
નવી દિલ્હી: દેશના સર્વોચ્ય બંધારણીય પદ રાષ્ટ્રપતિ બાદ ઉપરાષ્ટ્રપતિનું પદ બીજા ક્રમાંકે આવે છે. 17માં ઉપરાષ્ટ્રપતિને ચૂંટવા માટે આવતીકાલે મતદાન યોજવામાં આવશે આ ચૂંટણીમાં એનડીએ તરફથી સી. પી. રાધાકૃષ્ણન અને વિપક્ષી ગઠબંધન તરફથી પી. સુદર્શન રેડ્ડી મેદાનમાં છે. મંગળવારે મતગણતરી બાદ વિજેતા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવશે.
તાજેતરમાં જ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા બાદ આ ચૂંટણી કરવામાં કરવામાં આવશે. આમ છતાં જો કોઈ પણ સાંસદ દ્વારા નાની સરખી પણ ભૂલ કરવામાં આવે તો તેનો મત રદ પણ થઈ શકે છે.
જો કે હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આ ચૂંટણી કઈ રીતે પૂર્ણ થાય છે? કોણ મતદાન કરે છે? અન્ય પક્ષના ઉમેદવારને મત આપવાથી પક્ષ પલટા ધારા મુજબ શું કાર્યવાહી થાય છે? ચાલો ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લગતા તમામ પ્રશ્નો વિશે માહિતી.
આપણ વાંચો: ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી આવતીકાલે; સીપી રાધાકૃષ્ણનની જીત નિશ્ચિત, છતાં સુદર્શન રેડ્ડીને આશા
મતદાન-પરિણામ ક્યારે જાહેર થશે?
અ વખતે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં બે ઉમેદવાર છે. મતદાન માટે રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીને રિટર્નિંગ ઓફિસર બનાવવામાં આવ્યા છે. અ માટેનું મતદાન સંસદ ભવનના રૂમ નંબર F-101 વસુધામાં સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી થશે. મતદાન પૂર્ણ થયા બાદ સાંજે 6 વાગ્યે મતદાન ગણતરી હાથ ધરવામાં આવશે અને બાદમાં પરિણામ જાહેર કરવામાં આવશે.
કોણ કરે છે મતદાન ?
ઉપ-રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં સંસદના બંને ગૃહો – રાજ્યસભા અને લોકસભાના સભ્યો મતદાન કરે છે. તે ઉપરાંત રાજ્યસભાના નીમાયેલા સભ્યો પણ મતદાન માટે પાત્ર હોય છે.
17મી ઉપ-રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાર મંડળમાં રાજ્યસભાના 233 ચૂંટાયેલા સભ્યો (હાલમાં 5 બેઠકો ખાલી), રાજ્યસભાના 12 નીમાયેલા સભ્યો અને લોકસભાના 543 ચૂંટાયેલા સભ્યો (હાલમાં એક બેઠક ખાલી)નો સમાવેશ થાય છે. મતદાર મંડળમાં કુલ 788 સભ્યો (વર્તમાનમાં 781) છે.
આપણ વાંચો: ફડણવીસે ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર માટે સમર્થન માગ્યું હતું, પરંતુ મેં અસમર્થતા વ્યક્ત કરી: શરદ પવાર
કઈ રીતે થાય છે મતદાન?
ઉપરાષ્ટ્રપતીની ચૂંટણી પ્રમાણસર પ્રતિનિધિત્વ પ્રણાલી અનુસાર એકલ ટ્રાન્સફરેબલ મત દ્વારા થાય છે. મતદાન પત્ર સફેદ રંગનું હોય છે અને આ ચૂંટણીમાં મતદાન ગુપ્ત મતદાન દ્વારા થશે. આ પ્રણાલીમાં, મતદારે ઉમેદવારોના નામ સામે પસંદગી ચિહ્નિત કરવાની રહે છે. મતદાન પત્રમાં બે કૉલમ આપવામાં આવે છે અને ઉમેદવારના નામની સામે મત આપવાની જગ્યા ખાલી રાખવામાં આવે છે. ખાલી જગ્યા પર મતદારોએ પોતાની પ્રાથમિકતા 1,2….. એવી રીતે આપવાની રહે છે.
કઈ રીતે કરવામાં આવે છે મત ગણતરી?
જેટલા પણ મત નાખવામાં આવે છે, તેમાંથી સૌથી પહેલા માન્ય મતોને અલગ કરવામાં આવે છે. તે પછી, માન્ય મતોમાં પહેલી પ્રાધાન્યતાવાળા મતોની ગણતરી કરવામાં આવે છે. જો કોઈ ઉમેદવારને કુલ માન્ય મતોના 50%થી વધુ મત મળે છે તો તેને વિજેતા માનવામાં આવે છે.
જો પહેલા રાઉન્ડમાં કોઈને બહુમત ન મળે તો સૌથી ઓછા મતવાળા ઉમેદવારને બહાર કરી દેવામાં આવે છે. તેના મતોને આગલી પ્રાધાન્યતા અનુસાર બીજા ઉમેદવારોને ટ્રાન્સફર કરવામાં આવે છે. આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલુ રહે છે જ્યાં સુધી કોઈ એક ઉમેદવારને બહુમત ન મળી જાય.
શું રાજકીય પાર્ટીઓ વ્હીપ જાહેર કરી શકે?
ઉપ-રાષ્ટ્રપતિ પદની ચૂંટણી રાજકીય પક્ષોના ચિહ્ન પર લડવામાં નથી આવતી અને આથી જ ઉપ-રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના સંદર્ભમાં રાજકોય પાર્ટીઓ તેમના સાંસદોને કોઈ વ્હીપ જારી કરી શકતા નથી. આથી મતદારો પોતાની ઈચ્છા અનુસાર મતદાન કરી શકે છે અને પક્ષ પલટા વિરોધી કાયદાની જોગવાઇઓ આ ચૂંટણીના સંદર્ભે લાગુ નથી થઈ શકતી.
શું આ ચૂંટણીમાં પણ ડિપોઝિટ જપ્ત થાય છે?
ઉપ-રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ ડિપોઝિટ જપ્ત થવાની જોગવાઈ છે. જો કોઈ ઉમેદવારને માન્ય મતોના છઠ્ઠા ભાગ કરતાં પણ ઓછા મત મળે છે તો તેની 15 હજાર રૂપિયાની ડિપોઝિટ જપ્ત કરી લેવામાં આવે છે. અન્ય કિસ્સાઓમાં ડિપોઝિટ પાછી મળી જાય છે.
ઉપ-રાષ્ટ્રપતિને કેટલો પગાર મળે છે?
ઉપ-રાષ્ટ્રપતિને સીધી રીતે કોઈ નિયમિત પગાર મળતો નથી. જોકે, તેમને સંસદના ઉપલા ગૃહ, રાજ્યસભાના સભાપતિ તરીકે પગાર મળે છે. 2018માં થયેલા સુધારા બાદ, ઉપ-રાષ્ટ્રપતિને દર મહિને 4 લાખ રૂપિયાનો પગાર મળે છે. આ ઉપરાંત, તેમને બીજી ઘણી સુવિધાઓ પણ મળે છે.
ઉપ-રાષ્ટ્રપતિને કઈ કઈ સુવિધાઓ મળે છે?
ઉપ-રાષ્ટ્રપતિને એક ભવ્ય અને સુંદર નિ:શુલ્ક આવાસ મળે છે. દૈનિક ભથ્થું, ટ્રાવેલ એલાઉન્સ, રેલ અને હવાઈ યાત્રા, લેન્ડલાઈન ફોન, મોબાઈલ ફોન સહિતની અનેક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ઉપ-રાષ્ટ્રપતિ અને તેમના પરિવારને મફત તબીબી સુવિધાઓ પણ મળે છે. 24 કલાક હાઈ સિક્યોરિટી માટે મોટો સ્ટાફ મળે છે. પ્રાઇવેટ સેક્રેટરી અને અન્ય કર્મચારીઓ પણ આપવામાં આવે છે. નિવૃત્તિ પછી, પગારના 50% પેન્શન તરીકે મળે છે.