એક નજર ઈધર ભી…: ક્રિકેટનું કાશી: લોર્ડ્સ ગ્રાઉન્ડ ને અમ્પાયર ડિકી બર્ડની રોચક કેપ – કથા

કામિની શ્રોફ
લોર્ડ્સનું ગ્રાઉન્ડ, ડિકી બર્ડ, સ્ટેડિયમનું પ્રવેશદ્વાર, યાદગાર રેકોડર્સ, કેપનાં સભારણાં
ક્રિકેટની રમતનો જન્મ 1598માં ઈંગ્લેન્ડમાં થયો હોવાની સત્તાવાર નોંધ છે. ક્રિકેટ રમવાની શૈલી અને એનાં સાધનો તેમજ રમતના આયોજનના સ્વરૂપમાં સમયાંતરે બદલાવ થતો રહ્યો છે. પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ રમવાનો પ્રારંભ 1877માં ઓસ્ટે્રલિયામાં થયો હતો.
ક્રિકેટના કાશી તરીકે ખ્યાતિ ધરાવતા લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પહેલી ટેસ્ટ મેચ 1884ના જુલાઈ મહિનામાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટે્રલિયા વચ્ચે રમાઈ હતી જેમાં ઈંગ્લેન્ડનો એક ઈનિંગ્સ અને પાંચ રનથી વિજય થયો હતો. લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સેન્ચુરી કરવી એ ક્રિકેટર માટે સિદ્ધિ ગણાય છે એ જ રીતે યુકે ફરવા ગયેલા સહેલાણીઓ લોર્ડ્સની મુલાકાત લેવામાં રોમાંચ અનુભવે છે.
લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમ ટુરના પ્રારંભમાં મ્યુઝિયમમાં રાખવામાં આવેલી ક્રિકેટ બોલની રાખ સાચવતી ‘એશિઝ અર્ન’, ગ્રાઉન્ડ પર જતી વખતે ભારતના ઐતિહાસિક વિશ્વ કપ વિજયની સ્મૃતિ સાચવતી તકતી સહિત અનેક યાદગાર પ્રતીકો, વસ્તુઓ અને ફોટોગ્રાફ્સ ધ્યાન ખેંચે છે.
ખાસ તૈયાર કરવામાં આવેલા બોર્ડ પર લોર્ડ્સ ટેસ્ટમાં સેન્ચુરી ફટકારનાર દેશી-વિદેશી ખેલાડીઓ (દિલીપ વેંગસરકરનું નામ ત્રણ વાર છે, સચિન તેંડુલકર ગેરહાજર છે) તેમજ પાંચ કે પાંચ કે પાંચથી વધુ વિકેટ ઝડપનાર દેશી-વિદેશી ખેલાડીઓના નામ (પહેલું ભારતીય નામ મોહમ્મદ નિસારનું છે) ચમકે છે. અને હા, 1952ની ટેસ્ટમાં વિનુ માંકડની અનન્ય સિદ્ધિ (પાંચ વિકેટ અને 72 તેમજ 184ની બે શાનદાર ઇનિંગ્સ)નો વિશેષ ઉલ્લેખ કરવામાં આવે.
પેવેલિયનનો પ્રખ્યાત `લોન્ગ રૂમ’ આકર્ષક છે. બંને ટીમના ખેલાડીઓ પોતપોતાના ડે્રસિંગ રૂમમાંથી બહાર નીકળી લોન્ગ રૂમમાંથી પસાર થઈ ગ્રાઉન્ડમાં જતા હોય છે. ડે્રસિંગ રૂમમાંથી ગ્રાઉન્ડ પર જવા ખેલાડીએ ખાસ્સું લાંબું અંતર કાપવું પડતું હોવાથી એ લોન્ગ રૂમ તરીકે ઓળખાય છે.
સ્ટેડિયમ ટુરના ગાઈડ પાસે લોર્ડ્સ વિશે ઝીણામાં ઝીણી જાણકારી-માહિતી હોય છે અને કેટલીક રસપ્રદ સ્ટોરી પણ હોય છે. ગ્રાઉન્ડ જોવા આવેલા સહેલાણીઓમાં ભારતીયોનું પ્રમાણ વધુ હોય તો દિલીપ વેંગસરકર અને કપિલ દેવના બાજુ બાજુમાં રહેલા તેમજ બિશનસિંહ બેદી અને સચિન તેંડુલકરના પેઈન્ટિંગ્સ વિશે વિગતે રજૂઆત કરે. બીજી પણ કેટલીક મજેદાર કથા સાંભળવા મળે. એમાંની એક મજેદાર કથા છે મંગળવારે 92 વર્ષની ઉંમરે અવસાન પામેલા વિશ્વવિખ્યાત ક્રિકેટ અમ્પાયર ડિકી બર્ડની.
વાત છે ડિકી બર્ડની ફેમસ કેપની-પ્રખ્યાત ટોપીની. 1975માં રમાયેલા વન-ડે ક્રિકેટના પહેલા વર્લ્ડ કપની ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝ-ઓસ્ટે્રલિયાનો મુકાબલો થયો હતો. ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝનો રોમાંચક વિજય થતા હરખઘેલા કેરિબિયન ક્રિકેટપ્રેમીઓનું ઝુંડ મેદાનમાં ઊતરી પડ્યું. ખેલાડીઓ અને બંને અમ્પાયર પેવેલિયનમાં પહોંચે એ પહેલા એક પ્રેક્ષક ડિકી બર્ડની પેલી પ્રખ્યાત કેપ ખેંચીને ભાગી ગયો.
ધક્કામુક્કીથી બચવું મહત્ત્વનું હોવાથી ડિકી બર્ડે પણ ટોપી બચાવવાની કોશિશ ન કરી. માનવંતી કેપ ગુમાવવાનું દુ:ખ જરૂર થયું, પણ પછી અમ્પાયર એ વાત વિસરી ગયા. એકાદ વર્ષ પછી ડિકી બર્ડ લંડનમાં બસ યાત્રા કરી રહ્યા હતા ત્યારે બસ ડ્રાઈવરના માથા પર એક સફેદ ટોપી જોઈ જે અસ્સલ પોતાની ખોવાઈ ગયેલી ટોપી જેવી દેખાઈ રહી હતી.
કુતૂહલવશ અમ્પાયરે કેપ વિશે ડ્રાઈવરને પૂછ્યું ત્યારે સ્મિત સાથે એ ભાઈ બોલ્યો કે `તમે પ્રખ્યાત અમ્પાયર ડિકી બર્ડને કદાચ ઓળખતા નહીં હો, પણ ક્રિકેટ સ્ટેડિયમમાં કે ટીવી પર અમ્પાયર તરીકે ફરજ બજાવતા તેમને જોયા હશે. વર્લ્ડ કપ ફાઈનલ જોવા હું લોર્ડ્સ ગયો હતો. વેસ્ટ ઈન્ડિઝના વિજય પછી અમે કેટલાક લોકોએ ગ્રાઉન્ડમાં દોટ મૂકી હતી અને એમાં હું સૌથી આગળ હતો અને મેં યાદગીરી તરીકે ડિકી બર્ડના માથા પરથી તેમની આ કેપ ખેંચી લીધી. અનેક વાર પહેં છું અને મેચનો રોમાંચ યાદ આવી જાય છે.’ ડ્રાઈવરને ખબર નહોતી કે સવાલ પૂછનાર જ ડિકી બર્ડ છે.
આ કિસ્સો સાંભળી સહેલાણીઓ હસી પડ્યા એટલે ગાઈડ બોલ્યા કે હજી વાત બાકી છે. ડ્રાઈવરનું બોલવાનું પૂં થતા ડિકી બર્ડે પોતાનું આઈડી દેખાડી સ્મિત સાથે કહ્યું કે
હું જ એ અમ્પાયર છું.’ એ સાંભળી બસ ડ્રાઈવર મૂંઝાયો નહીં, બલ્કે ખડખડાટ હસી પડ્યો અને એ કેપ વિનમ્રતાથી ડિકી બર્ડને સોંપી દીધી.
1996z zમાં ડિકી બર્ડની અમ્પાયર તરીકે અંતિમ ટેસ્ટ મેચ લોર્ડ્સમાં રમાઈ હતી. ટેસ્ટ પૂરી થયા પછી અમ્પાયરે એ કેપ મ્યુઝિયમને સોંપી દીધી જે આજની તારીખમાં પણ સચવાઈ છે અને મેદાન જોવા આવેલા ક્રિકેટ રસિયાઓ એના ફોટોગ્રાફ્સ પાડી સંભારણું લઈ જાય છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : બર્મિંગગમની જીત, રોહિત-વિરાટની ખોટ જરાય ના સાલી