
અમદાવાદઃ રાજ્યમાં કારતકમાં અષાઢી માહોલ જામ્યો હતો. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી માવઠાની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે ખેડૂતોની ચિંતા વધી હતી.હવામાન વિભાગ મુજબ, આગામી 24 કલાકમાં આ ડિપ્રેશન વધુ તીવ્ર બનવાની શક્યતા છે.
જેના કારણે આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય થતા રાજ્યના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારો એલર્ટ પર છે.
ગાજવીજ સાથે વરસાદ અને પવનના જોરને પગલે પોર્ટ પર એલસી-3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાંવ્યું હતું. માછીમારોને આગામી આદેશ ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી.
આપણ વાચો: ચોમાસાની વિદાય છતાં ગુજરાતમાં ફરીથી વરસાદ? જાણો અંબાલાલ પટેલની માવઠાની આગાહી
204 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, રાજ્યમાં સવારે 6 થી સાંજના 6 કલાક સુધીમાં 204 તાલુકામાં વરસાદ પડ્યો હતો. અમરેલીના રાજુલામાં સૌથી વધુ 6.89 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
જેને લઈ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઉનામાં 4.53 ઇંચ, લીલીયામાં 4.49 ઇંચ, ગીર ગઢડામાં 4.29 ઇંચ, સાવરકુંડલામાં 3.70 ઇંચ, મહુવામાં 3.66 ઇંચ, ખાંભામાં 3.62 ઇંચ, વલ્લભીપુરમાં 3.46 ઇંચ, ગલતેશ્વરમાં 3.19 ઇંચ, કોડીનારમાં 3.15 ઇંચ, તળાજામાં 2.64 ઇંચ, જેસરમાં 2.48 ઇંચ, મેઘરજમાં 2.13 ઇંચ, ગોધરામાં 2.05 ઇંચ, બોલાસિનોરમાં 2.01 ઇંચ વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં એક તાલુકામાં 6 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં ચાર ઇંચથી વધારે, છ તાલુકામાં ત્રણ ઇંચથી વધારે, છ તાલુકામાં બે ઇંચથી વધારે, 25 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો.
આપણ વાચો: દિવાળી પછી ગુજરાતમાં માવઠાની આગાહી: ખેડૂતોની ચિંતા વધારતા હવામાન વિભાગના સંકેતો…
રાજુલામાં જળપ્રલય
હવામાન વિભાગે આવતીકાલે છૂટાછવાયા સ્થળેઓ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. જ્યારે 29, 30 અને 31 ઓક્ટોબરના રોજ પણ ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.આ દિવસોમાં 30થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે.અમરેલી જિલ્લામાં માવઠાએ તબાહી મચાવી હતી.
રાજુલાના ખાખબાઈ ગામની ધાતરવાડી નદીએ રોદ્રસ્વરૂપ ધારણ કર્યું હતું અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.કલેકટર વિકલ્પ ભારદ્વાજએ જણાવ્યું કે, અલગ-અલગ 3 જગ્યાએ 50થી 100 રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. તમામ લોકોને સુરક્ષિત બહાર બચાવી લેવાયા હતા.
એક બચાવ કામગીરી માટે રાજુલામાં ફાયરની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.પીપાવાવ પોર્ટની અંદર પણ વરસાદી પાણી ઘૂસ્યા હતા. ચોત્રા ગામની નદીમાં ઘોડાપૂર આવતા બ્રિજ પર પાણી ફરી વળ્યા હતા.
આપણ વાચો: અમદાવાદ, રાજકોટ, ભૂજમાં ગરમીનો પારો ૩૭°C ને પાર; તહેવાર ટાણે ગુજરાતમાં માવઠાની આગાહી
અનેક ગામો થયા સંપર્ક વિહોણા
ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણીની આવક થતાં 59 દરવાજા બે ફૂટ ખોલી પાણી છોડાયું હતું. ભરશિયાળે નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. ઘણા ગામોમાં પાણી ઘૂસી જતાં લોકોનું રેસ્ક્યૂ કરવાની ફરજ પડી રહી હતી.
વરસાદના કારણે ઉના તાલુકાના ખત્રીવાડ, ખંઢેરા, અમોદ્રા, ગીર ગઢડાનું કાણાકીય અને રાજુલા તાલુકાના ઉંચેયા, ધારાનાનેસ, ખાખબાઈ ગામો પૂરની પરિસ્થિતીના કારણે સંપર્ક વિહોણા થયાં હતા. ગીર સોમનાથના જામવાળા ગીરમાં આવેલો શિંગોડા ડેમ ભરાઈ જતા ડેમના ત્રણ દરવાજા ખોલવાની ફરજ પડી હતી. ગીર-ગઢડા અને કોડીનારના 12થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
પાકનો બોલી ગયો સોથ
કમોસમી વરસાદના કારણે ખેતરમાં રહેલાં અનાજના ઢગલાને ઢાંકવા છતાં પાણી ઘૂસી જતાં ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો. માવઠાંને પગલે ઘરતીપુત્રોને ડાંગર, કપાસ, તમાકુ, એરંડા, બાજરી, શાકભાજી સહિતના પાકોમાં નુકસાન વેઠવાનો વખત આવ્યો હતો.
કૉંગ્રેસે કર્યા પ્રહાર
માવઠાથી થયેલા નુકસાન મામલે કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, માવઠાથી નુકસાનને લઈને સરકાર ગંભીર નથી. ભાજપ માત્ર વાયદા અને વચનો આપે છે તેમ કહી તેમણે ચાલુ વર્ષનું પાક વિમા ધિરાણ માફ કરવા અને નુકસાન અંગે હેક્ટર દીઠ એખ લાખનું વળતર આપવા માંગ કરી હતી.



