Top Newsઇન્ટરનેશનલ

વેનેઝુએલા પછી હવે 3 દેશ પર ટ્રમ્પની નજરઃ માદુરોની ધરપકડ બાદ લેટિન અમેરિકામાં ખળભળાટ

ન્યૂ યોર્ક/કરાકસઃ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીની ધરપકડ બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અન્ય લેટિન અમેરિકન દેશ મેક્સિકો, ક્યુબા અને કોલંબિયાને પણ ધમકી આપી છે. વેનેઝુએલા પછી ટ્રમ્પે એકસાથે ત્રણ દેશ પર નજર રાખી છે.

ટ્રમ્પે ચેતવણી આપતાં કહ્યું કે જો આ દેશો નહીં સુધરે તો તેમની પણ આ જ હાલત કરવામાં આવશે. અમેરિકાએ આ દેશો પર ડ્રગ્સનું ઉત્પાદન અને કાર્ટેલને આશરો આપવાનો પણ આરોપ લગાવ્યો છે. વોશિંગ્ટને માદુરોની હકાલપટ્ટી અને અટકાયત માટેનું મુખ્ય કારણ ન્યૂ યોર્કમાં દાખલ કરાયેલા ફેડરલ આરોપો દર્શાવ્યા હતા. જેમાં માદુરો પર નાર્કો-ટેરરિઝમ નેટવર્ક ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

આરોપોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ નેટવર્કે અમેરિકન જીવનનો નાશ કરવાના ઇરાદાથી અમેરિકામાં કોકેઇન અને ફેન્ટાનાઇલ જેવા ગેરકાયદે ડ્રગ્સનો ભરાવો કર્યો હતો. જો કે વેનેઝુએલાએ વોશિંગ્ટનના આ આરોપોને તદ્દન નકારી કાઢ્યા છે. વેનેઝુએલા સરકારના એક અધિકારીએ પુષ્ટી કરી છે કે કરાકસમાં અમેરિકન હવાઇ હુમલામાં ૪૦ લોકોના મોત થયા છે.

અધિકારીએ આ વાત નામ ન આપવાની શરતે પ્રારંભિક અહેવાલોને ટાંકીને કહી હતી. આ હવાઇ હુમલો ૩ જાન્યુઆરીએ હાથ ધરવામાં આવેલા ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વના ભાગરૂપે કરવામાં આવ્યો હતો. આ ઓપરેશન દરમિયાન અમેરિકન સૈનિકોએ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની અટકાયત કરી હતી.

આપણ વાચો: વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને ન્યૂયોર્ક લવાશે, ફ્રાન્સે હુમલાની નિંદા કરી…

એક્સિઓસના જણાવ્યા અનુસાર ટ્રમ્પે એવા દેશો પર દબાણ વધાર્યું છે જેમને તેમણે હેરાન કરનારા પાડોશી ગણાવ્યા છે. તેમણે ક્યુબા અંગે કહ્યું કે આ દેશ હજુ એક નિષ્ફળ દેશ છે. વળી મેક્સિકોનો ઉલ્લેખ કરતાં તેમણે દાવો કર્યો કે ત્યાં ડ્રગ કાર્ટેલ્સ દેશ ચલાવી રહ્યા છે. આ સ્થિતિમાં હવે અમારે જ કંઇક કરવું પડશે. કોલંબિયા પર આરોપ લગાવતા ટ્રમ્પે કહ્યું કે ત્યાં કોકેઇનની ત્રણ મોટી ફેક્ટરીઓ છે. તેમજ તેમણે રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રો પર કોકેઇન બનાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.

વેનેઝુએલામાં યુએસ કમાન્ડો દ્વારા ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ કોડનેમ નામનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ માદુરો અને તેમની પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. ડાબેરી નેતાની હકાલપટ્ટી બાદ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે યુનાઇટેડ સ્ટેટ્સ હવે વેનેઝુએલાને ચલાવશે અને તેના વિશાળ તેલ ભંડારનો ઉપયોગ કરશે.

આપણ વાચો: વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ધરપકડ: ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું? જાણો નિયમ

ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળશે

વેનેઝુએલામાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ દેશના કાર્યકારી રાષ્ટ્રપતિની જવાબદારી સંભાળશે. આ આદેશ વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટની બંધારણીય ચેમ્બરે શનિવારે આપ્યો હતો. અત્રે નોંધનીય છે કે યુએસ દળો દ્વારા હાથ ધરવામાં આવેલા એક ઓપરેશનમાં માદુરોની ધરપકડ કરવામાં આવી હતી.

અદાલતે આદેશમાં જણાવ્યું કે ડેલ્સી રોડ્રિગ્ઝ બોલિવેરિયન રિપબ્લિક ઓફ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ પદની જવાબદારી સંભાળશે. જેથી કરીને વહીવટી સાતત્ય અને રાષ્ટ્રના એકંદર સંરક્ષણની ખાતરી શકાય.

રાષ્ટ્રપતિની ફરજિયાત ગેરહાજરીની સ્થિતિમાં રાજ્યનું સાતત્ય, સરકારની કામગીરી અને રાષ્ટ્રીય સાર્વભૌમત્વના સંરક્ષણને સુનિશ્ચિત કરવા માટે લાગુ કાનૂની માળખાના નિર્ધારણ માટે કોર્ટ આ મામલે વધુ વિચાર-વિમર્શ કરશે.

આપણ વાચો: માદુરો તમામ મુદ્દે વાતચીત માટે તૈયાર હતાં, છતાં યુએસએ કર્યો હુમલો! ઈન્ટરવ્યુંમાં ખુલાસો

ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પણ કહ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ વેનેઝુએલાના રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળશે. ૫૬ વર્ષીય ડેલ્સી રોડ્રિગ્ઝનો જન્મ ૧૮ મે, ૧૯૬૯ના રોજ વેનેઝુએલાના કરાકસમાં થયો હતો. તે ડાબેરી ગુરિલ્લા ફાઇટર જોર્જ એન્ટોનિયો રોડ્રિગ્ઝની પુત્રી છે. જેમણે ૧૯૭૦ના દાયકામાં ક્રાંતિકારી લીગા સોશિયાલિસ્ટા પાર્ટીની સ્થાપના કરી હતી.

તે માદુરો સરકારની મજબૂત સમર્થક રહી છે. માદુરોએ તેમની સરકારને સમર્થન આપવા બદલ ડેલ્સી રોડ્રિગ્ઝને ‘સિંહણ’નું બિરૂદ આપ્યું હતું.

તેણે ૨૦૧૩થી ૨૦૧૪ સુધી સંચાર અને સૂચના પ્રધાન, ૨૦૧૪થી ૨૦૧૭ સુધી વિદેશ પ્રધાન અને ૨૦૧૭થી સરકાર સમર્થક બંધારણ સભાના વડા તરીકે સેવા આપી હતી. રોડ્રિગ્ઝને જૂન ૨૦૧૮માં વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ઓગસ્ટ, ૨૦૨૪માં તેમને તેલ મંત્રાલયની દેખરેખ અને વેનેઝુએલાના સૌથી મહત્વપૂર્ણ ઉદ્યોગ પર વધતા યુએસ પ્રતિબંધોનું સંચાલન કરવાની વધારાની જવાબદારી સોંપવામાં આવી હતી. ડેલ્સી રોડ્રિગ્ઝે એકસાથે ઉપરાષ્ટ્રપતિ, નાણા પ્રધાન અને તેલ પ્રધાન જેવા મુખ્ય હોદ્દાઓ સંભાળ્યા છે. જેના કારણે તેને વેનેઝુએલાની સંકટગ્રસ્ત અર્થતંત્રના સંચાલનમાં એક કેન્દ્રિય ચેહરો બન્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button