
મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટી(MPC)એ તેની બાય મંથલી મોનેટરી પોલિસીની જાહેરાત કરી છે. ફુગાવાનો દર તેના ટોલરન્સ લેવલથી નીચે રહેવા છતાં RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટ 5.25 ટકા પર સ્થિર રાખવાની જાહેરાત કરી છે.
ફુગાવાનો દરને કારણે લોકોને આશા હતી કે RBI રેપો રેટમાં ઘટાડો કરશે. ગવર્નર સંજય મલ્હોત્રાની આગેવાની હેઠળ RBIની છ સભ્યોની MPC ની બેઠક 4-6 ફેબ્રુઆરી દરમિયાન મળી હતી, જેમાં તટસ્થ વલણ જાળવી રાખવાની નિર્ણય લેવામાં આવ્યો હતો. બેન્ચમાર્ક વ્યાજ દર યથાવત રહેતા લોન પરના વ્યાજ દર પણ સમાન રહેશે અને મધ્યમ વર્ગને કોઈ રાહત નહીં મળે.
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે RBI એ સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી(SDF) અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી(MSF)માં પણ કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. SDF 5 ટકા અને MSF 5.50 ટકા યથાવત રહેશે.
મોંઘવારી વધવાની શક્યતા:
સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે દેશમાં ફુગાવો નિયંત્રણ હેઠળ, નાણાકીય વર્ષ 2026 માં દેશનો છૂટક ફુગાવાનો દર 2 ટકાથી વધીને 2.1 ટકા થયો છે. ચાલુ નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળા માટે ફુગાવાનો અંદાજ 2.9 ટકાથી વધારીને 3.2 ટકા કરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ફુગાવાનો અંદાજ 3.9 ટકાથી વધારીને 4 ટકા કરવામાં આવ્યો છે, જ્યારે બીજા ત્રિમાસિક ગાળા માટે ફુગાવાનો અંદાજ 4 ટકાથી વધારીને 4.2 ટકા કરવામાં આવ્યો છે.
અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં:
RBI ગવર્નરે વધુમાં કહ્યું કે તાજેતરમાં યુએસ સાથે થયેલા વેપાર કરારથી ભારતના નિકાસને મોટો વેગ મળશે. RBI ગવર્નરે જણાવ્યું હતું કે ભારત ફોર ડાયરેક્ટ ઇન્વેસ્ટ(FDI) માટે પસંદગીનું સ્થળ છે. ભારતનું અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે. દેશનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર 7.4 ટકા સુધી પહોંચી શકે છે.
નોંધનીય છે કે RBIએ છેલ્લે ડિસેમ્બર 2025માં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો, ફેબ્રુઆરી 2025 થી અત્યાર સુધી RBI એ રેપો રેટમાં કુલ 125 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે.
આપણ વાંચો: પરીક્ષા પે ચર્ચા 2026: પીએમ મોદીજીએ આપ્યો ગુરુમંત્ર, કહ્યું વરિયર નહીં વોરિયર બનો…



