કસારા ઘાટમાં કારને નડેલા અકસ્માતમાં ત્રણનાં મોત | મુંબઈ સમાચાર
Uncategorized

કસારા ઘાટમાં કારને નડેલા અકસ્માતમાં ત્રણનાં મોત

થાણે: મુંબઈ-નાશિક હાઈવે પરથી પૂરપાટ વેગે દોડતી કાર કસારા ઘાટમાં મોટા પથ્થર સાથે ટકરાતાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવાને જીવ ગુમાવ્યા હતા, જ્યારે કારમાંથી કૂદી ગયેલો ડ્રાઈવર બચી ગયો હતો.

કસારા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર સુરેશ ગાવિતે જણાવ્યું હતું કે ઘટના મંગળવારની રાતે 10 વાગ્યાની આસપાસ કસાર ઘાટ પરિસરમાં એક હોટેલ નજીક બની હતી. ડ્રાઈવર બેદરકારી અને તેજ ગતિથી કાર ચલાવી રહ્યો હતો. એક વળાંક પાસે અંદાજો ન રહેતાં કાર મોટી શિલા સાથે ટકરાઈ હતી.

કાર એટલી જોરથી ટકરાઈ હતી કે તેમાં હાજર ત્રણ યુવાનનાં મોત થયાં હતાં. મૃતકોની ઓળખ રિયાઝ હૈસ્યત અલી, અસદુલ્લાહ અને અફઝલ તરીકે થઈ હતી. ત્રણેય 30થી 35 વયના હોવાનું પોલીસનું કહેવું છે.

આ પણ વાંચો: કસારા ઘાટમાં મીની બસનો અકસ્માત: 21 જખમી, ત્રણની હાલત ગંભીર

દરમિયાન અકસ્માત સમયે ડ્રાઈવર કારમાંથી બહાર કૂદી પડ્યો હતો અને ઘટનાસ્થળેથી પલાયન કરી ગયો હતો. બનાવની જાણ થતાં કસારા પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મૃતકોનાં શબને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં.

આ પ્રકરણે પોલીસે કાર ડ્રાઈવર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને મોટર વેહિકલ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસ ફરાર આરોપીની શોધ ચલાવી રહી છે. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button