Uncategorized

મુખ્બિરે ઈસ્લામ: યહ આંસુ મેરે દિલ કી ઝુબાં હૈ: દુ:ખને દૂર કરવાનો સેફટી વાલ્વ

– અનવર વલિયાણી

માનવંત હઝરત અલી સાહેબે ઈમાન, શ્રદ્ધા, આસ્થા લાવનાર એક સાથી – સંગાથી સહાબીને નસીહત, સલાહ – શિખામણ આપતા કહ્યું કે,

  • ખૌફે ઈલાહી, અલ્લાહના ન્યાયના સત્ય ચુકાદામાં નીકળતા આંસુના એક એક બુંદ, ટીપાં જહન્નમ, દોઝખની આગના સમંદરને બુઝાવી દેશે.
  • `જો આજે તમે ખૌફે ખુદામાં રડ્યા તો કયામત, અલ્લાહના ન્યાય, ચુકાદાના દિવસે તમારી આંખો રોશન થશે…!’
  • પવિત્ર કુરાનમાં રોવાનો ઉલ્લેખ છે
  • આંખના એક ડૉક્ટરના જણાવ્યાનુસાર
  • `આંસુ નયનોની નાજુક આંતરત્વચાને સૂકી બનતા અટકાવે છે.’
  • પ્રખ્યાત ડૉક્ટરોના સંશોધન મુજબ બાળક થોડીવાર આંસુ કાઢ્યા વગર રડે તો આંખ, કાન અને ગળાની આંતરત્વચા (મ્યુક્સ મેમ્બ્રેન) સૂકી બની જાય છે અને તે ભાગ પર રોગના જીવાણુઓ સરળતાથી હુમલો કરી શકે છે.

એક સાયન્ટીસ્ટે ટેસ્ટ ટ્યુબમાં જીવતા રોગ જીવાણુઓ લાખોની સંખ્યામાં નાખ્યા અને પછી તેમાં ત્રણ ટીપાં આંસુનાં નાખ્યાં. તે બાદ તપાસતા જણાયું કે, બેક્ટેરિયા (જીવાણુઓ)નો નાશ થયો હતો. આમ આંસુઓમાં રોગોના જંતુઓને મારવાની અદ્ભુત ક્ષમતા છે, શક્તિ છે.

વિજ્ઞાને હજુ પગપેસારો પણ કર્યો નહોતો ત્યારે દીને ઈસ્લામે તેની ઈલાહી કિતામ કુરાન શરીમાં આંસુઓની જન્મજાત ફીત્રત (કુદરતી ટેવ)ની અગત્યતા વિશે ફરમાવી દીધું હતું. એટલે નયનો દ્વારા વહેતા અશ્રુઓને વહેવા દો, તેને ઈન્સાનની કમજોરી ન ગણો. બલકે રડવાથી, આંસુઓ વહાવવાથી મનનો મેલ ધોવાઈ જાય છે, દિલોદિમાગ પાક સાફ થાય છે. મન, હૃદય, દિમાગને અદ્ભુત સાંત્વના અને રાહત મળે છે તેની પાછળ રહેલા કુદરતી લાભાલાભનો અહેસાસ -અનુભૂતિ કરો.

આ પણ વાંચો: મુખ્બિરે ઈસ્લામઃ `જિંદગી કા સફર’ સમજી લેવાનો સમય: શું અલ્લાહ ઈન્સાન જાત પરથી પોતાનો વિશ્વાસ ગુમાવી રહ્યો છે…?

છેલ્લા સંશોધન મુજબ તો દરેક માનવીની આંખમાંથી રોજેરોજ આંસુઓ નીકળે જ છે. ચોવીસ કલાકમાં દસ ઔંસ (એક ઔંસ ત્રીસ મિલીલિટર) અશ્રુ દરેક માનવીની આંખમાંથી નીકળે છે. કુદરતી આંસુ દર મિનિટે બે માઈક્રોલિટરના પ્રમાણમાં નીકળે છે એટલે કોઈ એમ કહે કે મને રડવું આવતું નથી. હું ગમે તેવા સંજોગોમાં પણ રડતો જ નથી તે સમજવું ભૂલ ભરેલું છે, પરંતુ વૈજ્ઞાનિકોના કહેવા મુજબ દરેક માનવી દરેક મિનિટે રડે છે, આ કુદરતે બક્ષેલી પ્રક્રિયા છે. આ કુદરતની કમાલ આંખમાં રહેલ અશ્રુગ્રંથિ (લેકરીમલ ગ્લેન્ડ કે ટીઅર ગ્લેન્ડ)ના લીધે થાય છે. સાયન્ટીસ્ટોની ગણતરી મુજબ જીવન દરમિયાન માણસ 25 કરોડ વખત રડે છે.

  • આપણે ત્યાં કોઈ દુ:ખદ પ્રસંગે સંતૃપ્ત હૈયાનો ભાર હળવો કરવા માટે રૂદનને ઉત્તમ ઈલાજ ગણવામાં આવ્યો છે.
  • સંસારમાં અનેક દુ:ખ હસતા મુખે સહન કરતી બહેનો પણ દુ:ખ હળવું કરવા માટે છાના ખૂણે કે જાહેરમાં રોઈ લેતી હોય છે.
  • બાળકો તેમનું ધાર્યું ન થાય ત્યારે અથવા ધાર્યું કરાવવા માટે રડવાનો આશ્રય લે છે.
  • રાજકારણીઓ પણ સમય આવ્યે આંસુ સારી લેવાનો કસબ અજમાવતા હોય છે.
  • અમેરિકાના સંશોધકોએ વિવિધ પ્રકારના આંસુઓનું રસાયણિક સંશોધન કરીને જાહેર કર્યું છે કે લાગણીના આવેગથી નીકળતા સાચા આંસુથી માનસિક તાણ હળવી થાય છે અને આવું રડી લેવાથી રડનાર વ્યક્તિ અલ્સર, મધુપ્રમેહ અને જ્ઞાત તંતુના રોગોને દૂર રાખી શકે છે. આ વૈજ્ઞાનિકોએ કેટલાક સ્વંય સેવકોને ધુમાડાથી અને બીજાં રસાયણોથી આવેલા અશ્રુના નમૂના (સેમ્પલ) ચકાસ્યા હતા. આજ સ્વંય સેવકોને લાગણીના તાર ઝણઝણી ઊઠે અને માનવી કુદરતી રીતે જ રડી પડે તેવી ફિલ્મો બતાવીને રડાવવામાં આવ્યા હતા અને અશ્રુના સેમ્પલ (નમૂના) લેવામાં આવ્યા હતા. લાગણીના આવેગથી આવેલા આંસુમાં કેટલાક હોરમોન અને શરીરને નુકસાતકર્તા રસો જણાયા હતા. આ પદાર્થો અશ્રુવારે વહી જવાથી માનવી અમુક રોગોથી મુક્ત રહી શકે છે તેવું આ વૈજ્ઞાનિકોની ટુકડીએ જાહેર કર્યું હતું. આપણે ત્યાં અરેરાટીભર્યા પ્રસંગે પણ રોવું ખાળી શકતા માનવીઓને `કઠણ કાળજા’ના કહેવામાં આવે છે, સાયન્ટીસ્ટોના સંશોધન પછી કઠણ કાળજાવાળાએ પણ રોતા શીખવાનું મન થાય તો નવાઈ નહીં. મુદ્દો એ છે કે એ આંસુ સાચા હોવા જોઈએ, બનાવટી નહીં.
  • વહાલા જિજ્ઞાસુ વાચક મિત્રો!
  • એક પ્રેરણાસ્ત્રોત જે સનાતન સત્ય છે અને કદી મિથ્યા થતું નથી તે એ છે કે,
  • દુનિયાના કોઈપણ ખૂણે જન્મતું બાળક પછી તે કાળો હોય કે ગોરો! કે પછી ઠીંગણો, લાંબો, ચપટો હોય કે સામાન્ય! જન્મતાની સાથે જ તેનો પહેલામાં પહેલો અમલ (વ્યવહાર, આચરણ) રડવાનો હોય છે અને જો તે રડતું નથી તો શ્વાસોશ્વાસ જેને અંગ્રેજીમાં `રેસ્પી રેશન’ કહેવામાં આવે છે તે ચાલુ થતાં નથી.
  • યાદ રહે કે રડવાથી જ ફેફસાં કામ કરતા થાય છે અને જન્મતાની સાથે જ જો બાળક ના રડે તો તેને રડાવવાની સૌ પ્રથમ કોશિશ તબીબોની હોય છે.

વહાલા જિજ્ઞાસુ વાચક બિરાદરો! આજથી 1444-1445 વર્ષ પૂર્વે ઈસ્લામના પ્યારા પયગંબર હઝરત મુહંમ્મદ સાહેબે તેમના પર નાઝિલ થયેલ કુરાન મજીદમાં નબીઓના રડવાનો ઝીકર (ઉલ્લેખ) છે. ખુદ અલ્લાહના રસૂલ હઝરત મુહમ્મદ (સલ.) તેમના કાકા હઝરત હમઝાની શહાદત પર રડ્યા છે. મૌલા અલી અલૈયહિ સલ્લામ (અ.સ.) ભાઈ શહીદ જાફર બીન અબી તાલિબની શહાદત પર રડ્યા છે. રડવું એ તો પયગંબરોની સુન્નત (પવિત્ર આચરણ) છે.

આ પણ વાંચો: મુખ્બિરે ઈસ્લામઃ ક્રોધની કૂટેવ અને દુ:ખમાં ધૈર્ય: આ રહ્યો તેનો આસાન નુસ્ખો

ભાઈબંધ સમાજના એક જાણીતા શાયર જનાબ માથુર લખનવી સા’બે કેટલું સરસ કહ્યું છે:

રોના હય ગમે શાહ મેં
ફીત્રત કા તકાઝા,
બિદઅત ન કહો યહ હય
મોહમ્બત કા તકાઝા.
(બિદઅત: આશ્ચર્ય, કમજોરી, નિયમ વિરુદ્ધનું આચરણ)

ભારતમાં આયુર્વેદમાં જે તેર વેગો કહ્યા છે તેમાં આંસુનો પણ એક વેગ તરીકે ઉલ્લેખ છે. આ તેર વેગોને કદાપી રોકવા ન જોઈએ. રોકવાથી શરીરને અપાર નુકસાન થાય છે.

આધુનિક સંશોધન મુજબ પુરુષો કરતાં સ્ત્રીઓ જલદી રડે છે. અમેરિકન સાયકોલોજિસ્ટ વિલ્યમ બ્રિયાનના મત મુજબ અમેરિકન પુરુષો કરતાં ત્યાંની સ્ત્રીઓના લાંબા આયુષ્યનું રહસ્ય એ ત્યાંની સ્ત્રીઓમાં રડીને આંસુ વહેવા દેવાના ગુણનું પરિણામ છે.

  • ડૉક્ટરોના કહેવા મુજબ જો પુરુષ પણ માનસિક આઘાતથી ત્રસ્ત થઈને રડીને આંસુને વહેવા દે તો તેઓને હૃદયરોગ, બ્લડપ્રેશર જેવી બીમારી ઘટી જાય છે. માનવીની દબાયેલી ભાવનાઓનો તનાવ (તાણ) દૂર થઈ જાય છે જેનાથી શારીરિક, માનસિક રાહતનો અનુભવ થાય છે.
  • સ્ત્રીઓમાં રડવાનો ગુણ હોવાથી પુરુષોની અપેક્ષાએ સ્ત્રીઓને હાર્ટએટેક ઓછા આવે છે. રડવાથી હૃદય હળવું થઈ જાય છે, ટેન્શન ઓછું થઈ જાય છે.
  • અમેરિકા અને જર્મનીમાં થયેલા સંશોધન મુજબ રડવાથી મન હલકું થઈ જાય છે.
  • રડવાનું રોકી રાખવાથી માણસ કોઈવાર પાગલ થઈ જાય છે.
  • રડવાનું રોકી રાખનારને માથાનો દુ:ખાવો, હૃદયરોગ, ચક્કર આવવા, રોગપ્રતિકારશક્તિ ઘટવી વગેરે જેવી અનેક તકલીફો થાય છે.
  • ટૂંકમાં મનોવૈજ્ઞાનિકોના મતે મુસીબતો અને માનસિક તાણની સ્થિતિમાં આંસુ સારવા એ દુ:ખને હલકું કરવાનો `સેફટી વાલ્વ’ હોઈને તેને વહેવા દો, રોકશો નહીં.

આ પણ વાંચો: મુખ્બિરે ઈસ્લામઃ વક્તનો તકાજો: ઉર્દૂ-અરબી ભાષાના આ શબ્દોને તેના સાચા અર્થમાં જાણો

સાપ્તાહિક સંદેશ:

`હે ઈન્સાન! તું સવારમાં ઉઠતાં અલ્લાહ પાસે દુઆ માગ કે તારાથી આજ કોઈ બુરાઈના કામ ન થાય, તેથી ખરેખર તારાથી બુરાઈના કામ છેટા થશે, કોશો દૂર રહેશે.

`ખરેખર અલ્લાહ બુરાઈથી બચાવનાર છે.

પયગંબર હઝરત મુહંમદ સલ.ના કથન, આચરણ – હદીસ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button