કવર સ્ટોરીઃ શેરબજાર પર અમેરિકા બાદ જાપાનનું વિઘ્ન?

નિલેશ વાઘેલા
માંદી ગાયને ઝાઝી બગાઇ જેવી કહેવત આજકાલ ઇક્વિટી માર્કેટને લાગી પડી છે. અમેરિકાના ટૅરિફ ટેરરિઝમનાં આક્રમણો હળવાં થઇ રહ્યાં હોવાના અણસાર મળી રહ્યા હોવાથી શેરબજારને માંડ કળ વળી રહી છે, ત્યાં હવે તેની સામે જાપાની વિધ્ન આકાર લઇ રહ્યું હોવાની ભીતિ સર્જાઇ છે.
હાલ નિફ્ટી નવી ઊંચી સપાટીએ પહોંચશે તેમ જ ભારતનો આર્થિક વિકાસ પણ ઇમર્જિંગ માર્કેટમાં પ્રશંસનીય રહેશે એવી સ્થાનિક અને વૈશ્વિક રેટિંગ એજન્સીઓ અને નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે ત્યારે અમુક નિરીક્ષકો જાપાનની ડેવલપમેન્ટને રોકાણ જગત માટે એક મોટી અડચણ સમાન ગણાવી રહ્યું છે.
જાપાનના બોન્ડ માર્કેટમાં ભારે ઊથલપાથલ મચી છે અને વૈશ્વિક રોકાણકારોની તેના પર ચાંપતી નજર છે. અલબત્ત ભારત પણ ગ્લોબલાઇઝેશનને કારણે વૈશ્ર્વિક ઘટનાઓથી સંકળાયેલું હોવાથી તેની આડઅસરથી બાકાત રહી શકે એમ નથી. આવો જાણીએ જાપાની બોન્ડ માર્કેટમાં શું ચાલી રહ્યું છે, નિરીક્ષકો કેમ તેના પર ચાંપતી નજર રાખે છે અને રોકાણ જગત પર એકંદરે તેની કેવી અસર શક્ય છે!
જાપાનનું સરકારી બોન્ડ માર્કેટ વર્ષોમાં તેના સૌથી અસ્થિર તબક્કાઓમાં સરકી ગયું છે. જાપાની બોન્ડની લાંબા ગાળાના યિલ્ડ દાયકાઓના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઇ છે, જેમ કે વીસથી ચાલીસ વર્ષના સેગમેન્ટમાં સામાન્ય રીતે જ્યાં સ્થિર વાતાવરણ જોવા મળે છે ત્યાં, સેલ-ઓફ સૌથી તીવ્ર બની રહ્યું છે.
આને કારણે બેંક ઓફ જાપાન (બીઓજે)ને બજારને સ્થિર કરવા માટે બોન્ડ ખરીદીમાં હસ્તક્ષેપ કરવાની ફરજ પડી છે. બીઓજેના અલ્ટ્રા-ઇઝી પોલિસીમાંથી ધીમે ધીમે બહાર નીકળ્યા પછી જે નિયમિત રિપોઝિશનિંગ શરૂ થયું હતું તે હવે મોટા અને વધુ અસ્વસ્થતાપૂર્ણ સેલ-ઓફમાં ફેરવાઈ ગયું છે.
બોન્ડ માર્કેટની ઊથલપાથલ પાછળ મુખ્ય કારણ શું છે?
બોન્ડ માર્કેટની ચિંતાનું કારણ બેન્ક ઓફ જાપાનના વલણ કે નીતિ પ્રેરિત નથી, પરંતુ રાજકોષીય પરિસ્થિતિ સાથે વધુ સંકળાયેલું છે. હવે ચિંતા ‘કેન્દ્રીય બેંક આગળ શું કરશે?’ તરફથી એક વ્યાપક પ્રશ્ન તરફ વળી ગઈ છે, કે ‘શું જાપાનની રાજકોષીય સ્થિતિ બજારો માટે સમસ્યા બની રહી છે?’
રોકાણકારો મોટા પ્રમાણમાં બોન્ડ જારી થવાની અપેક્ષાઓ, વ્યાપક બજેટ ખાધ અને રાજકોષીય નીતિને ઝડપથી નિયંત્રણમાં લેવાની રાજકીય સ્તરની મુશ્કેલીને કારણે ચિંતિત છે. કરજનું સ્તર પહેલાથી જ વિશ્વમાં સૌથી વધુ છે, બજારો હવે જાપાનના સૌથી લાંબા સમયગાળાના બોન્ડ જાળવી રાખવાના જોખમ માટે ઊંચું વળતર ઇચ્છે છે.
આને પરિણામે ‘સેલ જાપાન’ વેપારના નવા સંસ્કરણમાં વધારો થયો છે, જેમાં જાપાન ગવર્મેન્ટ બોન્ડ (જેજીબી)માં શોર્ટ સેલિંગ, નબળા યેન પર દાવ લગાવવો અને ડિસ્કાઉન્ટ દર વધતાં પસંદગીના ઇક્વિટી એક્સપોઝરને ઘટાડવાની પ્રવૃત્તિએ જોર પકડ્યું છે. યેનના મૂલ્યનો ઘટાડો આયાતી ફુગાવાનું જોખમ વધારી રહ્યોં છે અને જાપાનની મધ્યસ્થ બેન્કના નીતિ વલણને જટિલ બનાવી રહ્યો છે. જેજીબીની ઊપજનો વધારો વિશ્વ બજારોમાં કઇ રીતે અસર પ્રસારી શકે છે!
વૈશ્વિક મૂડી પ્રવાહમાં જાપાન મોટી ભૂમિકા ભજવે છે કારણ કે તેના સંસ્થાકીય રોકાણકારો વિદેશી બોન્ડ, ઇક્વિટી અને વૈકલ્પિક સંપત્તિના સૌથી મોટા ધારકોમાંના એક છે. જ્યારે જાપાનીઝ બોન્ડની ઊપજ અર્થપૂર્ણ રીતે વધે છે, ત્યારે વિદેશી રોકાણોની સંબંધિત અપીલ સંકુચિત થાય છે, આકર્ષણ ઘટે છે.
આ ફેરફાર રિપેટ્રીએશનને ઉત્તેજિત કરી શકે છે, જાપાની રોકાણકારો વિદેશી રોકાણ ઘટાડીને નાણાં જાપાન પરત લઇ જવા પ્રેરાય છે, કારણ કે સ્થાનિક ઊપજ તેમને ખૂબ જ ઊંચું અથવા વધુ અસરકારક વળતર અપાવે છે.
જાપાની રોકાણકારોનું રિપેટ્રીએશન ઘણી રીતે મહત્ત્વપૂર્ણ ઘટના બની રહે છે. પ્રથમ, જાપાની ફંડો યુએસ ટ્રેઝરી, યુરોપિયન સોવરિન બોન્ડ્સ અથવા ઇમર્જિંગ માર્કેટ ડેટમાંથી પોતાના એક્સ્પોઝરમાં ઘટાડો કરી શકે છે અને આ રીતે રોકાણ પાછું ખેંચાઇ જવાથી ઉપરોક્ત ગ્લોબલ બોન્ડની યિલ્ડમાં વધારો થઇ શકે છે.
બીજું, જાપાની રોકાણકારો તેમના વિદેશી હોલ્ડિંગ્સના મિશ્રણમાં ફેરફાર કરે છે ત્યારે ચલણ બજારોમાં હેજિંગ કોસ્ટ ઝડપથી બદલાઈ શકે છે. આને પરિણામે ડોલર, યુરો અને ઘણી એશિયન ચલણોમાં અસ્થિરતા સર્જાઇ શકે છે.
ત્રીજું, ખાસ કરીને એવા સમયે જ્યારે ઘણા રોકાણકારો પહેલાથી જ વૈશ્ર્વિક આર્થિક વિકાસ અને ભૂરાજકીય પરિબળોને કારણે સાવચેતીનું માનસ ધરાવે છે ત્યારે આ રીતે જો ડોમેસ્ટિક એસેટને રોકાણકારો પ્રાથમિકતા આપે તો ઇક્વિટી જેવી ગ્લોબલ રિસ્ક એસેટમાં પ્રવાહિતા શોષાઇ શકે છે.
ભારત માટે તેનો અર્થ શું છે?
વૈશ્વિકીકરણમાં સંકળાયેલું ભારત આ વૈશ્વિક ઘટનાઓથી મુક્ત રહેવાનું નથી. જોકે ભારતીય સરકારી બોન્ડ્સમાં વિદેશી ભાગીદારી વૈશ્વિક ધોરણોની તુલનામાં મધ્યમ રહે છે, પરંતુ મુખ્ય બોન્ડ સૂચકાંકોમાં તેના સમાવેશ પછી દેશ ગ્લોબલ પ્રવાહ માટે વધુ જાણીતું ગંતવ્યસ્થળ બની ગયો છે.
જાપાનીઝ બોન્ડની ઊપજમાં વધારો વૈશ્વિક જોખમ મુક્ત બેન્ચમાર્કને ઊંચે લઇ જઇ શકે છે અને તેની સેન્ટિમેન્ટલ અસરને કારણે ભારતમાં ઊપજની અપેક્ષાઓને પ્રભાવિત કરી શકે છે.
ગ્લોબલ યિલ્ડનું ઊંચુ સ્તર ઘણીવાર લાંબા ગાળાની બોરોઇંગ કોસ્ટમાં વધારો, વિકાસ સાથે સંવેદનશીલતા ધરાવતી ઇક્વિટી પર દબાણ અને નબળા યેન તથા અન્ય એશિયન ચલણો સામે ડોલર મજબૂત થતાં ચલણની અસ્થિરતા તેમ જ ઊથલપાથલને આમંત્રે છે. આમ છતાં, ભારતને સૌથી ખરાબ અસર થાય એવું પણ નથી. ભારત મજબૂત સ્થાનિક પ્રવાહિતા, સંસ્થાકીય પ્રવાહમાં વધારો અને જાપાની ભંડોળ પર સીધી રીતે ઓછી નિર્ભરતા જેવાં પરિબળોને કારણે ઝંઝાવાત સામે ટકી શકે છે.
જોકે, આગળ જણાવ્યું એમ ભારત ગ્લોબલાઇઝેશનનો હિસ્સો છે એટલે જો જાપાનની રાજકોષીય ચિંતાઓ લાંબા સમય સુધી બોન્ડ માર્કેટની અશાંતિમાં પરિણમે, તો ગ્લોબલ એસેટે એલોકેટર્સ ઉચ્ચ વૈશ્વિક દરો આધારરેખા સાથે ભારત સહિત તમામ બજારોમાં જોખમ પ્રીમિયમનું પુનર્મૂલ્યાંકન કરશે. સરળ શબ્દોમાં રોકાણકારો ઇક્વિટીમાંથી એક્સપોઝર ઘટાડી શકે છે.
આ પણ વાંચો…કવર સ્ટોરીઃ વેલ્યૂએશનનું વાવંટોળ



