
મુંબઈ: મુશ્કેલ આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઇ રહેલી ભારતની ત્રીજી સૌથી મોટી ટેલીકોમ કંપની વોડાફોન આઈડિયા(Vi)ને કેન્દ્ર સરકાર મોટી રાહત આપે તેવી શક્યતા છે. Vi ને એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) સાથે જોડાયેલા 83,000 કરોડ રૂપિયાથી સરકારને ચુકવવાના છે. આ બાકી લેણાં પર સરકાર Viને ચારથી પાંચ વર્ષ માટે વ્યાજમુક્ત મોરેટોરિયમ આપી શકે છે.
કેબિનેટની મંજૂરીની રાહ:
અહેવાલ મુજબ આ મોરેટોરિયમ સમયગાળો પૂરો થયા પછી, Vi એ બાકી રકમ છ હપ્તામાં ચૂકવવાની રહેશે. લાયેબીલીટીઝનું ફરીથી મુલ્યાંકન કર્યા બાદ કુલ રકમ લગભગ અડધી થઇ શકે છે. કંપનીએ ચૂકવવાની અંતિમ રકમ નક્કી કરવા સચિવ સ્તરના અધિકારીની આગેવાની હેઠળની એક સમિતિની રચના કરવામાં આવશે, આ સમિતિ ટેલિકોમ વિભાગ અને Vi બંનેનો પક્ષ સંભાળશે.
અહેવાલ મુજબ કેન્દ્રીય કેબિનેટની મંજૂરી બાદ આગામી અઠવાડિએ અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવી શકે છે.
Viના શેર ઉછળ્યા:
આ અહેવાલ પ્રકાશિત થતા NSE પર Viનો શેર 3.3% સુધી ઉછાળીને ₹12.03 પર પહોંચ્યો હતો. જોકે, ત્યાર બાદ ફરી ઘટાડો નોંધાયો હતો બપોરે 12.03 વાગ્યે Viના શેર 0.43% ઘટીને ₹11.59 પર ટ્રેડ રહ્યો હતો.
Viને વ્યાજમાંથી રાહત:
AGR ચુકવણી પર 2021માં આપવામાં આવેલા મોરેટોરિયમ બાદ Vi સરકારને માર્ચ 2026માં પ્રથમ હપ્તા તરીકે રૂ.18,000 કરોડથી વધુની રકમ ચુકવવાની છે. અહેવાલ મુજબ આ મોરેટોરિયમ વ્યાજમુક્ત નહોતું, જેના કારણે 29-30% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજને કારણે બાકી રકમમાં સતત વધારો થયો હતો.
હવે સરકારની રાહતને કારણે વોડાફોન આઈડિયાને ચુકવવાની બાકીની રકમ સ્થિર થઈ જશે, ભવિષ્યમાં તેના પર વ્યાજ નહીં લાગે. જ્યારે ભારતી એરટેલે તેના બાકી નાણાના હપ્તા નિર્ધારિત શેડ્યુલ અનુસાર ચૂકવવા પડશે.
Viમાં સરકારનો હિસ્સો:
નોંધનીય છે, કેન્દ્ર સરકાર Viમાં 48.99% હિસ્સો ધરાવે છે. બાકી લેણાંને બદલે સરકારે Viમાં શેર ખરીદ્યા હતાં. Viમાં આદિત્ય બિરલા ગ્રુપનો હિસ્સો 9.50% અને યુકેના વોડાફોન ગ્રુપ પીએલસીનો હિસ્સો 16.07% છે.
આં રોકાણકારોએ રસ દાખવ્યો:
સુપ્રીમ કોર્ટે ગયા મહિને Vi સમગ્ર AGR લયેબીલીટીઝ માટે એક ખાસ પેકેજ બનાવવાની સરકારને મંજૂરી આપી હતી. થોડા સમય પહેલાને એક અહેવાલ મુજબ યુએસની એક ખાનગી ઇક્વિટી ફર્મ ટિલમેન ગ્લોબલ હોલ્ડિંગ્સ Vi માં રૂ. 35,000-52,800 કરોડનું રોકાણ કરવા અને ઓપરેશનલ કંટ્રોલ મેળવવા માટે વાતચીત કરી રહી હતી. સરકાર તરફથી રાહત મળ્યા બાદ, અન્ય રોકાણકારો પણ કંપની રોકાણમાં રસ દાખવી શકે છે.
આપણ વાંચો: સોમવારે માર્કેટ ખુલતાની સાથે જ કડાકો! સેન્સેક્સ અને નિફ્ટી આટલા ઘટાડા સાથે ખુલ્યા



