આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીના શૅરનું 20 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ…

નવી દિલ્હીઃ આજે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એસેટ્ મેનેજમેન્ટ કંપનીના શૅરનું લિસ્ટિંગ શૅરદીઠ રૂ. 2165ના ભાવ સામે 20 ટકા પ્રીમિયમથી લિસ્ટિંગ થયું હતું.પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર આજે બીએસઈ ખાતે શૅરનું લિસ્ટિંગ 20.37 ટકા પ્રીમિયમથી શૅરદીઠ રૂ. 2606.20ના મથાળે થયા બાદ ભાવ 22.95 ટકા વધીને રૂ. 2662 સુધી પહોંચ્યા હતા, જ્યારે એનએસઈ ખાતે 20 ટકા પ્રીમિયમ સાથે ભાવ શૅરદીઠ રૂ. 2600ના મથાળે ખૂલ્યા હતા અને કંપનીનું માર્કેટ વૅલ્યુએશન રૂ. 1,27,790.54 કરોડના સ્તરે રહ્યું હતું.
જોકે, સત્રના અંતે બીએસઈ ખાતે શૅરના ભાવ 19.48 ટકા વધીને શૅરદીઠ રૂ. 2586.70ની સપાટીએ અને એનએસઈ ખાતે ભાવ 18.99 ટકા વધીને શૅરદીઠ રૂ. 2576.20ની સપાટીએ બંધ રહ્યા હતા.અત્રે નોંધનીય બાબત એ છે કે આઈસીઆઈસીઆઈ બૅન્ક હેઠળની આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એસેટ મેનેજમેન્ટ કંપનીનાં જાહેર ભરણાના અંતિમ દિને અથવા તો ગત મંગવારે ખાસ કરીને સંસ્થાકીય ખરીદદારોની માગને ટેકે ભરણું 39.17 ગણું ભરાઈ ગયું હતું. આ ભરણા માટે કંપનીએ શૅરદીઠ રૂ. 2061થી 2165ની પ્રાઈસબૅન્ડ નિર્ધારિત કરી હતી.
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એસેટ્ મેનેજમેન્ટના લિસ્ટિંગ સાથે હવે એસેટ મેનેજમેન્ટ ક્ષેત્રની લિસ્ટડ કંપનીઓમાં એચડીએફસી એએમસી, યુટીઆઈ એએમસી, આદિત્ય બિરલા સનલાઈફ એએમસી, શ્રીરામ એએમસી અને નિપ્પોન લાઈફ ઈન્ડિયા એસેટ મેનેજમેન્ટ પછી વધુ એક કંપનીનો ઉમેરો થયો છે.



