યુએસમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર; આ પ્રોગ્રામ રદ થવાની તૈયારી | મુંબઈ સમાચાર
Top Newsનેશનલ

યુએસમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર; આ પ્રોગ્રામ રદ થવાની તૈયારી

વોશિંગ્ટન ડી સી: આ વર્ષે જાન્યુઆરીમાં યુએસના રાષ્ટ્રપતિનું પદ સાંભળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ઈમિગ્રેશન પોલિસીમાં ધરખમ ફેરફારો કરી રહ્યા છે. અહેવાલ મુજબ ટ્રમ્પ વહીવટીતંત્ર યુએસ વર્ક એક્સપીરિયંસ મેળવવા ઈચ્છતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે જીવનરેખા સમાન ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) પ્રોગ્રામને રદ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ પ્રોગ્રામ રદ થાય તો હજારો ભારતીય વિદ્યાર્થીઓને અસર થઇ શકે છે.

અહેવાલ મુજબ તાજેતરમાં યુએસ કોંગ્રેસમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં OPT નાબૂદ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ બિલનો હેતુ વિદેશી વિદ્યાર્થીઓની જગ્યાએ અમેરિકન વિદ્યાર્થીઓ વધુ નોકરીઓ આપવાનો છે.

અહેવાલ મુજબ વર્ષ 2024 માં, લગભગ 2,00,000 વિદેશી વિદ્યાર્થીઓએ યુએસમાં OPT પ્રોગ્રામ હેઠળ વર્ક એક્સપીરિયંસ મેળવ્યો હતો અને બીજા 95,000 વિદ્યાર્થીઓએ તેના STEM એક્સટેન્શન દ્વારા વર્ક એક્સપીરિયંસ મેળવ્યો હતો. પરંતુ અભ્યાસ બાદ યુએસમાં કામ કરવાની તક ટૂંક સમયમાં બંધ થઇ જશે.

હજારો ભારતીય વિદ્યાર્થીઓને થશે અસર:

દર વર્ષે ભારતમાંથી હજારો વિદ્યાર્થીઓ યુએસમાં અભ્યાસ કરવા જાય છે, તેમને આશા હોય છે કે અભ્યાસ બાદ તેઓ યુએસમાં જ અનુભવ મેળવશે અને થોડા વર્ષો માટે ત્યાં કામ કરશે. ત્યારે OPT નાબુદ કરવામાં આવે તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે, અભ્યાસ પૂર્ણ કરતાની સાથે વિદ્યાર્થીઓને વતન પરત ફરવું પડશે.

કોંગ્રેસમાં બીલ રજુ:

સેન્ટર ફોર ઇમિગ્રેશન સ્ટડીઝમાં પોલિસી સ્ટડીઝના ડિરેક્ટર જેસિકા વોને કોંગ્રેસને OPT જેવી વિઝા સિરીઝમાં ઘટાડો કરવા અથવા તેને સંપૂર્ણપણે નાબૂદ કરવા વિનંતી કરી છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) તરફથી જોસેફ એડલોએ જણાવ્યું હતું કે F-1 વિદ્યાર્થીઓને અભ્યાસ પછી યુએસમાં કામ કરવાનો અધિકાર મળવો જોઈએ નહીં. કારણ કે વર્તમાન સિસ્ટમ યુએસ ઇમિગ્રેશન કાયદાનું ઉલ્લંઘન કરે છે.

OPT રદ કરવા માટે યુએસ કોંગ્રેસમાં હજુ જ બિલ રજૂ કરવામાં આવ્યું છે પરંતુ હજુ તે પસાર થયું નથી.

આપણ વાંચો: દુનિયાને હચમચાવતા ટ્રમ્પ છ-આઠ મહિનાના મહેમાન? જાણો વ્હાઈટ હાઉસે શું કહ્યું…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button