Uncategorized

કાનૂની માપવિજ્ઞાન તંત્રની લાલ આંખઃ રાજ્યમાં ગેરરીતિ કરતા એકમ પાસેથી ₹ 18 લાખનો દંડ વસૂલાયો

અમદાવાદઃ કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યમાં અનેક એકમોની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. દિવાળીના તહેવાર દરમિયાન સમગ્ર રાજ્યમાં કુલ 332 જેટલી મીઠાઇ/ફરસાણ/ડ્રાયફ્રુટની દુકાન, ગિફ્ટ શોપ અને મીઠાઈની દુકાનની તપાસ કરવામાં આવી હતી.

આ દરમિયાન દુકાનોમાં ચાલતી ગેરરીતિ બદલ કુલ 126 એકમ સામે ગુનો નોંધીને માંડવાળ ફી તરીકે રૂપિયા 5,91,500/- વસૂલ કરવામાં આવી હતી.

આપણ વાચો: ‘તહેવારમાં લૂંટ’: અમદાવાદની દુકાનમાં કાજુ કતરીના બોક્સ ચોરાયા, CCTV વાયરલ

પેટ્રોલ-ડીઝલ પંપના 19 એકમ સામે ગુનો

જુલાઈ 2025 દરમિયાન સમગ્ર રાજયમાં પેટ્રોલ-ડીઝલ પંપની તપાસણી અંગેની ઝુંબેશ દરમિયાન રાજયમાં કુલ 276 પેટ્રોલ-ડીઝલ પંપની તપાસ કરી ગેરરીતિ બદલ કુલ 19 એકમ સામે ગુનો નોધવામાં આવેલ અને માંડવાળ ફી તરીકે રૂપિયા 69,500/- વસૂલ કરાઈ હતી.

ગત વર્ષે મે મહિના દરમિયાન રાજયના અલગ-અલગ જિલ્લાઓમાં આવેલ ખાતર/બિયારણ/જંતુનાશક દવાઓ તથા ખેતીના સાધનોના વિક્રેતાઓ ની તપાસણી અંગેની ઝુંબેશ દરમિયાન રાજયમાં કુલ 398 વિક્રેતાની તપાસ કરી ગેરરીતિ બદલ કુલ 210 વિક્રેતા સામે ગુનો નોંધીને માંડવાળ ફી તરીકે રૂપિયા 05,84,000 વસૂલ કરવામાં આવી હતી.

રાજ્યની 419 હાઈ-વે હોટેલની તપાસ કરી

આ સાથે મે- 2025 દરમિયાન રાજયના અલગ-અલગ જિલ્લાઓમાં આવેલ FCI/CWC/FCIના અધિકૃત ગોડાઉનની તપાસણી અંગેની ઝુંબેશ દરમિયાન રાજયમાં કુલ-38 ગોડાઉનની તપાસ કરવામાં આવી હતી. આમાંથી કુલ 03 ગોડાઉન સામે ગેરરીતિ બદલ ગુનો નોંધીને માંડવાળ ફી તરીકે રૂપિયા 14,000 વસૂલ કરવામાં આવી હતી.

ફેબ્રુઆરી-2025 દરમિયાન સમગ્ર રાજયની હાઈવે હોટલની તપાસણી અંગેની ઝુંબેશ દરમિયાન રાજયમાં 419 હાઈવે હોટલની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 169 એકમો સામે ગેરરીતિ બદલ ગુનો નોંધવામાં આવ્યો અને માંડવાળ ફી તરીકે રૂપિયા 06,18,500 વસૂલ કરવામાં આવ્યા હતા.

આમ, વર્ષ દરમિયાન વેપારીઓ પાસેથી વિવિધ ગેરરીતિ બદલ કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા કુલ રૂપિયા 18.77 લાખથી વધુની માંડવાળ ફી વસૂલ કરીને રાજ્યના ગ્રાહકોના હિતમાં સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button