ભાદરવો ભરપૂર: 221 તાલુકાઓમાં વરસાદ, બનાસકાંઠાના સુઈગામમાં 12 ઇંચ જેટલો વરસાદ | મુંબઈ સમાચાર
Top Newsઅમદાવાદ

ભાદરવો ભરપૂર: 221 તાલુકાઓમાં વરસાદ, બનાસકાંઠાના સુઈગામમાં 12 ઇંચ જેટલો વરસાદ

અમદાવાદ: ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર રાજ્યમાં અનરાધાર વરસાદ પડ્યો હતો. રાજ્યના 221 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લામાં પડ્યો હતો, જ્યાં જિલ્લાના સુઈગામમાં 11.93 ઇંચ વરસાદ પડ્યો હતો. તે ઉપરાંત વાવમાં 5 ઇંચ, ભાભરમાં 4.61 ઇંચ વરસાદ પડ્યો હતો.

રાજ્યના 221 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 221 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લામાં પડ્યો હતો.

જિલ્લાના સુઈગામમાં 11.93 ઇંચ, વાવમાં 5 ઇંચ, ભાભરમાં 4.61 ઇંચ, વાલોદમાં 4.41 ઇંચ, કપરાડામાં 4.13 ઇંચ, વ્યારામાં 4.06 ઇંચ, થરાદમાં 3.94 ઇંચ, વલસાડમાં 3.7 ઇંચ,ધરમપુરમાં 3.54 ઇંચ, સાંતલપુરમાં 3.5 ઇંચ, દેહગામમાં 3.43 ઇંચ વરસાદ નોંધાયો હતો.

આપણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: આજે 5 જિલ્લામાં ‘રેડ એલર્ટ’, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી!

રાજ્યમાં 102.89 ટકા વરસાદ

અત્યારસુધીમાં રાજ્યમાં સરેરાશ 907 .30 મિમિ એટલે કે 102.89 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ સરેરાશ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 107.99 ટકા જેટલો નોંધાયો હતો, જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં 107.34 ટકા, ઉત્તર ગુજરાતમાં 106.50 ટકા, કચ્છમાં 99.17 ટકા અને સૌરાષ્ટ્રમાં 91.29 ટકા વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 35.37 મિમિ વરસાદ નોંધાયો હતો.

નર્મદા ડેમમાં 91.33 ટકા જળસંગ્રહ

હાલ રાજ્યમાં પડી રહેલા વરસાદની વચ્ચે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 91.33 ટકા જળસંગ્રહ છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ સંગ્રહ 84.76 ટકા જેટલો નોંધાયો હતો.

રાજ્યના 125 જળાશયો હાઇ એલર્ટ પર છે, 20 જળાશયો એલર્ટ પર અને 15 જળાશયો વોર્નિંગ પર છે. તે ઉપરાંત 93 ડેમ 100 ટકા ભરાયેલા છે, 67 ડેમ 70 ટકાથી વધુ ભરાયેલા છે, 17 ડેમ 50 ટકાથી વધુ ભરાયેલા છે.

આપણ વાંચો: સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી, ૨૫ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી

18 લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા

ગુજરાત અને ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને કારણે રાજ્યની નદીઓ બે કાંઠે વહી હતી. અનેક ડેમના દરવાજા ખોલવામાં આવતા નદીઓમાં પાણીનો પ્રવાહ વધી ગયો હતો, જેના કારણે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અનેક લોકો નદીમાં ફસાઈ ગયા હતા. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરીને કુલ 18 લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા.

સાબરમતી નદીના પાણીમાં 8 લોકો ફસાઈ ગયા

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મંડાલી ગામ પાસે સાબરમતી નદીના પાણીમાં 8 લોકો ફસાઈ ગયા હોવાની માહિતી મળતા જ એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. નદીમાં ભારે પ્રવાહ હોવા છતાં, જવાનોએ બહાદુરીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને તમામ 8 લોકોને સલામત બહાર કાઢ્યા હતા.

આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તે ઉપરાંત સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના રતનપુર ગામ નજીક સાબરમતી નદીના ધસમસતા પાણીમાં 9 લોકો, જેમાં 2 પુરુષ, 4 મહિલા અને 3 બાળકો ફસાયા હતા.

આ અંગેની જાણ એનડીઆરએફની ટીમને થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સફળ ઓપરેશન પાર પાડીને તમામ 9 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

આ સિવાય, બનાસકાંઠાના અમીરગઢ પાસે બનાસ નદીની વચ્ચે ફસાયેલા એક યુવકને પણ એસડીઆરએફ ટીમ અને મામલતદાર કચેરીના સ્ટાફની મદદથી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. મેશ્વો નદીમાં ભારે પુરની પરિસ્થિતિ સર્જાતા દહેગામ તાલુકાના હરસોલી ગામના 23 લોકોનું તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

ગાંધીનગરના જુના કોબા વિસ્તાર ખાતે આવેલા દંતાલી વાસના ૬૯ લોકોનું શેલ્ટર હોમ ખાતે સુરક્ષિત સ્થાળાંતર કરવામાં આવ્યું હતું. ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ લોકોને બિનજરૂરી રીતે નદી, નાળા, કોઝવે કે નીચાણવાળા વિસ્તાર માં ન જવાની અપીલ કરી હતી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button