અમરેલીમાં માતાની નજર સામે દીપડાએ એક વર્ષની બાળકીનો શિકાર કર્યો: સ્થાનિકોમાં ભયનો માહોલ

અમરેલી: છેલ્લા કેટલાક દિવસોથી અમરેલી જિલ્લામાં દીપડા અને સિંહો દ્વારા માનવ પર હુમલાના બનાવો સતત વધી રહ્યા છે, જેના કારણે ખેડૂતો અને ખેતમજૂરોમાં ગભરાટ અને આક્રોશ ફેલાયો છે. આજે ધારીગીર પૂર્વ દલખાણિયા રેન્જના ત્રંબકપુર ગામમાં એક અત્યંત કરુણ ઘટના બની હતી, જ્યાં એક વર્ષની બાળકીને તેની માતાની નજર સામે જ દીપડો ઉઠાવી ગયો હતો અને તેનો શિકાર કર્યો હતો.
માતા રસોઈ બનાવતી હતી, ત્યાં જ દીપડો ત્રાટક્યો
આ ઘટના ત્રંબકપુર ગામમાં ખેડૂત પુરુષોત્તમ મોરીની વાડીમાં પરપ્રાંતીય મજૂર પરિવાર રહે છે. જેમાં એક દંપતી અને તેમની એક વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. આજે સવારે માતા રસોઈ બનાવી રહી હતી અને બાળકી તેની બાજુમાં જ બેઠી હતી. આ દરમિયાન અચાનક દીપડો આવી ચડ્યો હતો. માતા કંઈ સમજે કે પ્રતિક્રિયા આપે તે પહેલાં જ દીપડો બાળકીને ઉઠાવીને ભાગી ગયો હતો અને થોડા સમય બાદ બાળકીનો શિકાર કર્યો હતો. બાળકીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમો તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક R.F.O., A.C.F. સહિત ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો હાજર રહ્યો હતો. માનવભક્ષી બનેલા દીપડાને પકડવા માટે વન વિભાગે તાત્કાલિક કવાયત હાથ ધરી છે અને સાત પાંજરાં ગોઠવવામાં આવ્યાં છે. જોકે, આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયની લાગણી ફેલાઈ ગઈ છે.
અમરેલીમાં હુમલાની વણઝાર
અમરેલી જિલ્લામાં તાજેતરમાં વન્યજીવો દ્વારા માનવ પર હુમલાની આ બીજી મોટી ઘટના છે. તાજેતરમાં બગસરાના હામાપુર ગામમાં એક સિંહણે પાણીની કુંડી પાસે રમતા બાળકને દબોચી લીધો હતો અને તેને ફાડી ખાધો હતો. ત્યારબાદ ખાંભાના ગીદરડી ગામમાં ખેતમજૂર મુકેશ સોલંકી (ઉં. 34) જ્યારે વાડીમાં પાણી વાળી રહ્યા હતા, ત્યારે તેમના પર સિંહે હુમલો કર્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. વન્યજીવોના વધતા માનવ વિસ્તારમાં પ્રવેશ અને હુમલાની આ ઘટનાઓથી સ્થાનિક લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.



