પુતિન પહેલા ઝેલેન્સ્કી ભારતની મુલાકાતે આવશે, PM Modiએ આપ્યું આમંત્રણ

નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવશે. આ સમાચારની ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પુષ્ટી કરી હતી. પરંતુ હવે પુતિનના પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી ભારતની મુલાકાત લેશે એવા અણસાર મળી રહ્યા છે. યુક્રેનના રાજદૂત ઓલેક્ઝેન્ડર પોલિસ્ચૂકે આ અંગે સંકેત આપ્યો છે.
યુક્રેનના રાજદૂતે આપી માહિતી
આજે યુક્રેનનો 34મો સ્વતંત્રતા દિવસ છે. ત્યારે ગઈકાલે એટલે કે શનિવારે દિલ્હીના કુતુબ મીનારને યુક્રેનના રાષ્ટ્રધ્વજના રંગોથી ચળકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભારતમાં યુક્રેનના રાજદૂત ઓલેક્ઝાન્ડર પોલિશચુકે જણાવ્યું કે, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. બંને પક્ષો હાલ તેની તારીખ નક્કી કરવાનું કામ કરી રહ્યા છે. ઝેલેન્સ્કીનું ભારત આગમન બંને દેશોના સંબંધો માટે મોટી ઉપલબ્ધિ બનશે.
રશિયન ન્યૂઝ એજન્સી ઇન્ટરફેક્સે અગાઉ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ પુતિન ઓગસ્ટના અંતમાં ભારતન મુલાકાતે જશે. પરંતુ તેઓ 2025ના અંતમાં ભારતની મુલાકાત લેશે. એવું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતના વિદેશ પ્રધાન પણ રશિયાની મુલાકાતે જઈ આવ્યા છે. આ ઉપરાંત વ્લાદિમીર પુતિને ભારતના વડા પ્રધાન સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, રશિયા અને યૂક્રેન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષ કરતાંય વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઘણા પ્રયાસો બાદ બંને દેશો વચ્ચે હજુ સુધી યુદ્ધવિરામ શક્ય બન્યો નથી. જોકે એક તરફ ભારત-રશિયા વચ્ચેના સંબંધો ઘણા સારા છે. બીજી તરફ પુતિનના પહેલા ઝેલેન્સ્કી ભારતની મુલાકાતે આવવાના છે. જેને લઈને યુક્રેનના રાજદૂત ઓલેક્ઝેન્ડર પોલિસ્ચૂકે વધુમાં જણાવ્યું હતું કે, ભારત અને યુક્રેન વચ્ચે ભવિષ્યની વ્યૂહાત્મક ભાગીદારીની દીશામાં કામ ઝડપથી આગળ વધી રહ્યું છે.
આ પણ વાંચો…રશિયાએ 574 ડ્રોન અને 40 મિસાઈલોથી યુક્રેન પર કર્યો હુમલોઃ એકનું મોત