Uncategorized

શરદ જોશી સ્પીકિંગઃ સહુથી સેફ છપ્પરફાડ ભ્રષ્ટાચાર… પૂછો, કેમ?

સંજય છેલ

બધા આચારમાં ભ્રષ્ટાચાર આ દેશમાં સૌથી સુરક્ષિત છે. ઘણા લોકો છુપી રીતે કામ કર્યા પછી પણ છાતી ઊંચી કરીને ચાલે છે. તમે લાંચની કમાણીથી બંગલો બનાવીને એમાં ઘણી પેઢીઓ સુધી શાનથી રહી શકો છો. તમે ભ્રષ્ટ આવકથી કાર ખરીદી બજારની વચ્ચોવચ હોર્ન વગાડો, બધા તમારી સાંભળશે. તમે એ જ કમાણીથી પત્ની માટે કિંમતી સાડી અને ઘરેણાં ખરીદ્યા, પછી એ પહેરી કોઈ લગ્ન પ્રસંગમાં એને લઈ જાવ, તો સમાજમાં બધા પૂછશે તમે આ સાડી ક્યાંથી ખરીદી? કોઈ એ પૂછશે નહીં કે આટલી કિંમતી સાડી ખરીદી કેવી રીતે? પૂછવાવાળા પણ ભ્રષ્ટ કમાણી કરે છે. એમને પણ કિંમતી વસ્તુઓ ખરીદવાની છે.

નાના શહેર અને ગામડામાં જાવ. ત્યાં રિટાયર્ડ તહસીલદાર અને સબ-ઈન્સપેક્ટર પોલીસનાં ઘર તરી આવશે. લોકોને એમના પર ગર્વ છે, કારણકે એ બધા એક સફળ વ્યક્તિની સફળતાની વાર્તા કરે છે. એરપોર્ટ પર કસ્ટમનો ભ્રષ્ટ ઓફિસર દરરોજ ચાળીસ-પચાસ હજાર રૂપિયાના નોટોથી ભરેલી બેગ લઈ ખુલ્લા દરવાજામાંથી બહાર નીકળી પોતાના ઘરે જાય છે.

બંગલાઓ, જમીન ઉપરાંતા એની પાસે બે કાર અને બે મોટરસાઈકલ પણ છે. બધા એને આવતા-જતા નમીને પ્રણામ જ કરતા હશે અને એની વિદેશી શરાબનો એક ઘૂંટ પીવા માટે તીવ્ર ઈચ્છા પણ રાખતા હશે. ભ્રષ્ટાચારને આપણે ત્યાં એક આદરણીય આચાર માનવામાં આવે છે. ઘણા લોકો એને વ્યવહારિક માને છે. ઉપરની કમાણી કરવું વ્યવહારિક ગણવામાં આવે છે.

ભ્રષ્ટાચાર આ દેશના જીવનની ઊંધી ગંગા છે. એ સમુદ્રમાંથી પાણી ભેગું કરી હિમાલય સુધી પહોંચાડે છે. એક ઈન્સ્પેક્ટર જ્યારે લાંચના સો રૂપિયા લે છે તો એ શાનથી કહે છે, ‘હું એકલો નથી ખાતો, ઉપરવાળાઓને પણ ખવડાવવું હોય છે!’ ભ્રષ્ટાચાર વ્યક્તિગત કુશળતા પર આધારિત એક સામુદાયિક કાર્ય છે. એમાં મનના તાર જોડાયેલા રહે છે. ભ્રષ્ટ માણસ જ્યારે પકડાય જાય છે ત્યારે એ ભ્રષ્ટાચારની કમાણીથી કેસ લડીને જીતે છે. બહાર લોકો એના સ્વાગતમાં ઊભા રહે છે અને કહેતા હોય છે, ‘આવો દોસ્ત, આવો અને પાછો પોતાનો ધંધો ચાલૂ કરો!’

ભ્રષ્ટાચાર એ ગુનો નથી બનતો, કારણ કે એ બે આત્માની વચ્ચેનો રહસ્યમય સંબંધ છે. સાબિત તો તમે પતિ-પત્નીના સંબંધને પણ નથી કરી શકતા તો બે ભ્રષ્ટ માણસોના આર્થિક સંબંધોને શું સાબિત કરી શકશો? જે છુપી રીતે થયું છે, શું એને સાબિત કરી શકીશું? અને જે છડે ચોક કર્યું તો એ ગુનો કેમ કહેવાય? કોઈ ખરાબ ભાવના હોત તો છુપાઈને કરતે અને છુપાઈને કરતે તો તમે એનું શું કરી લેતે?

આ દેશમાં ભ્રષ્ટાચાર છાપરે ચઢીને વાયોલીન વગાડે છે. લોકો એ વાયોલીનના લયથી મંત્રમુગ્ધ રહે છે. એની પ્રશંસા કરે છે. ભ્રષ્ટાચાર એક પથ્થર છે. દિવસ-રાત આ દેશ એ પથ્થરને હાથમાં લઈ માથા પર ઠોકતો રહે છે અને પીડાથી રડતો અફસોસ કરતો રહે છે તો તમે એનું શું કરી શકશો? ધીમે ધીમે પેલી પીડા એક મીઠી ગુદગુદી બની ગઈ છે એટલે આપણે પણ આને રોકવામાં અસમર્થ છીએ!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button