ગુજરાતમાં પણ શરૂ થયું વોટ ચોરી રાજકારણ, કોંગ્રેસે આપ્યા પુરાવા | મુંબઈ સમાચાર
Top Newsઆપણું ગુજરાત

ગુજરાતમાં પણ શરૂ થયું વોટ ચોરી રાજકારણ, કોંગ્રેસે આપ્યા પુરાવા

અમદાવાદઃ ગુજરાતમાં પણ વોટ ચોરી મુદ્દે રાજકારણની શરૂઆત થઈ હતી. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કમિટીના અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેણે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની લોકસભા સીટ અંતર્ગત આવતી સુરતની ચોયાર્સી બેઠકનો ડેટા રજૂ કર્યો હતો. જેમાં તેમણે 30 હજાર નકલી મતદાર હોવાનો દાવો કર્યો હતો. તેમજ કહ્યું કે-આગામી સમયમાં મુખ્ય પ્રધાનના મતવિસ્તારની પણ તપાસ કરવામાં આવશે. જો આખા ગુજરાતની તપાસ કરીએ તો 62 લાખ મતદારની ચોરી પકડાશે.

કઈ વિધાનસભામાંથી કેટલા ડુપ્લિકેટ મતદારો મળ્યા

અમિત ચાવડાએ જણાવ્યું કે, ચોયાર્સી વિધાનસભા સીટમાં કુલ 6,09,592 મતદારો છે, તેમાંથી 40 ટકા એટલે કે 2,40,000 મતદારોની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન 30,000થી વધારે ડુપ્લિકેટ અથવા શંકાસ્પદ મતદારો મળી આવ્યા હતા. જો સમગ્ર મતદાર યાદીની ચકાસણી કરવામાં આવે તો 75,000થી વધુ બનાવટી મતદારો મળી શકે તેમ છે.

આ પણ વાંચો: ‘વોટ ચોરી’ મુદ્દે ચૂંટણી પંચે આપ્યો સણસણતો જવાબઃ ‘અમારા માટે બધા પક્ષ એક સમાન’

આ પાંચ પુરાવાના આધારે ડુપ્લિકેટ મતદારોની કરી ઓળખ

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, વોટ ચોરી પાંચ અલગ અલગ રીતે કરવામાં આવે છે. જેમકે એક વ્યક્તિના બે અલગ અલગ વોટ, નામમાં સ્પેલિંગની ભૂલના કરીને નવા મતદાર બનાવવા, એપિક નંબર બદલીને નવા મતદાર તરીકે નોંધણી કરવી, અલગ અલગ ભાષામાં ફોર્મ ભરીને મતદાર યાદીમાં નામ ઉમેરવું તથા અલગ અલગ સરનામા બતાવીને મતદાર તરીકે નોંધણી કરાવવી.

ગુજરાતમાં કેટલા મતદારોની ચોરી પકડાઇ શકે છે

અમિત ચાવડાએ કહ્યું, જો ચોર્યાસી વિધાનસભામાં આટલી ચોરી પકડાય અને જો આ મુજબ ગણતરી કરવામાં આવે તો ગુજરાતના કુલ 5.06 કરોડ મતદારોમાંથી 62 લાખ મતદારોની ચોરી પકડાશે તેમ કહી શકાય. જો લોકશાહી બચાવવી હોય તો આ ચોરીને ખુલ્લી પાડવાની જવાબદારી આપણા સૌની છે. ગુજરાતના નાગરિકોના મતાધિકારનું રક્ષણ થાય, બંધારણીય અધિકારોનું પણ રક્ષણ થાય તે માટે દરેક ભૂતિયા મતદારોને ખુલ્લા પાડવામાં આવશે.

વોટર અધિકારી જનસભા

આ ઉપરાંત રવિવારે કલેકટર ઓફિસ સામે વોટર અધિકારી જનસભા યોજવામાં આવશે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહેશે અને વોટ ચોરને ખુલ્લા પાડવામાં આવશે. અમિત ચાવડાએ સ્પષ્ટ કહ્યું કે, આ લડાઇ કોઇ પક્ષ કે ચૂંટણીની હાર-જીતની નથી પરંતુ દેશની લોકશાહી અને બંધારણીય અધિકારોને બચાવવા માટેની છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button