સૌરાષ્ટ્રમાં મેઘમહેર: સૂત્રાપાડામાં ૧૧ ઇંચથી વધુ વરસાદ, માંગરોળમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ

અમદાવાદ: રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 19 ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 86 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં નોંધાયો હતો. ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ 11.30 ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે પાટણ-વેરાવળમાં 5.67 ઇંચ, કોડીનારમાં 4.96 ઇંચ, ગીર ગઢડામાં 4.84 ઇંચ, ઉનામાં 2.60 ઇંચ અને તાલાલામાં 2.56 ઇંચ વરસાદ નોંધાયો હતો.
તે ઉપરાંત વલસાડના ઉમેરગામમાં 4.72 ઇંચ, વાપીમાં 2.32 ઇંચ, નવસારીમાં 2.28 ઇંચ, માંગરોળમાં 2.09 ઇંચ, પારડીમાં 2.01 ઇંચ, કુંકાવાવ-વડિયામાં 1.69 ઇંચ, વંથલી અને જામનગરમાં 1.61 ઇંચ, સાવર કુંડલા અને વલસાડમાં 1.57 ઇંચ, માળીયા હાટીનામાં 1.54 ઇંચ, જલાલપોરમાં 1.54 ઇંચ, જામકંડોરણામાં 1.42 ઇંચ, જાફરાબાદમાં 1.38 ઇંચ તેમજ જુનાગઢ શહેર અને તાલુકામાં 1.10 ઇંચ વરસાદ પડ્યો હતો.
જો કે સૌરાષ્ટ્રમાં આજે પણ મેઘમહેર યથાવત રહી હતી અને સવારે 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સવારે 6થી 8 વાગ્યા સુધીમાં જૂનાગઢના માંગરોળમાં 2.56 ઇંચ અને માળીયા હાટીનામાં 1.34 ઇંચ વરસાદ નોંધાયો હતો. તે ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને દ્વારકામાં અનુક્રમે 0.67 અને 0.39 ઇંચ વરસાદ નોંધાયો હતો. તે ઉપરાંત મોરવાહડફ, ઝાલોદ, સીંગવડ, ચીખલી, સંતરામપુર સહીતના તાલુકામાં 1.60 ઇંચ વરસાદ પડ્યો છે.
રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં રેડ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો…ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર વાપસી: 168 તાલુકામાં મેઘમહેર, ધોરાજીમાં 3 ઇંચ વરસાદથી પાકને જીવતદાન