ડાયાબિટીસ-કેન્સરની દવાઓ થશે સસ્તી, રોજગાર પેદા કરવા 10 હજાર કરોડનું ફંડ

નવી દિલ્હી: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે લોકસભામાં પોતાનું નવમું બજેટ રજૂ કરતા ભારતની આર્થિક ગતિના વેગની સાથોસાથ આરોગ્ય ક્ષેત્રને પણ વેગ આપવા માટેની પણ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. સરકારના બજેટમાં મધ્યમ અને ગરીબ વર્ગને મોટી રાહત આપતા જાહેરાત કરવામાં આવી છે કે, બાયો-ફાર્મા સેક્ટરના વિકાસ પર ભાર મૂકવાથી હવે કેન્સર અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓની દવાઓ સસ્તી થશે.
આ ઉપરાંત, દેશમાં રોજગારીની તકો વધારવા માટે સરકારે 10,000 કરોડ રૂપિયાનું સમર્પિત ‘SME ગ્રોથ ફંડ’ સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આનાથી જે ઉદ્યોગો નિર્ધારિત માપદંડોના આધારે રોજગારી પેદા કરશે અને વિકાસ કરશે તેમને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવશે, જેનો સીધો લાભ દેશના યુવા વર્ગ અને નાના ઉદ્યોગ સાહસિકોને મળશે.
આરોગ્ય ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા માટે નાણા પ્રધાને ‘એલાઇડ હેલ્થ પ્રોફેશનલ્સ’ (AHPI) માટે નવી સંસ્થાઓ સ્થાપવાની અને જૂની સંસ્થાઓને અપગ્રેડ કરવાની મોટી યોજના જાહેર કરી છે. આ અંતર્ગત રેડિયોલોજી, ઓપ્ટોમેટ્રી અને એનેસ્થેસિયા જેવા 10 મહત્વના વિષયોમાં આગામી પાંચ વર્ષમાં 1 લાખ નવા હેલ્થ પ્રોફેશનલ્સ તૈયાર કરવામાં આવશે. વૃદ્ધોની સંભાળ માટે મજબૂત ‘કેર ઇકોસિસ્ટમ’ બનાવવાની સાથે ખાનગી ક્ષેત્રની ભાગીદારીથી 5 નવા મેડિકલ હબ પણ સ્થાપવામાં આવશે. આ પગલાંથી દેશમાં આરોગ્ય સેવાઓ વધુ સુલભ અને ગુણવત્તાયુક્ત બનશે.
આ સાથે જ માનસિક સ્વાસ્થ્ય અને આયુર્વેદ પર ધ્યાન કેન્દ્રિત કરતા નાણા પ્રધાને જાહેરાત કરી છે કે દેશમાં 3 નવી આયુર્વેદ સંસ્થાઓ અને ‘નિમ્હાન્સ-2’ (NIMHANS-2) ની સ્થાપના કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોગને વૈશ્વિક સન્માન મળ્યું છે ત્યારે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિને વધુ વેગ આપવામાં આવશે. માનસિક સ્વાસ્થ્યને ગંભીરતાથી લેતા દેશમાં કાર્યરત મેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ્સને વધુ મજબૂત બનાવવામાં આવશે.
આ પણ વાંચો…સુરતથી બંગાળના દાનકુની સુધી ફ્રેઈટ કોરિડોર, ગુજરાતને મોટો ફાયદો…



