સુખનો પાસવર્ડ: સંબંધમાં નફો કે નુકસાન ન જોવાય…

-આશુ પટેલ
હમણાં એક મિત્રએ વોટ્સ એપ પર એક સરસ વીડિયો મોકલાવ્યો હતો. એ વીડિયો કોણે બનાવ્યો એ વિશે એમાં કશી માહિતી નહોતી (આજના સમયમાં આ એક મોટું દૂષણ છે. વીડિયો બનાવનારી કે કોઈ સરસ મેસેજ લખનારી મૂળ વ્યક્તિનું નામ મોટે ભાગે મેસેજ સાથે મોકલવામાં આવતું નથી). જોકે એ વીડિયોમાં જે વાત હતી એ મારા હૃદયને સ્પર્શી ગઈ એટલે વાચકમિત્રો સાથે શેર કરવાનું વિચાર્યું.
આગળના શબ્દો જે વ્યક્તિએ વીડિયો બનાવ્યો છે તેના છે. ભાષાશુદ્ધિ માટે થોડા ફેરફારો કર્યા છે, પણ મૂળ વાત વીડિયો બનાવનારી વ્યક્તિની જ છે. વાંચો….
અમે હાઈ-વે પર કારમાં એક શહેરમાંથી બીજા શહેરમાં જઈ રહ્યા હતા. એક નદી પરનો પુલ પાર કર્યો એ સાથે એક છોકરી નજરે પડી. એ રસ્તાને કિનારે ઊભી રહીને તરબૂચ વેચી રહી હતી.
એ વખતે અમારી સાથે એક કુટુંબ હતું. એમાંના બાળકે જીદ કરી કે મારે તરબૂચ ખાવું છે એટલે કાર પેલી છોકરી પાસે ઊભી રાખીને કારનો કાચ નીચે કરીને મારા મિત્રની પત્નીએ પૂછયું કે ‘શું ભાવ છે તરબૂચનો?’
તે છોકરીએ કહ્યું: ‘પચાસ રૂપિયાનું એક લઈ લો.’
- તો અમારા મેડમ ભાવતાલ કરવા લાગ્યા કે ‘ત્રીસ રૂપિયા આપીશ. એથી વધુ નહીં.’ પેલી છોકરી કહેવા લાગી કે ‘ગજબ છો તમે તો…પચાસ રૂપિયાના તરબૂચના ત્રીસ રૂપિયા કહી દીધા!’
અમારા મેડમે કહ્યું, ‘ઠીક છે. ચાલીસ રૂપિયામાં આપી દઈશ?’
છોકરીએ કહ્યું: ‘ચાલીસ રૂૂપિયાનું તો અમને પડ્યું છે. હું પિસ્તાળીસ રૂપિયામાં આપી શકીશ.’
અમારી સાથેના મેડમના પતિ હસી રહ્યા હતા. એમણે પત્નીને કહ્યું કે ‘શું મગજમારી કરે છે આટલી નાની વાતમાં.’ પણ મેડમ તો ભાવતાલમાં લાગેલાં હતાં. પેલી છોકરી તરબૂચ લઈને કારની નજીક આવી. અમારી સાથે જે બાળક હતું એ બારીમાંથી બહાર જોઈ રહ્યું હતું. તો મેડમ એક ઈમોશનલ દાવ રમ્યા કે ‘આ તારા નાના ભાઈ માટે આપી દે ને ચાલીસ રૂપિયામાં?’
છોકરી બોલી ઊઠી : ‘અરે વાહ! કેટલું સરસ બાળક છે તમારું… શું નામ છે?’
આ પણ વાંચો…સુખનો પાસવર્ડ : જીવનનો ઉત્તરાર્ધ સુખમય પસાર કરવાનું શું છે રહસ્ય?
બાળકે કહ્યું, ‘મારું નામ ગોલુ છે.’
છોકરીએ હસીને કહ્યું: ‘સાચે જ તું ગોળમટોળ છે.’
છોકરી તરબૂચ તે બાળકના હાથમાં રાખવા ગઈ તો બાળકથી એ પકડાયું નહીં અને નીચે પડી ગયું. પાંચ કિલોની આસપાસનું તરબૂચ હશે. એના ત્રણ-ચાર ટૂકડા થઈ ગયા. બાળક રડવા લાગ્યું કે ‘મારુ તરબૂચ પડી ગયું.’
તે છોકરી બોલી: ‘અરે, મારા ભાઈ, નારાજ કેમ થાય છે હું બીજું લઈને આવું છું.’
એ ફટાફટ બીજું તરબૂચ લઈને આવી. અમારી સાથેના મેડમને લાગ્યું કે હવે આ બે તરબૂચના પૈસા લેશે. તે ચોખવટ કરવા લાગ્યા કે તરબૂચ તારાથી તૂટ્યું છે. એમણે છોકરીને કહ્યું કે ‘અમે તૂટેલા તરબૂચના પૈસા નહીં આપીએ અને આના પણ ચાલીસ રૂપિયા જ આપીશું.’
એ છોકરીએ કહ્યું: ‘આન્ટીજી, મારે કશું જોઈતું નથી. તૂટ્યું એનું પણ નહીં અને આનું પણ નહીં. આ તરબૂચ તો હું મારા નાના ભાઈ માટે લઈને આવી છું. આ મારા તરફથી ભેટ એના માટે! ’
મેડમ બોલી પડ્યાં : ‘નહીં, નહીં. તું પૈસા તો લઈ જ લે.’
મેડમના પતિ પણ કહેવા લાગ્યા કે ‘તું સો રૂપિયા લઈ લે બે તરબૂચના.’
તે છોકરીએ કહ્યું, ‘નહીં, નહીં. હવે હું પૈસા નહીં લઉં. તમે કહ્યું ને કે આ તારો ભાઈ છે. હવે હું ભાઈ પાસેથી થોડા પૈસા લઈશ?!’
તો અમારી સાથે મેડમ હતા એમણે કહ્યું: ‘અરે! મેં તો એમ જ કહ્યું હતું કે આ તારો નાનો ભાઈ છે…તું પૈસા લઈ લે.’
એ વખતે તે નાની છોકરીએ જીવનનો સાર કહ્યો. એણે કહ્યું: ‘મારી મા કહે છે કે સંબંધમાં નફો કે નુકસાન નથી જોવામાં આવતા. પહેલું તૂટી ગયું, વાંધો નહીં. આ બીજું મારા તરફથી ભેટરૂપે તમે લઈ જાઓ.’
જ્યારે એણે એ વાત કહી તો અમારી સાથેના મેડમે પૂછયું: ‘તારા પરિવારમાં કોણ કોણ છે? તારો કોઈ ભાઈ છે?’
એ છોકરીએ કહ્યું ‘મારો ભાઈ તો’
બોલતા બોલતા એ રડવા લાગી. પછી રડતાં રડતાં કહેવા લાગી કે મારો ભાઈ થોડા સમય પહેલાં મરી ગયો. એ બીમાર થઈ ગયો હતો. એને હોસ્પિટલ લઈ ગયા ત્યાં સુધીમાં એ મૃત્યુ પામ્યો. માત્ર બે વર્ષનો હતો તે. મને આમાં મારો ભાઈ દેખાયો. તમે આ તરબૂચ લઈ જાઓ. હું પૈસા નહીં લઉં.’
અમારી સાથે જે મેડમ હતા એ પોતાના ઘરેથી આવી રહ્યા હતા અને બીજા શહેરમાં જઈ રહ્યા હતા. એમણે ત્યાં કોઈ સંબંધીને ત્યાં જવાનું હતું અને બંગડી ગિફ્ટ આપવાની હતી. તે બંગડી કોઈને આપવા માટે જઈ રહ્યા હતા, પણ જરા ય વિલંબ કર્યા વિના એમણે પોતાના પર્સમાંથી મોંઘી બંગડીઓ કાઢી અને તે છોકરીના હાથમાં મૂકી દીધી :
‘બેટા, આ મારા તરફથી તારા માટે!.
છોકરી બોલી ઊઠી : ‘અરે! તરબૂચના બદલામાં આટલું બધું!’
મેડમે કહ્યું: ‘હા, બેટા, સંબંધમાં નફા-નુકસાન નથી જોતા. તેં આ ગોલુને તારો ભાઈ માન્યો તો હું તારી મા થઈ. મારા તરફથી તારા માટે. તારું ધ્યાન રાખજે અને બધાનું ધ્યાન રાખજે.’
એવું કહીને એમણે ગાડી આગળ ચલાવવા કહ્યું. એમના પતિ હસતા હતા :
કેવી છે મારી પત્ની! થોડી વાર પહેલા દસ-દસ રૂપિયા માટે ભાવતાલ કરી રહી હતી અને હવે આટલી મોંઘી બંગડીઓ એમ જ આપી દીધી! લાગણી પણ શું ચીજ છે.
-અને ત્યારે એમને યાદ આવ્યું કે પેલી છોકરીએ કહ્યું હતું કે સંબંધોમાં નફો કે નુકસાન નથી જોવામાં આવતા. એમણે વિલંબ કર્યા વિના પોતાના મોટાભાઈને કોલ લગાવ્યો અને કહ્યું: ‘અરે ભાઈ! પેલો પ્લોટ તમે રાખી લો, બજારની દુકાન પણ તમે રાખી લો મને નથી જોતી. મેં કોર્ટમાં જે કેસ કર્યો છે એ હું પાછો ખેંચી લઈશ.’
મોટાભાઈ પૂછવા લાગ્યા : ‘તને શું થઈ ગયું આ અચાનક.?’
તો એણે કહ્યું: ‘ભાઈ મેં સાંભળ્યું છે અને યાદ રાખ્યું છે કે સંબંધોમાં નફો કે નુકસાન નથી જોવામાં આવતા.’
મોટાભાઈ પણ ઈમોશનલ થઈ ગયા અને કહ્યું કે ‘અરે! તું આટલા પ્રેમથી પહેલા વાત કરત તો વાત આગળ વધત જ નહીં. આવી જા ઘરે. ચા પીએ અને બધું સોલ્વ કરી લઈએ.’
વીડિયોની વાત અહીં પૂરી થાય છે, પણ દરેક વ્યક્તિ માત્ર આટલી વાત યાદ રાખે કે સંબંધમાં નફો કે નુકસાન ન જોવા જોઈએ તો દુનિયામાં કેટલા ઝઘડાઓ અને કેટલા કેસકબાડાઓ બંધ થઈ જાય!
આ પણ વાંચો…સુખનો પાસવર્ડ: ઉંમર આપણને ‘કેદ’ કરી રાખે કે આપણે ઉંમરને ‘કેદ’ કરવી?