IPL 2024: આવતીકાલે ટ્રેડ વિન્ડો બંધ થશે, આ ખેલાડીઓની અદલાબદલી થઈ છે
મુંબઈ: IPLની આગામી સીઝન માટે 26મી નવેમ્બર એટલે કે આવતીકાલનો દિવસ ખૂબ જ ખાસ રહેશે. આ દિવસે તમામ 10 ફ્રેન્ચાઇઝીના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવશે. આ સાથે ટ્રેડ વિન્ડો પણ બંધ થઈ જશે. આવી સ્થિતિમાં આગામી 24 કલાકમાં કેટલાક મોટા ખેલાડીઓના સોદા અને ટ્રાન્સફર થઇ શકે છે. અત્યાર સુધી માત્ર ત્રણ ખેલાડીઓની બદલી કરવામાં આવી છે અને ચોથું નામ હાર્દિક પંડ્યા સામે આવી રહ્યું છે, જેના અંગે સત્તાવાર નિવેદન આવવાનું બાકી છે.
22 નવેમ્બરના રોજ, રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે સોદો થયો. જેમાં રાજસ્થાન રોયલ્સે તેમના બેટ્સમેન દેવદત્ત પડિકલ (રૂ. 7.75 કરોડ) અને લખનઉ સુપર જાયન્ટ્સે તેમના બોલર અવેશ ખાન (રૂ. 10 કરોડ)ની અદલાબદલી કરી હતી. મતલબ કે હવે અવેશ ખાન રોયલ્સની જર્સીમાં અને દેવદત્ત પડિકલ જાયન્ટ્સની જર્સીમાં જોવા મળશે. 3 નવેમ્બરના રોજ, રોમારિયો શેફર્ડ મુંબઈ ઈન્ડિયન્સમાં ગયો. તે અગાઉ લખનૌ સુપર જાયન્ટ્સ ટીમનો ભાગ હતો.
ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાઈ શકે છે. હાર્દિક પંડ્યા IPL 2023 થી મુંબઈ ઈન્ડિયન્સના સંપર્કમાં હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ટ્રાન્સફર નક્કી છે, હવે માત્ર સત્તાવાર ઔપચારિકતાઓ પૂર્ણ કરવાની બાકી છે. સવાલ એ છે કે શું હવે હાર્દિક પંડ્યા રોહિત શર્માની જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરશે કે મુંબઈએ રોહિતને છોડવાની યોજના બનાવી છે. એવી પણ શક્યતા છે કે રોહિતના બદલામાં હાર્દિકને ગુજરાતમાંથી મુંબઈ લઈ જવામાં આવે.
ટ્રાન્સફર ફીની રકમ અંગે હજુ સુધી માહિતી પ્રાપ્ત થઈ નથી. હાર્દિકને ટ્રાન્સફર ફીના 50 ટકા સુધી મળશે. હાર્દિકે પણ 2015માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે તેની આઈપીએલ કારકિર્દીની શરૂઆત કરી હતી.
આવતીકાલે રીટેન્શન લિસ્ટ જાહેર થયા બાદ રિલીઝ થયેલા ખેલાડીઓ અને નવા નોંધાયેલા ખેલાડીઓની હરાજી માટેની તૈયારીઓ શરૂ થશે. એવું માનવામાં આવે છે કે ફ્રેન્ચાઇઝી ઘણા મોંઘા વિદેશી ખેલાડીઓને છુટા કરી શકે છે. જેમાં બેન સ્ટોક્સ, સેમ કુરાન, જોફ્રા આર્ચર, કેમેરોન ગ્રીન અને હેરી બ્રુક જેવા નામ સામેલ છે.
ઉલ્લેખનીય છે ક IPL 2024 માટે 19 ડિસેમ્બરે દુબઈમાં હરાજી યોજાવાની છે.