ્ર જીડીપી અને એફડીઆઈમાં નંબર વન બની: એકનાથ શિંદેનો દાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ લોકસભાની ચૂંટણીમાં જ્વલંત વિજયનો વિશ્ર્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, અમારી સરકારે મેટ્રો પ્રોજેક્ટ, બાળાસાહેબ ઠાકરે સમૃદ્ધિ હાઈવે, મુંબઈમાં કોંક્રીટ રોડ, અટલ સેતુ જેવા બે વર્ષમાં ઘણા વિકાસ કાર્યો કર્યાં છે. ઉપરાંત, સરકારે ખેડૂતો અને મહિલાઓ માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળની મહાવિકાસ આઘાડી માટે મહારાષ્ટ્રમાં 40 થી વધુ બેઠકો મેળવવી શક્ય નથી.
આ પણ વાંચો: અમને ગદ્દાર કહેનારાએ શરદ પવારને પણ દગો દેવાની તૈયારી કરી હતી: એકનાથ શિંદે
રાજ્યમાં અમારી સરકાર બની તે પહેલા મહારાષ્ટ્ર જીડીપી અને એફડીઆઈમાં ઘણું પાછળ હતું. અમારી સરકાર આવ્યા પછી હવે જીડીપીમાં મહારાષ્ટ્ર નંબર વન છે અને એફડીઆઈમાં આગળ આવ્યું છે. અગાઉ ઉદ્યોગો ભાગી રહ્યા હતા. હવે આવી રહ્યા છે. અમારી સરકાર આવ્યા પછી ઉદ્યોગો માટે ઘણા સારા ફેરફારો થયા છે. અમે ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું છે, સિંગલ વિન્ડો ક્લિયરન્સ આપ્યું, રેડ કાર્પેટ આપી. અમારી પાસે સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, મેનપાવર છે.
અમે રાજ્યને વિકાસ તરફ દોરી રહ્યા છીએ અને ડબલ એન્જિનની સરકાર હોવાથી અમારી ગતિ ઘણી વધારે છે એવો દાવો શિંદેએ કર્યો હતો.
આ પણ વાંચો: લોકસભાના પરિણામો પહેલાં જ વિધાનસભાની તૈયારીમાં લાગ્યા એકનાથ શિંદે
શું એવો કાયદો છે કે વડાપ્રધાને રોડ શો ન કરવો જોઈએ?, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મુંબઈમાં કરવામાં આવેલા રોડ શો પર વિપક્ષ દ્વારા કરવામાં આવેલા પ્રહારોનો જવાબ આપતાં શિંદેએ ઉપરોક્ત સવાલ કર્યો હતો અને કહ્યું હતું કે જ્યારે અમે મોદીને આમંત્રણ આપીએ છીએ ત્યારે તેઓ ખુશીથી આવે છે. કારણ કે, તેમને પણ વિકાસ ગમે છે. લાખો લોકો તેમને જોવા માટે રસ્તા પર આવે છે. વાસ્તવમાં, વડાપ્રધાન વિપક્ષને રસ્તા પર લાવવા માટે રસ્તા પર આવ્યા છે.
તમને વેકેશન કેમ નથી ગમતું એવા સવાલનો જવાબ આપતાં શિંદેએ કહ્યું હતું કે, છત્રપતિ સંભાજીનગરમાં દુષ્કાળ સંદર્ભે બેઠક હતી. ત્યાં પ્રાણીઓને માટે ચારાની અને લોકો માટે પાણીની જરૂર છે. તે માટેની તમામ વ્યવસ્થા મેં કરી છે. સરકારની જવાબદારી છે. હું એક સંવેદનશીલ વ્યક્તિ છું અને મુખ્ય પ્રધાન પણ છું જે ખેડૂતોને મુશ્કેલીમાં છોડીને જઈ શકે નહીં.
આ પણ વાંચો: ચૂંટણી પૂરી થતાં જ એકનાથ શિંદે ઈન એક્શન
દેશમાં ગરીબ અને અમીર માટે અલગ કાયદો છે કે કેમ તેવો પ્રશ્ર્ન શિંદેને પૂછવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, બધા માટે એક જ કાયદો છે, પછી તે અમીર હોય કે ગરીબ. પોલીસ કમિશ્ર્નરને સૂચના આપવામાં આવી છે કે કોઈપણ વ્યક્તિ ભલે ગમે તેટલો મોટો હોય તેની સામે કાર્યવાહી કરીને તેને જેલમાં મોકલવામાં આવે. મૃત્યુ પામેલા યુવક-યુવતીઓ પણ કોઈના દીકરા-દીકરીઓ છે. અમે કોઈપણ વ્યક્તિને ભલે ગમે તેટલી મોટી વ્યક્તિ હોય, જેલમાં મોકલીશું. કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.