'ભારતને દુશ્મન ન ગણો': નિક્કી હેલીએ ટ્રમ્પ વહીવટને કેમ આપી આ સલાહ? | મુંબઈ સમાચાર
Top News

‘ભારતને દુશ્મન ન ગણો’: નિક્કી હેલીએ ટ્રમ્પ વહીવટને કેમ આપી આ સલાહ?

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના પૂર્વ રાજદૂત નિક્કી હેલીએ તાજેતરમાં એક નિવેદન આપ્યું હતું. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટને ચેતવણી આપી છે કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો એક નાજુક વળાંક પર પહોંચી ગયા છે. તેમના મતે, જો અમેરિકાને ચીનની વૈશ્વિક મહત્વાકાંક્ષાઓને કાબૂમાં રાખવી હોય તો આ સંબંધોને જલ્દીથી મજબૂત કરવા જરૂરી છે. ન્યૂઝ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, જેમાં તેમણે વિશ્વની બે સૌથી મોટી લોકશાહીઓ વચ્ચેના તણાવને દૂર કરવાની વાત કરી છે.

હેલીએ મીડિયાને જણાવ્યુ કે, રશિયન તેલના મુદ્દે અને વેપારી ટેરિફના વિવાદને કારણે બંને દેશો વચ્ચે તિરાડ પડી રહી છે, જેને અટકાવવી જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે અમેરિકાને ચીનનો સામનો કરવા માટે ભારત દેશ જેવા મિત્રની જરૂર છે અને આ મુખ્ય વાતને અવગણી ન શકાય. અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો હતો. જે બાદ રશિયન તેલની ખરીદી ચાલુ રાખવા બદલ વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો છે, જેનાથી તણાવ વધ્યો છે.

આ તણાવમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની સીઝફાયર વાતચીતમાં અમેરિકાની ભૂમિકા અને અન્ય મુદ્દાઓ પણ સામેલ છે. હેલીએ ટ્રમ્પના દબાણ અભિયાનને સમર્થન આપ્યું છે, કારણ કે તેમના મતે ભારતની ઊર્જા ખરીદી વ્લાદિમીર પુતિનના યુક્રેન વિરુદ્ધના યુદ્ધને આર્થિક મદદ કરી રહી છે. જોકે, તેમણે ભારતને દુશ્મન જેવો વ્યવહાર ન કરવાની સલાહ આપી છે, કારણ કે તે 25 વર્ષની પ્રગતિને નષ્ટ કરી શકે છે અને ચીનના એશિયાઈ વર્ચસ્વ વિરુદ્ધની લડાઈમાં મોટી ભૂલ બનશે.

હેલીએ ભારપૂર્વક કહ્યું છે કે અમેરિકાની આર્થિક અને સુરક્ષા લક્ષ્યો માટે ભારત અનિવાર્ય છે, કારણ કે તે ચીનથી સપ્લાય ચેઈનને દૂર લઈ જવા માટે કપડા, ફોન અને સોલર પેનલ જેવા ઉદ્યોગોમાં મોટા પાયે ઉત્પાદન ક્ષમતા પૂરી પાડે છે. તેમણે ભારતના અમેરિકા અને ઈઝરાયલ જેવા સહયોગીઓ સાથે વધતા સંરક્ષણ સંબંધોને પણ હાઈલાઈટ કર્યા છે. તેમના મતે, ભારતનો ઉદય ચીનના આર્થિક વિસ્તાર પછીનો સૌથી મોટો ભૂ-રાજકીય વિકાસ છે, જે ચીનની મહત્વાકાંક્ષાઓને ઘટાડી શકે છે.

હેલીએ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે સીધી વાતચીતની અપીલ કરી છે જેથી આ તણાવને રોકી શકાય. તેમણે ચેતવણી આપી કે જો કંઈ ન કરાય તો બેઈજિંગ આ તિરાડનો લાભ લેશે અને વેપારી વિવાદને કાયમી વિવાદમાં ફેરવી દેશે. તેમણે રોનાલ્ડ રીગનના ઈન્દિરા ગાંધીને કહેલા શબ્દોને ટાંકીને કહ્યું કે ભલે રસ્તા અલગ હોય, પરંતુ મંજિલ એક જ હોવી જોઈએ. આ ઉપરાંત, તેમણે ટ્રમ્પ વહીવટની નીતિની ટીકા કરી કે ભારતને સજા આપવામાં આવી છે જ્યારે ચીનને (રશિયા અને ઈરાનના સૌથી મોટા તેલ ખરીદદારને) 90 દિવસની છૂટ આપવામાં આવી છે.

આ પણ વાંચો…ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાને મોટો ફટકો! રશિયાએ ભારતને ક્રૂડ ઓઇલ રેટમાં આપી રાહત

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button