પુણેમાં ભરબપોરે પિસ્તોલની ધાકે જ્વેલરી દુકાનની માલકણને ફટકારી દાગીનાની લૂંટ…

પુણે: બાઈક પર આવેલા ત્રણ લૂંટારાએ ભરબપોરે પિસ્તોલની ધાકે જ્વેલરીની દુકાનની માલકણની કથિત મારપીટ કરી સોનાના દાગીનાની લૂંટ ચલાવી હોવાની ઘટના પુણેમાં બની હતી. પોલીસના જણાવ્યા મુજબ લૂંટની ઘટન મંગળવારની બપોરે દોઢ વાગ્યાની આસપાસ પુણેના વડગાંવ બુદ્રુક વિસ્તારમાં બની હતી. બાઈક પર ત્રણ લૂંટારા જ્વેલરીની દુકાન બહાર આવ્યા હતા. બે લૂંટારા દુકાનમાં પ્રવેશ્યા હતા, જ્યારે એક દુકાન બહાર બાઈક પર બેઠો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર દુકાનમાં ઘૂસેલા બન્ને શખસે પિસ્તોલ સહિતનાં શસ્ત્રોની ધાક બતાવી હતી. બાદમાં શોકેસનો કાચ તોડી અંદાજે 60 ગ્રામ સોનાના દાગીના લૂંટ્યા હતા. દુકાનની માલકણ મંગલ ઘાડગે (55)એ લૂંટારાઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પણ લૂંટરાઓએ મહિલાની મારપીટ કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. બનાવની જાણ થતાં પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. લૂંટારાઓની ઓળખ મેળવવા માટે પોલીસ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી રહી છે. (પીટીઆઈ)
આપણ વાંચો : વેપારીને બિઝનેસ લોન અપાવવાના બહાને સવા કરોડનો ચૂનો ચોપડ્યો