IPL 2024સ્પોર્ટસ

CSK vs PBKS highlights: ચેન્નઈને સતત પાંચ વાર હરાવનાર પંજાબ બીજી ટીમ

બ્રાર અને ચાહરનો સ્પિન-જાદુ ચાલી ગયો: ઝીરોમાં આઉટ થનાર શિવમ દુબેને પહેલી વાર બોલિંગ કરવા મળી

ચેન્નઈ: પંજાબ કિંગ્સને પ્લે-ઑફનો નહીંવત ચાન્સ છે, પરંતુ આ ટીમે બુધવારે ચૅપોકના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં જ યજમાન ચેન્નઈ સુપર કિંગ્સને માત આપીને રેકોર્ડ-બુકમાં નામ લખાવી લીધું હતું. ચેન્નઈને લાગલગાટ પાંચ વાર હરાવનાર પંજાબ હવે મુંબઈ ઇન્ડિયન્સ પછીની બીજી ટીમ છે. ચેન્નઈ (10 મૅચ બાદ 10 પોઇન્ટ) ચોથા નંબરે અને પંજાબ (10 મૅચ બાદ 8 પોઇન્ટ) સાતમા સ્થાને છે.

પંજાબે 163 રનનો લક્ષ્યાંક 17.5 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે મેળવી લીધો હતો. જોની બેરસ્ટો (30 બૉલમાં 46 રન), રાઇલી રોસોઉ (23 બૉલમાં 43), શશાંક સિંહ (26 બૉલમાં અણનમ પચીસ) અને સૅમ કરેન (20 બૉલમાં અણનમ 26)ના બેટિંગમાં મુખ્ય યોગદાન હતા.


ચેન્નઈના પેસ ઓલરાઉન્ડર શિવમ દુબેને મંગળવારે ટી-20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યું હતું. જોકે બુધવારે એ સિલેક્શન પછીની પ્રથમ ઇનિંગ્સમાં પહેલા જ બૉલમાં ઝીરોમાં આઉટ થઈ ગયો હતો. એ નિરાશા બાદ તેને એક વાતે ખુશી પણ થઈ હતી. આ સીઝનમાં તેને પહેલી વાર (છે 10મી મૅચમાં) બોલિંગ કરવા મળી હતી. તેને એક જ ઓવર મળી હતી જેમાં તેણે 14 રનના ખર્ચે જોની બેરસ્ટોની વિકેટ લીધી હતી. શાર્દુલ તથા ગ્લિશનને પણ એક વિકેટ મળી હતી.


બેરસ્ટો-રોસોઉ વચ્ચેની બીજી વિકેટ માટેની 64 રનની અને છેલ્લે સૅમ-શશાંકની 50 રનની ભાગીદારીએ પંજાબની જીતને આસાન બનાવી હતી.


એ પહેલાં, 17 રનમાં ચેન્નઈના ટૉપ-ઓર્ડરની ત્રણમાંથી બે વિકેટ લઇને ચેન્નઈને 165 રનની અંદર સીમિત રખાવનાર સ્પિનર હરપ્રીત બ્રારને છેવટે મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. તેની સાથે સ્પિનર રાહુલ ચાહરે પણ બે વિકેટ લીધી હતી. એમએસ ધોની 2024ની સીઝનમાં પહેલી વાર આઉટ થયો હતો.


ચેન્નઈની બેટિંગની શરૂઆતથી જોઈએ તો આ ટીમે બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં સાત વિકેટે 162 રન બનાવ્યા હતા. કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ (62 રન, 48 બૉલ, બે સિક્સર, પાંચ ફોર)એ 18મી ઓવર સુધી એક છેડો સાચવી રાખ્યો હતો. ઓપનર અજિંક્ય રહાણે (24 બૉલમાં 29 રન) ફરી એકવાર લાંબી ઇનિંગ્સ નહોતો રમી શક્યો, પણ ગાયકવાડ સાથે તેણે 64 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી.


ચેન્નઈએ 8.40 કરોડ રૂપિયામાં ખરીદેલા સમીર રિઝવી (21 રન)ની વિકેટ પડ્યા પછી છેક 17મી ઓવરમાં ચેન્નઈની પહેલી સિક્સર જોવા મળી હતી. એ છગ્ગો ગાયકવાડે સૅમના બૉલમાં ફટકાર્યો હતો. ગાયકવાડની વિકેટ પડ્યા બાદ મોઇન અલી (નવ બૉલમાં 15 રન) સાથે ધોની (11 બૉલમાં એક સિક્સર, એક ફોર સાથે 14 રન) જોડાયો હતો. 2023ની આઈપીએલ બાદ સીધા 2024ની આઈપીએલમાં રમી રહેલો ધોની પાછલી સાતેય ઇનિંગ્સમાં અણનમ રહ્યો હતો અને બુધવારે આ સીઝનમાં પહેલી જ વાર આઉટ થયો હતો.


20મી ઓવરમાં અર્શદીપ સિંહે ધોનીને વારંવાર સીધા સ્ટમ્પ્સ પર બૉલ ફેંકવાનું ટાળીને તેમ જ બે વાઇડ ફેંકીને તેને ફટકાબાજીથી વંચિત રાખવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ધોનીએ બે મોટા ફટકા તો માર્યા જ હતા. છેવટે ઇનિંગ્સના આખરી બૉલમાં તે રનઆઉટ થયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…