કથા કોલાજઃ એ દિવસોમાં મારી ઓળખાણ દેવ આનંદ સાથે થઈ…

કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: 7)
નામ: મુમતાઝ જહાન દહેલવી (મધુબાલા)
સમય: 20 ફેબ્રુઆરી, 1969
સ્થળ: બ્રિચ કેન્ડી હોસ્પિટલ, મુંબઈ
ઉંમર: 36 વર્ષ
મારા અબ્બુ મારે માટે સર્વસ્વ હતા, પરંતુ ધીમે ધીમે એમનો રવૈયો બહુ મુશ્કેલ બનતો જતો હતો. મારા પૈસા મને વાપરવા માટે મળતા નહીં. એ નાના નાના નિર્માતાઓ સાથે ઘમંડ અને તોછડાઈથી વાત કરતા. એમને ખબર હતી કે, મને સાઈન કરવા માટે એ જેટલા પૈસા માગશે એટલા આપવા માટે અત્યારે સહુ તૈયાર છે. અબ્બુ સાઈનિંગ અમાઉન્ટ લઈ લેતા, પછી ડેટ આપતી વખતે પૈસા વધારી દેતા… સહુ ફરિયાદ કરતા, પણ હું કંઈ કરી શકું એમ નહોતી.
એ વખતે મારા મેન્ટોર અને જેણે મને પહેલો ચાન્સ આપ્યો એ સરદાર ચંદુલાલ શાહ તકલીફમાં આવી ગયા હતા. એમના ભત્રીજા રતિભાઈ પૂનાતર અમારી પાસે આવ્યા. એમણે એક ફિલ્મનો પ્રસ્તાવ મૂક્યો. હું સરદાર ચંદુલાલ શાહની બજારની પરિસ્થિતિ જાણતી હતી, હું એ પણ જાણતી હતી કે, અબ્બુ બહુ ગુસ્સે થશે તેમ છતાં, મેં રતિભાઈને એક પણ પૈસો એડવાન્સ લીધા વગર ફિલ્મની ડેટ આપવાની હા પાડી.
એમણે એક ફિલ્મ પ્લાન કરી. અબ્બુએ એ વિશે ખૂબ ઝઘડો કર્યો. મને ધમકાવી, પરંતુ મેં પહેલી વખત અબ્બુની સામે આંખ ઊંચી કરીને કહ્યું, `ચંદુલાલ શાહને કારણે આજે આપણે અહીંયા ઊભા છીએ. એ જો આપણો હાથ ન પકડત તો આપણે કોઈ દિવસ મુંબઈમાં સેટલ થઈ શક્યા ન હોત. એમનો આપણા પર અહેસાન છે.’ અબ્બુએ મને ડરાવવા માટે કહ્યું કે, આવનારા 6 મહિના સુધી મારી ડેટ અવેલેબલ નથી! મારી ડેટ અબ્બુ જ મેનેજ કરતા એટલે એમની સાથે દલીલ કરવાનો કોઈ અર્થ નહોતો… મેં મનોમન નિર્ધાર કરી લીધો હતો.
થોડા વખતથી હું અબ્બુની આ જોહુકમી સામે માથું ઊંચકતી થઈ ગઈ હતી-યુસુફ એનું એક કારણ હતો! મેં એની સાથે વાત કરી, યુસુફે મને સજેસ્ટ કર્યું કે, હું અબ્બુની તારીખો તો જાળવી જ લઉં, પરંતુ રતિભાઈ પૂનાતરને વધારાનો સમય આપી દઉ. વિચાર મને ગમી ગયો. હું સામાન્ય રીતે એક જ શિફ્ટમાં કામ કરતી, પરંતુ મેં રતિભાઈ માટે રોજ અડધી શિફ્ટ વધારાનું કામ કરવાનું નક્કી કર્યું. અબ્બુના અણગમા સાથે ફિલ્મ પૂરી તો થઈ, પરંતુ સી ગ્રેડની ફિલ્મ અને પબ્લિસિટીના પૈસા ખૂટી પડવાને કારણે ફિલ્મ ડબ્બો થઈ ગઈ. અબ્બુને કહેવાનું બહાનું મળી ગયું.
એ દિવસોમાં મારી ઓળખાણ દેવ આનંદ સાથે થઈ. અમે મધુબાલા’ ફિલ્મ સાઈન કરી. દેવ આનંદ ત્યાં સુધીમાં સફળ કલાકાર તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા હતા. એમણેનવકેતન’ નામની પોતાની સંસ્થાની સ્થાપના કરીને એના બેનર નીચે ફિલ્મો બનાવવાની શરૂ કરી હતી. સેટ ઉપર એક દિવસ એણે મારી સાથે અંગ્રેજીમાં વાત કરી. હું સંકોચાઈ ગઈ. મેં એમને કહ્યું, મને અંગ્રેજી નથી આવડતું.’ એમણે મને કહ્યું,મધુજી, અંગ્રેજી હવે દુનિયાની ભાષા બનવાની છે. હિન્દી અને ઉર્દૂના દિવસો પૂરા થશે. સૌએ અંગ્રેજી શીખવું જ પડશે…’ એમણે મારે માટે અંગ્રેજી ટ્યુટર શોધી આપ્યો અને હું અંગ્રેજી શીખવા લાગી.
દેવ આનંદ એક ખૂબ સારા મિત્ર હતા. એ પોતાની કારકિર્દી વિશે એટલા ફોક્સ્ડ હતા કે, સામેની વ્યક્તિને કોમ્પ્લેક્સ આવી જાય! એમણે ફિલ્મો અને અભિનયની એક નવી પરિભાષા શરૂ કરી. દેવ આનંદ પોતાના ભવિષ્ય વિશે સ્પષ્ટ હતા. ફૂડ, ફિટનેસ અને ફેશનમાં એમણે એક નવી જ વિચારધારાને જન્મ આપ્યો. એ મને હંમેશાં કહેતા, `પિતાનો આદર કરવો એ એક વાત છે અને એમનાથી દબાઈને, ડરીને રહેવું બીજી વાત!’ જોકે, હું ક્યારેય મારા પિતાની સામે ખૂલીને બોલી શકી નહીં.
અમે `નિરાલા’માં સાથે કામ કરતાં હતાં. એ દિવસોમાં મઝહર ખાન નામના એક અભિનેતા અમારી સાથે કામ કરતા હતા. એમણે પોતાના કેટલાક મિત્રોને શુટિગ જોવા માટે નિમંત્રિત કર્યા હતા. આ મહેમાનો શુટિગ જોઈ રહ્યા હતા ત્યારે મારા પિતાને ખુરશી ન મળી. કોઈએ જાણી જોઈને એમની સાથે ગેરવર્તન ન જ કર્યું હોય, પરંતુ મારા પિતાનો ઈગો એમને નડી ગયો. એમણે આવેલા મહેમાનને ઊભા થઈ જવાનું કહ્યું.
મઝહર ખાન નારાજ થઈ ગયા. એમણે પોતાના મહેમાન સાથેનો ગેરવર્તન સ્વીકારવાની ના પાડી અને નિર્માતાને તરત હાજર થઈને આ વાતનો નીવેડો લાવવાનું કહ્યું. મારા પિતા અડી ગયા. મઝહર ખાન મારી પાસે આવ્યા. એમણે વિનંતી કરી, પરંતુ મારા પિતાની આંખો જોઈને હું ડરી ગઈ. મારે એમને કહેવું પડ્યું કે, મારા અનુબંધ (કોન્ટ્રાક્ટ) પ્રમાણે સેટ ઉપર અતિથિઓને પરવાનગી નહીં આપી શકાય. (ત્યારે તો આવો સોશ્યલ મીડિયાનો સમય નહોતો. કોઈ ફોટા પાડે કે દુરઉપયોગ કરે એવી શક્યતા નહોતી તેમ છતાં એ વખતે મધુબાલા અને અતાઉલ્લા ખાને આ વાતનો બહુ મોટો મુદ્દો બનાવ્યો.)
મઝહર ખાનને અપમાન લાગ્યું, પરંતુ એ સમયે હું સ્ટાર હતી અને મારી જરૂરિયાત હતી જ એટલે કોઈ કશું બોલ્યું નહીં. મઝહર ખાનના મહેમાનો શુટિગ જોયા વગર જ નીકળી ગયા, પરંતુ આ ઘટનાએ ફિલ્મ જગતમાં બહુ મોટા પડઘા ઊભા કર્યા. અતાઉલ્લા ખાનથી બધા કંટાળેલા જ હતા, એમનો વર્તાવ દિવસે દિવસે વધુ તોછડો અને જોહુકમીભર્યો થતો જતો હતો. નિર્માતાઓ, પત્રકારો અને સેટ પર અનેક લોકો મારા અબ્બુથી ચીડાયેલા હતા. પત્રકારોએ આ વર્તાવનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરી લીધો. ભારત અને પાકિસ્તાનના પત્રકારોએ ભેગા થઈને મારી વિરુ કાર્યવાહી શરૂ કરી.
નિરાલા’ના સેટ પરનો એમનો વર્તાવ ફિલ્મી દુનિયામાં એટલો બધો ચર્ચાયો કે, નિર્માતાઓ પણ પત્રકારોની સાથે જોડાઈ ગયા. તમામ પત્રકારોએ નક્કી કરીને મારો ફોટો કે મારા વિશેના કોઈ સમાચાર નહીં છાપવાનું નક્કી કર્યું. વરિષ્ઠ પત્રકાર બી. કે. કરંજિયાએમુવી ટાઈમ્સ’ નામના એમના મેગેઝિન દ્વારા સુલેહ કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હવે જે રીતે આ પરિસ્થિતિ ગોઠવાઈ હતી એમાં ઈન્ડો-પાક જર્નાલિસ્ટ એસોસિએશન ઈનવોલ્વ થયું હતું.
`પારસ’ નામની પત્રિકાના સંપાદક લાલા કરમચંદે આ વિરોધની આગેવાની લીધી અને સૌને અંગત રીતે મળીને મારા ફોટા નહીં છાપવા કે મારા વિશે સમાચાર નહીં પ્રકાશિત કરવાની વિનંતી કરવા લાગ્યા. સાથે સાથે પત્રકારોએ ઈન્કમટેક્સને ફરિયાદ કરી કે, મધુબાલા ફક્ત 5-10 હજારનો કોન્ટ્રાક્ટ કરે છે અને બાકીના પૈસા કેશમાં લે છે… ઈન્કમટેક્સ વિભાગની નોટિસ પણ અમને મળી ગઈ. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે, નિર્માતાઓએ થોડી શુટ કરેલી ફિલ્મો સ્ક્રેપ કરીને, બીજી હિરોઈનને લઈને નવેસરથી શુટ કરવાની તૈયારી કરવા માંડી.
મારા અબ્બુ સાચે જ ડરી ગયા હતા કારણ કે, નલિની, જયવંત, સુરૈયા અને નરગિસથી મને રિપ્લેસ કરવામાં આવી હતી. એ ગાળામાં મારા પિતાના એક વ્યવસાયિક ભાગીદાર હતા, પી.એન. અરોરા. એમણે પણ આ ઝઘડાને સુલટાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હવે કશું થઈ શકે એમ હતું જ નહીં. મારા અબ્બુ માફી માગે એ શક્ય જ નહોતું, પરંતુ એમણે પી.એન. અરોરાને જુદા જુદા લોકો પાસે મોકલીને સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હવે કોઈ કશું સમજવા તૈયાર નહોતું.
પ્યારેલાલ સંતોષી નિરાલા’ના ફાઇનાન્સર હતા. મારા અબ્બુએ ગમે તે રીતે એમનો સંપર્ક કર્યો. એમની સાથે મીટિગ ગોઠવી. એ મીટિગમાં અબ્બુએ પ્યારેલાલજીને મેં અત્યાર સુધી કરેલા દાનની વિગતો આપી. પ્યારેલાલજી ઈમ્પ્રેસ થયા. એમણે વિનંતી કરી કે, પાકિસ્તાન છોડીને ભારત આવેલા હિન્દુઓની મદદ માટે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો એનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો, ત્યાં મારે ઉપસ્થિત રહેવું. અશોક કુમાર, એસ.ડી. બર્મન, પ્રેમનાથ અને રાજ કપૂર ત્યાં ઉપસ્થિત રહેવાના હતા-હું પણ ત્યાં ગઈ અને મેં 50 હજાર રૂપિયાનો ચેક આપ્યો. એ વખતના મિનિસ્ટર મોરારજી દેસાઈને મેં કહ્યું હતું,આ મારી આજ સુધીની બચત છે.’
મોરારજી દેસાઈએ આ ઝઘડામાં અંગત રીતે રસ લીધો. મારે વિશે લખાતા અશ્લીલ લેખો એમના સુધી પહોંચ્યા. એમને જાણ થઈ કે મને ફોન પર ધમકી આપવામાં આવે છે, મારી ગાડીને ફોલો કરવામાં આવે છે ત્યારે મોરારજીભાઈએ 24 કલાકની પોલીસ સુરક્ષા પૂરી પાડી, પરંતુ આ બધી પરિસ્થિતિમાં મારી બદનામી થઈ રહી હતી. મારા હાથમાંથી ફિલ્મો જઈ રહી હતી. કેદાર શર્મા અંગત રીતે અબ્બુને મળવા આવ્યા. એમણે પણ બને એટલું ઝડપથી આ સૂલટાવવાનો પ્રયત્ન કર્યો. અંતે, એસોસિયેશન તરફથી એક જ શરત આવી-સહુ પત્રકારો પાસે મારા અબ્બુ હાથ જોડીને માફી માગે.
અબ્બુ પાસે કોઈ ચોઈસ નહોતી. બી.કે. કરંજિયા અને રામ ઔરંગાબાદકર, બે જણાંએ આગેવાની લીધી. બાંદ્રામાં આવેલા અમારા બંગલા `અરેબિયન વિલા’માં સહુ પત્રકારોને આમંત્રિત કરવામાં આવ્યા. એક નાનકડી પાર્ટીમાં અબ્બુએ સૌની પાસે જઈને પર્સનલી માફી માગી અને આ ઝઘડો પૂરો કરવાની વિનંતી કરી. પત્રકારોના ચક્રવ્યૂહમાં ફસાયેલા અતાઉલ્લા બહાર નીકળ્યા, ને સાથે મેં પણ નિરાંતનો શ્વાસ લીધો. (ક્રમશ:)
આ પણ વાંચો…કથા કોલાજઃ પૂરી સગવડ ને આદર સાથે ફરી એક વાર હું બોમ્બે ટોકિઝ સાથે જોડાઈ



