અમરેલી જિલ્લામાં શેત્રુંજી નદીમાં આવેલા નવા નીરથી ખેડૂતોની ચિંતા હળવી

અમરેલી: રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરીથી મેઘરાજાની પધરામણી થઇ હતી. સાતમ-આઠમના પર્વ પર જ સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદ પડ્યો હતો અને તેના કારણે અમરેલી જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી નદીમાં પણ મોટા પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ હતી. શનિવારના રોજ નદીના ઉપરવાસમાં પડેલા સારા વરસાદને કારણે નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
મળતી વિગતો અનુસાર જન્માષ્ટમીના દિવસે જ સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં પડેલા વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને અમરેલી જિલ્લામાં મેઘરાજાની મહેર જોવા મળી હતી. શનિવારે ધારી, અમરેલી, વડિયા-કુંકાવાવ સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા સારા વરસાદના કારણે શેત્રુંજી નદીમાં પાણીની આવક નોંધાઈ હતી. લાંબા સમયથી જિલ્લામાં વરસાદી વિરામ હતો અને તેના કારણે નદીનો પટ સાવ ખાલી પડ્યો હતો, પરંતુ હવે નદીમાં નવા પાણીની આવક નોંધાતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે તેવી આશા જાગી હતી.
આ પણ વાંચો: 60 વર્ષના ઈતિહાસમાં શેત્રુંજી ડેમ પ્રથમ વખત સતત છઠ્ઠા વર્ષે ઓવરફ્લો થયો…
જિલ્લામાં પડેલા વરસાદના કારણે અમરેલી તાલુકાના શેત્રુંજી કાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પુર આવ્યું હતું. તે ઉપરાંત સાવરકુંડલા તાલુકાના જૂના સાવર ગામ નજીકથી પસાર થતી શેત્રુંજી નદીમાં પૂર આવ્યું હતું અને તેનો પ્રવાહ જૂના સાવર સુધી પહોંચી ગયો હતો, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તે વડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા વરસાદના કારણે વડિયાનું સુરવો 1 સિંચાઈ યોજના પણ ભરાઈ ગઈ હતી, જેનાથી વડિયા પંથકણા ખેડૂતોની ચિંતા હળવી થઇ હતી.
ઉલ્લેખનીય છે કે ચોમાસાની શરૂઆત સમયે સારા પડેલા વરસાદે છેલ્લા દિવસોમાં વિરામ લીધો હતો અને તેમાં કારણે કપાસ, મગફળી સહિતના પાકો સુકાવવાની ભીતિ સેવાઈ રહી હતી અને ખેડૂતો ભરચોમાસે સિંચાઈની વ્યવસ્થા કરવા મજબૂર બન્યા હતા. જો કે મેઘરાજાની પધરામણીએ ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.