
નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી છેલ્લા કેટલાક મહિનાથી કથિત ‘વોટ ચોરી’ મામલે ભાજપ અને ચૂંટણી પંચને ઘેરી રહ્યા છે. આજે ગુરુવારે રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચૂંટણીમાં ગેરરીતિઓ મામલે ફરી મોટા ઘટસ્ફોટ કર્યા હતાં. તેમણે ભારતભરમાં લાખો મતદારોના નામ ડિલીટ કરવા અંગે ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યા, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કેટલાક પુરાવા રજુ કર્યા અને કહ્યું કે હજુ પણ તપાસ ચાલી રહી છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે કેટલાક સંગઠનો ભારતભરમાં લાખો મતદારોના નામ મતદાર યાદીમાંથી હટાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ એક પ્રેઝન્ટેશન રજુ કરીને આંકડા અને નામો સહીત અન્ય પુરાવા આપ્યા.
રાહુલ ગાંધીએ આપ્યા આ પુરાવા:
પ્રેઝન્ટેશનમાં રાહુલ ગાંધીએ કર્ણાટકના આલંદ મતવિસ્તારમાં થયેલી કથિત ગેરરીતીના આંકડા રજુ કર્યા. તેમણે કહ્યું કે આ એક જ મતવિસ્તારમાંથી 6,018 મતદારોના નામ ડિલીટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે દવાઓ કર્યો કે જે બુથો પર કોંગ્રેસ પાર્ટી જીતી રહી હતી એવા બૂથોને નિશાન બનાવીને વોટરના નામ ડિલીટ કરવામાં આવી રહ્યા છે.
રાહુલ ગાંધીએ ગોદાબાઈ નામની એક મહિલા મતદારનું ઉદાહરણ આપ્યું. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે કોઈએ ગોદાબાઈના નામે નકલી લોગિન આઈડી બનાવ્યા અને 12 મતદારોના નામ ડિલીટ કરવાનો પ્રયાસ કર્યો, જે અંગે ગોદાબાઈને કોઈ ખ્યાલ નથી. મતદારોના નામ ડિલીટ કરવા માટે ઉપયોગમાં લેવાતા મોબાઈલ નંબરો કર્ણાટકના નહીં, પરંતુ દેશના અલગ અલગ રાજ્યોમાં રજીસ્ટર થયેલા છે.
રાહુલ ગાંધીએ સ્ક્રિન પર પુરાવા સાથેની કેટલીક સ્લાઇડ્સ પણ બતાવી. તમણે કહ્યું કે “પ્રશ્ન એ છે કે, આ નંબર કોના છે અને તે કેવી રીતે ઓપરેટ કરવામાં આવ્યા હશે, OTP કોણે જનરેટ કર્યા?”
રાહુલ ગાંધીએ વધુ એક પુરાવો રજુ કર્યો. રાહુલ ગાંધીએ જણાવ્યું કે સૂર્યકાંત નામના એક વ્યક્તિએ 14 મિનિટમાં 12 મતદારોના નામ ડિલીટ કર્યા. રાહુલ ગાંધીએ સૂર્યકાંત અને જેના નામ ડિલીટ થયા હતાં એ બબીતા ચૌધરીને સ્ટેજ પર હાજર કર્યા.
રાહુલ ગાંધીએ વધુ એક પુરાવો આપતા કહ્યું નાગરાજ નામના વ્યક્તિએ એક દિવસ સવારે 4:07 વાગ્યે 38 સેકન્ડમાં બે ફોર્મ ભર્યા હતાં, અને તેમને કહ્યું કે તમે એકવાર ફોર્મ ભરવાનો પ્રયાસ કરી જુઓ અને કેટલો સમય લાગે એ તપાસી જુઓ. એક માણસ આવું કેવી રીતે કરી શકે?
ચૂંટણી પંચને CIDના પત્રો:
દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર આરોપ લગાવતા રાહુલ ગાંધીએ કહ્યું, “મતદારોના નામ ડિલીટ કરવાના કથિત કૌભાંડ અંગે જાણકારી માંગવામાં, કર્ણાટક CIDએ છેલ્લા દોઢ વર્ષમાં ચૂંટણી પંચને 18 જેટલા રીમાઇન્ડર લેટર મોકલ્યા છે.”
હજુ ‘હાઇડ્રોજન બોમ્બ’ બાકી છે:
કથિત “વોટ ચોરી” કૌભાંડ અંગે રાહુલ ગાંધીની આ બીજી પ્રેસ કોન્ફરન્સ હતી, અગાઉ તેમણે 7 ઓગસ્ટના રોજ પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચ સાથે મળીને ભાજપે વોટ ચોરી કૌભાંડ આચર્યું હતું. બિહાર વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાહુલ ગાંધીએ કરેલા દાવા અંગે હોબાળો મચી ગયો છે.
જો કે તમણે પણ કહ્યું કે, “હજુ તપાસ કરવામાં આવી રહી છે. જેના 100 ટકા પુરાવા ના હોય એવું કંઈ પણ હું આ મંચ પરથી કહેવા ઈચ્છતો નથી. હજુ ‘હાઇડ્રોજન બોમ્બ’ આવવાનો બાકી છે.”