90 ટકા ઉત્પાદન છતાંય 1 ટકાનો નફો નહીં: મખાનાની ખેતી કરતા ખેડૂતોની રાહુલ ગાંધીએ પરિસ્થિતિ જાણી

બિહાર: ‘વોટ ચોરી’ને ઉજાગર કરવાનું અભિયાન શરૂ કરવાની સાથોસાથ રાહુલ ગાંધીએ 17 ઓગસ્ટ 2025થી’વૉટર અધિકાર યાત્રા’ શરૂ કરી છે. રાહુલ ગાંધી આ યાત્રાની આગેવાની કરી રહ્યા છે. બિહારના સાસારામ ખાતેથી શરૂ થયેલી યાત્રા કટિહાર જિલ્લાના એક ગામમાં પહોંચી હતી. જ્યાં રાહુલ ગાંધીએ પાણી ભરેલા ખેતરની વચ્ચે જઈને ખેડૂતો સાથે વાતચીત કરી હતી.

રાહુલ ગાંધી શીખ્યા મખાનાની ખેતી
કટિહાર ખાતે રાહુલ ગાંધી મખાનાની ખેતી કરતા ખેડૂતોને મળ્યા હતા. રાહુલ ગાંધીએ મખાનાની ખેતી અને તેના પ્રોસેસિંગ વિશે માહિતી મેળવી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીએ એક્સ પર લખ્યુ હતું કે, “બિહાર રાજ્ય વિશ્વના 90% મખાનાનું ઉત્પાદન કરે છે, પરંતુ તેની ખેતી કરતા ખેડૂતો અને મજૂરોને તેમની મહેનતનું પૂરતું વળતર મળતું નથી. જે લોકો તડકા અને વરસાદમાં દિવસ-રાત કામ કરે છે, તેમને નફાનો 1 ટકા પણ ભાગ મળતો નથી.

આ ખેડૂતો અને મજૂરો અત્યંત પછાત, દલિત અને બહુજન સમાજના છે. ખેતીમાં મહેનત 99 ટકા બહુજનોની અને ફાયદો ફક્ત 1 ટકા વચેટિયાઓનો. વોટ ચોર સરકારને ન તો ખેડૂતોની કદર છે, ન કોઈ ચિંતા છે. ન આવક આપી, ન ન્યાય આપ્યો. મત આપવાનો અધિકાર અને કૌશલ્યનો અધિકાર એક જ સિક્કાની બે બાજુઓ છે. આ બંનેને અમે ક્યારેય ગુમાવવા દઈશું નહીં.”
1 સપ્ટેમ્બરે થશે યાત્રાનું સમાપન
કટિહારમાં રાહુલ ગાંધી સાથે વીઆઈપીના સ્થાપક મુકેશ સાહી પણ જોડાયા હતા. તેમણે રાહુલ ગાંધીને મખાનાને તળાવમાંથી કાઝીને તેને ફોડવા સુધીની તમામ પ્રક્રિયા સમજાવી હતી. રાહુલ ગાંધીએ ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે, જો તેમની સરકાર બનશે, તો રાજ્યમાં મજૂરોના જીવનમાં ખુશીઓ આવશે.

ઉલ્લેખનીય છે કે, ‘વૉટર અધિકાર યાત્રા’ અત્યાર સુધી બિહારના આઠ જિલ્લાઓમાં ફરી ચૂકી છે. 1 સપ્ટેમ્બરના રોજ પટનામાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં આ યાત્રાનું સમાપન કરવામાં આવશે.
આ પણ વાંચો…નવા બિલ મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર! આક્ષેપોમાં કેટલું સત્ય?