Top Newsનેશનલ

RAC ટિકિટમાં અડધી સીટ માટે પૂરું ભાડું વસૂલવું ‘અયોગ્ય’: રિફંડ આપવાની ભલામણ

સુપરફાસ્ટ ટ્રેનની ઝડપ લગભગ બમણી કરવા ભલામણ, ધીમી ટ્રેનોને સુપરફાસ્ટ નહીં ગણવા સંસદીય સમિતિની ભલામણ

નવી દિલ્હી: દેશમાં લાંબા અંતરની મુસાફરી માટે મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં ટ્રાવેલ કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે, જેમાં રોજના કરોડો પ્રવાસી મુસાફરી કરે છે, જેથી ટ્રેનમાં અમુક વખતે પ્રવાસીઓને કન્ફર્મ ટિકિટ પણ મળતી નથી. આરએસી (રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન) પર મુસાફરી કરીને ટ્રાવેલ કરતા હોય છે, પરંતુ એમાં ભાડું પૂરું આપવું પડે છે, જે મુદ્દો સંસદમાં ગાજ્યો હતો.

સંસદીય સમિતિએ કહ્યું હતું કે આરએસી (રિઝર્વેશન એગેન્સ્ટ કેન્સલેશન)ની ટિકિટ પર ભાડું વસૂલવાનું યોગ્ય નથી, કારણ કે તેમાં પ્રવાસીઓને પૂરી સીટ પણ મળતી નથી અને ક્યારેક કન્ફર્મ બર્થ વિના પણ મુસાફરી કરવી પડતી હોય છે.

એક સંસદીય સમિતિએ જણાવ્યું હતું કે ટ્રેનની રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન (આરએસી) ટિકિટવાળાએ પૂરી બર્થ વિના પ્રવાસ કરવો પડે છે અને તેથી તેઓને થોડું રિફંડ આપવું જોઇએ. આ ઉપરાંત, સુપરફાસ્ટ ટ્રેનની સરેરાશ ઝડપ કલાક દીઠ 55 કિલોમીટરથી લગભગ બમણી એટલે કે એકંદર 100 કિલોમીટર કરવી જોઇએ તેમ જ તેનાથી ઓછી ઝડપી ટ્રેનોને સુપરફાસ્ટના વર્ગમાંથી કાઢી નાખવી જોઇએ.

આપણ વાચો: ટ્રેનમાં સાઇડ લોઅર બર્થ પર ઊંઘવા માટેનો શું છે Indian Railwayનો નિયમ? નહીં જાણો તો મુશ્કેલીમાં મુકાશો!

જાહેર હિસાબ સમિતિએ ભારતીય રેલવેના ‘ટ્રેન વ્યવહારમાં ચોક્કસતા અને પ્રવાસનો સમય’ મથાળા હેઠળના સંસદમાં રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે ટ્રેનનો આખરી ચાર્ટ તૈયાર થઇ જાય તે પછી પણ આરએસી રહેલી ટિકિટના ધારકે આખી બર્થ વિના પોતાનો પ્રવાસ પૂરો કરવો પડે છે. તેથી રેલવેએ આરએસી ટિકિટવાળાને થોડું રિફંડ આપવા માટેની ગોઠવણ કરવી જ જોઇએ.

રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન (આરએસી) ટિકિટવાળાને હાલમાં જો પોતાની ટ્રેનનો ચાર્ટ તૈયાર થયા બાદ ટિકિટ પૂરા રિઝર્વેશન સાથે ક્ધફર્મ ન થાય અને આખી સીટ ન મળે તો પોતાની બર્થ અન્ય આરએસી ટિકિટધારકની સાથે શૅર કરવી પડે છે. આ બન્ને આરએસી ટિકિટધારક પાસેથી રેલવે પૂરું ભાડું જ વસૂલ કરે છે. જાહેર હિસાબ સમિતિએ રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન ટિકિટવાળાને થોડું રિફંડ આપીને તેની જાણ તેઓને (સંબંધિત મુસાફરોને) કરવા રેલવેને ભલામણ કરી હતી.

અહેવાલમાં સુપરફાસ્ટ ટ્રેનની વ્યાખ્યા અને તેને લગતા માપદંડ અંગે જણાવાયું હતું કે રેલવેએ 2007ના મેમાં નક્કી કર્યું હતું કે અપ અને ડાઉન દિશામાં બ્રૉડ ગૅજની ટ્રેનની સરેરાશ ઝડપ જો કલાક દીઠ 55 કિલોમીટર હોય અને મીટર ગૅજમાં કલાક દીઠ 45 કિલોમીટર હોય તો તેને સુપરફાસ્ટ ટ્રેન ગણવી.

આપણ વાચો: એક જ પીએનઆર પર બુક થયેલી વેઇટિંગ લિસ્ટની ટિકિટ પર પ્રવાસીઓ પ્રવાસ કરી શકે? જાણો રેલવેનો નવો નિયમ…

આમ છતાં, ઑડિટમાં જોવા મળ્યું હતું કે હાલના સમયે સુપરફાસ્ટ ટ્રેનની સરેરાશ ઝડપ કલાક દીઠ 55 કિલોમીટરની બહુ જ ઓછી ગણાય અને રેલવે દ્વારા સુપરફાસ્ટ ટ્રેનની વ્યાખ્યામાં 2007થી કોઇ ફેરફાર નથી કરાયો. જાહેર હિસાબ સમિતિએ જણાવ્યું હતું કે રેલવેની 478 સુપરફાસ્ટ ટ્રેનમાંની 123 ટ્રેનની ઝડપ કલાક દીઠ 55 કિલોમીટરથી ઓછી છે.

રેલવે મંત્રાલયે સમિતિને જણાવ્યું હતું કે સુપરફાસ્ટ 123 ટ્રેનમાંની 47 ટ્રેનની ઝડપ કલાક દીઠ 55 કિલોમીટરથી વધુ છે, જ્યારે બાકીની ટ્રેનની ઝડપ તેનાથી ઓછી છે. ટ્રેનોને વધારાના સ્ટેશને સ્ટોપ આપવાથી તેઓની સરેરાશ ઝડપ ઘટે છે.

અહેવાલમાં જણાવાયું હતું કે સુપરફાસ્ટ ટ્રેનની ઝડપ કલાક દીઠ 55 કિલોમીટર કે તેનાથી ઓછી હોવા અંગે રેલવે મંત્રાલયે પણ નારાજગી વ્યક્ત કરી છે. ઓછી ઝડપવાળી ટ્રેનોને સુપરફાસ્ટ ગણવાનું બંધ કરવું જોઇએ.

તેમણે જણાવ્યું હતું કે સુપરફાસ્ટ ટ્રેનની ઝડપ કલાક દીઠ 55 કિલોમીટર બહુ જ ધીમી ગણાય. ચીન અને જાપાન, જેવા પૂર્વ એશિયાના દેશોની ટ્રેનોની ઝડપની સરખામણીમાં ભારતીય રેલવેની સુપરફાસ્ટ ટ્રેનોની ઝડપ ઘણી જ ઓછી ગણાય. સુપરફાસ્ટ ટ્રેનની સરેરાશ ઝડપ કલાક દીઠ 55 કિલોમીટરથી લગભગ બમણી એટલે કે 100 કિલોમીટર કરવી જોઇએ.

સમિતિએ જણાવ્યું હતું કે નવી ટ્રેનોને પસાર થવા માર્ગ આપવા માટે હાલની એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનો મોડી થાય છે. હાલની ટ્રેનોને વિલંબ ન થાય તેના પર રેલવેએ વધારે ધ્યાન આપવું જોઇએ.
(એજન્સી)

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button