કટ ઑંફ જિંદગી – પ્રકરણ-23

‘ઉજળી આવતીકાલ માટે આપણી પાસે આજ છે… ગઇકાલ તો વીતી ગયેલી પળ છે.’
સન્ડે ધારાવાહિક – અનિલ રાવલ
જ્યોતિએ ઘરે જઇને સંધ્યાને નર્સની તાલીમની વાત કરી. એને ગમ્યું નહીં.
‘કેમ તને હોસ્પિટલમાં કામ કરવું પસંદ નથી?’ જ્યોતિએ પૂછ્યું.
‘મને પસંદ છે, પણ હું અહીં રહું છું એ વાત છૂપી નહીં રહે.’
‘તને શેનો ડર છે…પેલો બુરખો પહેરીને આવેલો એ તારો પતિ તને જબરજસ્તીથી પાછી લઇ જશે એનો?’
‘એ મારો પતિ નથી….’
‘તો એ કોણ હતો…..?’ જ્યોતિએ પૂછ્યું.
‘મને સસ્તામાં ખરીદીને કોઠા પર ધંધો કરાવવા માગતો એક દલાલ.’
સંધ્યાના ચહેરા પર ગુસ્સો તગતગી ઉઠ્યો. એણે સોલંકી અને ડો. શાહે છુપાવી રાખેલા રહસ્ય પરથી એક ઝાટકે પડદો ઊંચકી નાખ્યો. જોકે, સોલંકીને હરેશની સકલ જોઇને જ દાળમાં કંઇક કાળુ લાગ્યું હતું. પછી રિપોર્ટર સંજુ પાસેથી એની અસલિયત જાણી લીધી હતી…રિપોર્ટર સનસનાટી સિવાય કોઇના ય પક્ષમાં નથી હોતો. એને માત્ર સ્ટોરી ચગાવવામાં રસ હોય છે. ડો. શાહ અને સોલંકી કોઇપણ ભોગે મિસ એક્સની સલામતી ઇચ્છતા હતા. એમણે વધુ ઇન્સ્પેક્ટરને ઇન્ક્વાયરી કરતો અટકાવીને મિસ એક્સને જ્યોતિને ઘરે સેફ કરી દીધી હતી.
સંધ્યાએ જ્યોતિ સમક્ષ હજી તો માત્ર સપાટી પરનું રહસ્ય ખોલ્યું હતું. એના ખરાં મુળિયા ક્યાં હશે…? એના તાજા ભૂતકાળ પહેલાનો ભૂતકાળ જાણવા વિશે જ્યોતિના દિમાગમાં ગડમથલ ચાલી, પણ સોલંકીના શબ્દો યાદ આવ્યા: ‘મિસ એક્સ એની જાતે ભૂતકાળના પાનાં ખોલે તો ઠીક, નહીંતર આપણને એના પાછલાં જીવનના પાનાં ઊથલાવવાનો કોઇ હક નથી.’ મારે પણ અત્યારે સંધ્યાને પૂછીને એને વધુ દુ:ખી કરવી નહીં જોઇએ. આખરે તો એની લડાઇ એણે જ લડવાની છે. કદાચ એ યોગ્ય સમયની રાહ જોતી હોય…જ્યોતિએ વિચાર્યું.
‘તું હોસ્પિટલમાં કામ કરતી હોવાની વાત જાહેર થઇ જાય તો પણ શું…? તારે પાછાં જવું કે નહીં અથવા ક્યાં જવું એ તારે નક્કી કરવાનું છે. દુનિયાએ નહીં…’ જ્યોતિ અજાણપણે જ સાઇન લેન્ગવેજમાં કહેતી રહી હતી. સંધ્યા એને જોતી-સમજતી રહી. એણે પણ સાઇન લેન્ગ્વેજથી નર્સનું કામ શીખવાની તૈયારી બતાવી. બંને હસી પડી. જ્યોતિએ એના બંને હાથ પોતાના હાથમાં લેતા કહ્યું: ‘ઉજળી આવતીકાલ માટે આપણી પાસે આજ છે….ગઇકાલ તો વીતી ગયેલી પળ છે.’
ડો. શાહે સંધ્યા માટે લીધેલા આ નિર્ણયની હોસ્પિટલ સ્ટાફમાં કોઇને ખબર નહતી. જ્યોતિ પહેલે દિવસે સંધ્યાને ડો. શાહ સાથે મળાવવા હોસ્પિટલમાં લઇ ગઇ. જ્યોતિના મનમાં થોડો ખચકાટ હતો, પણ સંધ્યાની ચાલમાં આત્મવિશ્વાસ છલકાતો હતો.
જોનારને એમ લાગે કે જ્યોતિ પહેલીવાર હોસ્પિટલમાં કામ માટે આવી છે અને સંધ્યા ત્યાં વરસોથી કામ કરે છે. લોબીની બંને બાજુએ બીછાવેલા બેડ પરના દરદીઓની આંખોમાં ડોકાતો ભય જોતી સંધ્યા આગળ વધી રહી હતી. એની આંખોમાં કરુણા છલકાવા લાગી. હજી બે દિવસ પહેલાં એણે એક દરદીની દૃષ્ટિએ સાથી દરદીઓને જોયેલાં…હવે એ એક નર્સ તરીકે જોવા લાગી હતી. એ હોસ્પિટલના બિછાના પર એ પોતાને અબળા અનાથ દરદી માનતી હતી, એક દિશાવિહીન હોડી સમજતી હતી. જ્યોતિએ એના પતિની છબીને ફાડી નાખીને દિશાવિહોણી નાવમાં બેઠેલી સંધ્યાના હાથોમાં જાણે હલેસાં આપી દીધા હતાં….એના જીવનમાં એક નવી જ્યોત જગાવી હતી. કોઇ વ્યક્તિની પ્રતિક્રિયા સામેની વ્યક્તિના જીવનમાં કેટલું મોટું પરિવર્તન લાવી શકે એ છે એનું આ ઉદાહરણ હતું. સંધ્યા જાણતી હતી કે પોતે હોસ્પિટલની હેડ નર્સ કે મેટ્રન તરીકે નિમાઈ નથી… એક સાવ સામાન્ય ચાકર તરીકે જોડાવા જઇ રહી છે, આમછતાં એના વર્તાવમાં ગર્વ ને ગરિમા દર્શાવવાનો અલગ અંદાજ હતો.
ડો. શાહની કેબિન પર જ્યોતિ ટકોરો મારે તે પહેલાં જ બારણું ખુલ્યું અને સોલંકી બહાર આવ્યો. સોલંકી અને સંધ્યાની આંખો મળી. બે કાંઠે છલકાતી નજરની નદીની વચ્ચે કંઇક તરતું હતું….એ શું હતું બંનેને સમજાઇ ચૂક્યું હતું.
‘અભિનંદન…’ સોલંકીએ બેઉ હાથના અંગૂઠાથી થમ્સ અપની સાઇન દર્શાવીને સંધ્યાને શુભેચ્છા આપી.
પવિત્રાએ કેશુકાકા સાથેનો ફોન મૂક્યા બાદ સુકેતુને ફોન જોડ્યો.
‘સુકેતુ, કેશુકાકા નિર્મલને મળી આવ્યા.’
‘કોણ કેશુકાકા…?’
‘અરે નિર્મલને પ્લેનમાં મળેલા એ…ભૂલી ગયો….?’
‘એ કઇ રીતે પહોંચી ગયા ત્યાં…?’
‘મેં પણ પૂછ્યું, પણ એમણે વાત ઉડાવી…’
‘નિર્મલની તબિયત વિશે શું બોલ્યા?’
‘સારું છે એમ કહ્યું…..બંનેએ વાત પણ કરી…’ પવિત્રાએ કહ્યું ને સુકેતુ વિચારમાં પડી ગયો.
‘કેમ કાંઇ બોલતો નથી…?’ પવિત્રાએ પૂછ્યું.
સુકેતુ શું બોલે….એણે થોડીવાર પહેલાં જ સોલંકીને ફોન કરીને નિર્મલની તબિયત વિશે પૃચ્છા કરી હતી. કેશુકાકાના રિપોર્ટથી તદ્દન ઉલ્ટા સમાચાર એણે જાણ્યા હતા. આ કેશુકાકા શું ચીજ છે…..એમણે પવિત્રાને ખોટી માહિતી કેમ આપી હશે…
‘વાહ કેશુકાકા જબરા નીકળ્યા…..હોસ્પિટલમાં પહોંચી ગયા એમ? જોકે, સારું થયું સમાચાર તો મળ્યા.’ સુકેતુએ સોલંકીને ફોન કર્યો હોવાની વાત છૂપાવી.
‘સુકેતુ, મારે નિર્મલ પાસે જવું છે…?’ પવિત્રાએ કહ્યું.
‘હમમમ….એક કામ કર મને કેશુકાકાનો નંબર આપ…એ કઇ રીતે પહોંચ્યા પહેલા એ જાણી લઉં.’
‘ઠીક છે…..’ પવિત્રાએ કેશુકાકાનો નંબર મોકલ્યો.
સુકેતુને કેશુકાકા કઇ રીતે નિર્મલને મળ્યા એના કરતા એ ખોટું શા માટે બોલ્યા એ જાણવામાં વધુ રસ હતો.
સુકેતુએ તરત જ કેશુકાકાને કોલ કર્યો. કેશુકાકાએ પોતાની આદત મુજબ નામ નંબર જોયા વિના જ ફોન ઊંચક્યો.
‘હેલો કોણ…?’
‘હું સુકેતુ બોલું છું. નિર્મલ અને પવિત્રાનો ફ્રેન્ડ.’
‘હા બોલ ભાઈ બોલ…..તને પવિત્રાએ નંબર આયપો લાગે છે.’
‘તમે નિર્મલને કઇ રીતે મળી આવ્યા…..?’
‘અરે ભાઈ, ડોક્ટરનો વેશ કાઢવો પયડો વેશ…..એમાં એક ન્યૂઝ ચેનલવાળો ભટકાઇ ગ્યો…એ ન્યા જ જાતો તો….એની વાનમાં આપણે ય પૂગી ગ્યા ન્યા…..ઓલા સોલંકીને પટાવીને મલી લીધું નિર્મલને.’
‘નિર્મલની તબિયત ખરેખર સુધારા પર છે…? તમે પવિત્રાને સાચું કહ્યું છે…? સાચું બોલજો કેશુકાકા…’
‘હા, હું ખોટું બોયલો….ઇ છોડીને હૈયે થોડી હામ રિયે ઇ હારું ખોટું બોલવું પયડુ…’
‘પણ…કેશુકાકા ન કરે નારાયણ ને……’
‘એને કાંઇ નૈ થાય લખી રાખ. એનું નામ નિર્મલ છે ને એની વાઇફનું નામ પવિત્રા…..નિર્મલ અને પવિત્રા.’
‘મૃત્યુ કે જીવનદાન નામની પસંદગી મુજબ નથી મળતા…’ સૂકેતુને કહેવાની ઇચ્છા થઈ.
‘એક વાત કરું ભઇલા, મને એક વાત ખયટ્યા કરે છે કે એણે મને પ્લેનમાં પટ્ટો બાંધી આપેલો તો પછી મને ય કોરોના થવો જોતો તો. પેલો સોલંકી ન્યા દરદીઓને હાથ લગાડતો’તો…મોઢા પર પટ્ટીય મારી નો’તી.. ઇને કેમ કાંઇ થાતું નથી. અડવાથી કોરોના થાતો હોવાની આખીય વાત મને તો બોગસ લાગે છે.’
કેશુકાકાની વાતમાં ફિલસૂફી છે કે તર્ક છે કે સચ્ચાઇ એ સમજવાની સુકેતુને એ સમયે જરૂર નહોતી લાગી…પણ એટલું તો સમજાઇ ગયું કેશુકાકા નિર્મલને લઇને બહુ પોઝિટિવ છે ને એમણે પવિત્રાને પોઝિટિવ વાઇબ્સ આપ્યા હતાં.
ડો. શાહે જ્યોતિને સંધ્યાને પોતાની સાથે રાખીને એને પેરા મેડિકલની તાલીમ આપવાનું કહ્યું. ઇન્જેક્શન આપવા, દવાઓના નામ, કઇ દવા ક્યારે આપવી, કેટલી માત્રામાં આપવી જેવી પ્રાથમિક સમજણ આપવાનું જણાવ્યું….એની સાથે સાથે સાઇન લેન્ગ્વેજમાં વાત ચાલુ રાખવાનું પણ સૂચવ્યું. જ્યોતિને શીખવવાની અને સંધ્યાને શીખવાની હોંશ હતી. મનગમતા કામમાં ભૂતકાળને જલદી ભૂલી જવાય છે. કદાચ બંને પોતાના ભૂતકાળને ભૂલવાનો અજાણપણે પ્રયાસ કરી રહી હતી.
મોડી સાંજે જ્યોતિ અને સંધ્યા ડ્યૂટી પતાવીને ઘરે પહોંચી….અંદર ફોનની રીંગ વાગી રહી હતી. જ્યોતિએ ઝડપથી દરવાજો ખોલીને ફોન ઊંચક્યો.
‘હેલો’ જ્યોતિ બોલી.
‘હું રાજન.’ સાંભળીને જ્યોતિના હાવભાવ બદલાઈ ગયા. એણે ટેબલ પરની ફોટો ફ્રેમ પર નજર સ્થિર કરી.
‘હાં બોલ…’ સંધ્યાને ખયાલ આવી ગયો કોનો ફોન છે. એ લિપ મૂવમેન્ટ પકડતી ઊભી રહી.
‘તેં મને ફોન કરીને ડિવોર્સ પેપર મોકલવાનું કહેલું, પણ મને લાગે છે કે એની કાંઇ જરૂર નથી.’
‘લીગલી ડિવોર્સની તને જરૂર પડશે મને નહીં કેમ કે તેં લગ્ન કરી લીધા છે.’
‘આઇ એમ સોરી, મેં તને ખોટું કહ્યું હતું…હું કોઇની સાથે લિવ ઇન રિલેશનશિપમાં છું.’ રાજને કહ્યું.
‘ઓહ, એટલે તું દહીં અને દૂધ બંનેમાં પગ રાખવા માગે છે.’
‘ના…મારો મતલબ છે કે આપણે ડિવોર્સની ઝંઝટમાં ન પડીએ, ફ્રેન્ડ તરીકે રહીએ.’ રાજને કહ્યું.
‘તું મને બેવકૂફ સમજે છે….? હવે ડિવોર્સની મને જરૂર છે, કેમ કે મેં લગ્ન નથી કરી લીધા. અને સાંભળ, મને તારા એલીમની કે ઓલામનીમાં બિલકુલ રસ નથી.’ જ્યોતિએ ફોન કટ કર્યો.
‘બધે ચરતા રહીને એક ખૂંટો સાંચવી રાખવો છે. ખરેખર પુરુષોને સમજવા અઘરા નથી.’ એણે સાઇન લેન્ગ્વેજમાં સંધ્યાને કહ્યું.
રાત્રે અચાનક નિર્મલની તબિયત વધુ બગડી. આમ તો આગલે દિવસે જ સીપીએપીની ટ્રીટમેન્ટ છતાં નિર્મલનું ઓક્સિજન લેવલ મેઇન્ટેઇન થતું નહીં હોવાથી ડો. સાળુંખેએ એને આઇસીયુમાં ખસેડ્યો હતો. એને આઇસીયુમાં લઇ જવાયો ત્યારે ઇલિયાસની નેબ્યુલાઇઝરની ટ્રીટમેન્ટ ચાલુ હતી. નેબ્યુલાઇઝરની ટ્રીટમેન્ટથી એના ફેંફસાનું ક્ધજેશન ધીમે ધીમે ઓછું થઇ રહ્યું હતું.
‘મેડમ, કહાં લે કે જા રહી હો…? ક્યા હુઆ નિર્મલ કો…?’ એણે માસ્ક કાઢી નાખીને પૂછ્યું. સાળુંખેની સાથેની કોઇ નર્સે એને કહ્યું: ‘માસ્ક નહીં નિકાલને કા…પહેન લો.’ મોં પર ફરી માસ્ક પહેરીને ઇલિયાસ નિ:સહાયપણે એને જતા જોઇ રહ્યો હતો.
નિર્મલની કન્ડિશન જોઇને આઇસીયુમાં ફરજ પર બજાવતી જયમાલાએ તાબડતોબ ડો. સાળુંખેને બોલાવ્યાં. એમણે ઓક્સિજન લેવલ ચેક કર્યું….લેવલ ચડ-ઊતર થતાં જોયું. ડો. સાળુંખેએ તરત જ ડો. શાહને ઇન્ફોર્મ કર્યા. ડો. શાહે ઓક્સિજન લેવલ ચકાસ્યું. એની હાલત જોઇ. માસ્કમાં પણ એનું મોં ખુલ્લું હતું…શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. છાતી ઉપર-નીચે થઇ રહી હતી. આંખો ચકળવકળ હતી. એમણે તરત જ કહ્યું: ‘તોસિલિઝુમેબ ઇન્જેક્શન આપવું પડશે. જયમાલા જલદી ઉપર જા ને ફ્રીજમાંથી ઇન્જેક્શન લઇ આવ.’ જયમાલા દોડતી ગઇ. ડો. શાહ અને ડો. સાળુંખેની નજર ઓક્સિજન લેવલ પર થીજેલી હતી.
જયમાલાએ આવીને ઇન્જેક્શન ડો. શાહને આપ્યું.
ઇન્જેક્શન આપવાની તૈયારી કરી રહેલા ડો. શાહની નજર ઇન્જેક્શનના લખાણ પર પડી ને એ ચોંકી ઉઠ્યા: ‘આ ઇન્જેક્શન નકલી છે.’
(ક્રમશ:)
આપણ વાંચો: મહિલા ગાન: મુંબઈ ટુ વડોદરા વાયા કચ્છ



