કચ્છના રાપરમાં કેમ પાળીયાઓની થાય છે પૂજાઃ જાણો અનેરી પરંપરા વિશે

ભુજ: વિક્રમ સવંત ૨૦૮૨ના પ્રારંભને ભાતીગળ પ્રદેશ કચ્છના સીમાવર્તી રાપર તાલુકાના ભીમાસર ગામના યુવાનોએ વિશિષ્ટ રીતે ઉજવણી કરીને ગામના અને વાગડ પંથકના ઇતિહાસને જીવંત કર્યો હતો. ભીમાસરના યુવાનોએ નવા વર્ષની શરૂઆત પાળીયા પૂજન દ્વારા કરી હતી. અહીં પાળીયાઓની આજુબાજુ રહેલા ઝાડી ઝાંખરા દૂર કરીને પાળીયાઓને સિંદૂર લગાવીને પૂજા કરાઈ હતી.
ઇતિહાસકરોના મતે દરેક પાળીયા સાથે ભૂતકાળની કોઈને કોઈ ઘટના સાથે સંકળાયેલો રસપ્રદ ઇતિહાસ છુપાયેલો હોય છે. ભીમાસર ખાતે ૫૪ જેટલા પાળીયા એક જગ્યાએ અડીખમ ઉભા છે જેમાં એવી લોક વાયકા છે કે અહીં એક આખી જાન કપાઈ ગઈ હતી.
પાળીયા એટલે યુદ્ધ દરમ્યાન જેમણે પોતાનુ શૂરાતન બતાવીને ધર્મ અને બહેન દિકરીઓ કે ગામની રક્ષા કાજે પોતાનુ બલિદાન આપી દીધુ હોય તેમની યાદમા પાળીયા બનાવવામાં આવતા હતા, તેમજ પોતાના શુરવીર પતિ પાછળ સતિ થઈ હોય તે સતિ માતાજીના પાળીયા પણ અહીં જોવા મળે છે.
અધર્મીઓ સામે લડાઈ દરમ્યાન જયારે નરબંકાઓ પોતાના શરીરે ડગલો પહેરીને તેમા ઘી લગાવીને અંગુઠા આગળથી આગ લગાવે અને ચાલતા થાય અને જયા દેહ પડે ત્યા ત્રાગાનો પાળીયો ખોડાય અને સામે અધર્મીઓનુ ખેદાન મેદાન થઈ જાય. ભૂતકાળમાં ત્રાગા કરવામા આવતા હતા તેમના પાળીયા પણ કચ્છના વાગડ પંથકમાં જોવા મળે છે તેમજ ગોચર માટે જમીન દાનમા આપી હોય તેવા દાનવીરોના પાળીયા પણ અહીં સંખ્યામાં જોવા મળે છે. આ ઉપરાંત ઉપરાંત ભુજ શહેરના પ્રાચીન કલ્યાણેશ્વર મંદિરમાં તેમજ રાજાઓના સ્મશાન છતરડીમાં પણ સંખ્યાબંધ પાળિયાઓ આવેલા છે જેની પૂજન વિધિ ખાસ દિવસો દરમ્યાન કરવામાં આવે છે તેમ જાણીતા ઇતિહાસવિદ દિલીપરાય વૈદ્યે જણાવ્યું હતું.
આ પણ વાંચો…કચ્છ નહીં દેખા તો ક્યા દેખાઃ દિવાળી વેકેશનમાં કચ્છ પર્યટકોથી છલકાયું



