ગુજરાતમાં આજે નવા મંત્રીમંડળનો શપથ સમારોહ, મંત્રીઓ નામો અંગે સસ્પેન્સ યથાવત

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળી પૂર્વે આજે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સવારે 11.30 કલાકે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનો શપથવિધિ સમારોહ યોજાશે. જેમાં ગુરુવારે રાજ્યમાં તમામ મંત્રીઓના સામુહિક રાજીનામા લઈ લેવામાં આવ્યા હતા. જે પાછળનું કારણ પણ સામે આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વહીવટી કારણોસર તમામ પ્રધાનના રાજીનામા લેવામાં આવ્યા હતા.મંત્રીમંડળમાં 14થી વધુ નવા ચહેરાનો સમાવેશ થવાની શકયતા છે. હાલ મહાત્મા મંદિર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ નવા મંત્રીઓ નામ અંગે હજુ સસ્પેન્સ બરકરાર છે.
ભાજપ નો- રિપીટ થિયરી અપનાવે તેવી શક્યતા
આ અંગે મળતી માહિતી મુજબ નવા મંત્રીમંડળની શપથવિધિ સવારે 11:30 કલાકે યોજાશે. જેમાં 20 થી વધુ મંત્રીઓ શપથ લે તેવી સંભાવના છે. તેમજ આ વખતે પણ ભાજપ નો-રિપીટ થિયરી અપનાવે તેવી શક્યતા છે. જોકે. શપથવિધિ બાદ આજે કેબિનેટ બેઠક યોજાશે અને બેઠકમાં મંત્રીઓને ખાતાની ફાળવણી કરાશે. જ્યારે વિભાગ પ્રમાણે સ્ટાફ પણ ફાળવી દેવામાં આવ્યો છે. જેના લીધે મંત્રીઓ ઝડપથી પદગ્રહણ કરે તેવી પણ સંભાવના છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પદનામિત મંત્રીઓની સૂચિ રાજ્યપાલને સોંપશે
ઉલ્લેખનીય છે કે, રાજયપાલ સોમવારથી હરિયાણામાં હતા. ગુરૂવારની રાતે આઠેક વાગ્યે પરત રાજભવનમાં આવ્યા હોવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે રૂબરૂ મળી પદનામિત મંત્રીઓની સૂચિ રાજ્યપાલને સોંપશે. આ ઉપરાંત મંત્રીમંડળની શપથવિધિમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા, ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનીલ બંસલ અને ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ હાજર રહેશે. તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર રહે તેવી શક્યતા છે.